- 13 દિવસનો જેઠ કૃષ્ણ પક્ષ અને તેમાં શનિ વક્રી, રાજકીય હિલચાલના પણ સંકેત
- એકમની ક્ષય તિથી સાથે જેઠ કૃષ્ણ પક્ષ શરૂ અને તેરસનો પણ ક્ષય, 23 જૂનથી 5 જુલાઇનો સમય ચિંતાજનક
- ભૂતકાળમાં 13 દિવસના કાલ યોગમાં મોટી દુર્ઘટના-રોગચાળો થયા હતા
સૂર્યદેવના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ ચોમાસાનું મહત્વનું નક્ષત્ર શરૂ થઇ ગયું છે. જોકે, હવે રવિવારથી શરૂ થતા જેઠ કૃષ્ણ પક્ષે ચિંતા, અવઢવ, વિમાસણની સ્થિતિ સર્જી છે. કારણ કે, એકમ અને તેરસની ક્ષય તિથી સાથે આ વખતે માત્ર 13 દિવસનું જ જેઠ કૃષ્ણ પક્ષ આવી રહ્યું છે. તેમાં પણ શનિ વક્રી થઇ રહ્યો હોય કાલ યોગ બની રહ્યો છે.
13 દિવસના પખવાડીયાને લઇને તર્કવિતર્કનો દૌર શરૂ થયો
આ કાલ યોગ કુદરતી આફતના અણસાર આપી રહ્યો હોવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. 23 જૂનથી 5 જુલાઇ સુધીના જેઠ કૃષ્ણ પક્ષ વેળાએ રાજકીય હિલચાલના પણ સંકેત મળતા હોવાનો સૂર જ્યોતિષી આલાપી રહ્યા છે. ભૂતકાળમાં 13 દિવસના કાલ યોગમાં મોટી દુર્ઘટના-રોગચાળો, કુદરતી પ્રકોપ, નોંધનીય ઘટનાઓ બની હોય આ વખતે 13 દિવસના પખવાડીયાને લઇને તર્કવિતર્કનો દૌર શરૂ થયો છે.
શનિવારે જેઠ પૂર્ણિમા, વટસાવિત્રી વ્રતના પારણાં બાદ રવિવારે જેઠ વદ બીજ રહેશે.
ચાલુ વર્ષે જેઠ વદ એકમની ક્ષય તિથી વચ્ચે શુક્રવારે વટસાવિત્રી વ્રતની પૂનમની ઉજવણી થઇ હતી. જ્યારે શનિવારે જેઠ પૂર્ણિમા, વટસાવિત્રી વ્રતના પારણાં બાદ રવિવારે જેઠ વદ બીજ રહેશે. એકમના ક્ષય બાદ 3 જુલાઇના રોજ તેરસનો પણ ક્ષય છે. એક જ પખવાડીયામાં બે ક્ષય તિથી છે અને 29 જૂનના રોજ શનિદેવ વક્રી થઇ રહ્યા છે. આ સંજોગોમાં અશુભ ગણાતો કાલ યોગ બનતો હોવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે.
એકમના ક્ષય બાદ 3 જુલાઇના રોજ તેરસનો પણ ક્ષય છે
જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, ભવિષ્ય માલિકા, સનાતન ધર્મ, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને અન્ય ઘણા ગ્રંથો પ્રમાણે 13 અંકને અશુભ માનવામાં આવે છે. તેમાં પણ કુંભનો શનિ (મૂલ ત્રિકોણ) વક્રી હોય, 13 દિવસનો પક્ષ હોય અને રવિવાર આવતો હોય તો અશુભ કારક પક્ષ (પખવાડીયું) માનવામાં આવે છે. તેમાં કૃષ્ણ પક્ષમાં 13 દિવસનો પક્ષ બહુ જ અશુભ ગણવામાં આવે છે.
શનિદેવ 29 જૂનથી 139 દિવસ માટે વક્રી
શનિદેવ 29 જૂનથી 139 દિવસ માટે વક્રી થઇ રહ્યા છે. જેને કારણે રાજકીય ક્ષેત્રે તેજ હિલચાલ થઇ શકે. આ 13 દિવસમાં અનિયંત્રિત પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે અને તેને કાબૂમાં લેતા ઘણો સમય પણ લાગી શકે.
13 દિવસનો પક્ષ અને શનિ વક્રી હોય ત્યારે વિનાશની સાબિતી
મહાભારત યુદ્ધ કાળથી અત્યાર સુધીમાં જ્યારે 13 દિવસનો પક્ષ આવ્યો હોય અને શનિ વક્રી થયો હોય ત્યારે આફતના કિસ્સા બન્યા છે. સનાતન ધર્મ અને મેઘ મહોદય ગ્રંથ પ્રમાણે 13 દિવસનો પક્ષ આવે અને તે પણ કૃષ્ણ પક્ષમાં આવે ત્યારે જો શનિ વક્રી હોય તો ભયંકર ઉપાધિ, પ્રાકૃતિક આપદા, મહામારી, ભૂકંપ, ધાર્મિક આંદોલન, દુર્ઘટનાનો યોગ બને છે. આ 13 દિવસમાં ઘણી મોટી દુર્ઘટનાઓનો પાયો નંખાઇ જાય અને તેના પરિણામો આગામી સમયમાં જોવા મળે એવું પણ બની શકે.
2021માં 13 દિવસનો પક્ષ ચાલતો હતો ત્યારે કોરોના વાયરસ પીક પર હતો
2021માં 13 દિવસનો પક્ષ ચાલતો હતો ત્યારે કોરોના વાયરસ પીક પર હતો. મહાભારત યુદ્ધ સમયે પણ 13 દિવસનો કાલ યોગ પક્ષ અને ગ્રહણ બન્નેનો યોગ સર્જાયો હતો. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વેળાએ પણ 13 દિવસનો પક્ષ રહ્યો હતો. આ વખતે જ્યોતિષ અને અન્ય પરિસ્થિતને જોતાં ભારતમાં મણીપુર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં કાલ યોગનો પ્રભાવ જોવા મળી શકે છે. રાજકીય રીતે મોટા બદલાવ દેખાશે.