• નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે
  • નવરાત્રિનો તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે
  • નવરાત્રિ એટલે નવ દિવસ સુધી દેવી દુર્ગાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરવી

નવરાત્રિના નવ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે જે આ નવ દિવસોમાં સાચા દિલથી મા દુર્ગાની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રિ એટલે નવ દિવસ સુધી દેવી દુર્ગાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે નવરાત્રિનો તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે.

આસો સુદ-1થી આસો સુદ-9 સુધીના પવિત્ર દિવસોને આસો નવરાત્રિ તરીકે ઓળખાય છે. વર્ષભરમાં કુલ 4 વાર નવરાત્રિ પર્વ આવે છે. મહા અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પર્વ કહેવાય છે. આ નવરાત્રિ ગૂઢ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ મનાય છે. જ્યારે ચૈત્ર અને આસો માસની નવરાત્રિ મહાપર્વ કહેવાય છે. ખાસ કરીને આ શરદઋતુમાં માનવ કે પ્રાણી અનેક પ્રકારનાં કષ્ટોથી બીમારીથી પીડાય છે માટે તમામ કષ્ટો અને પીડાથી મુક્ત થવા શાસ્ત્રમાં મા જગદંબાની ઉપાસના વિશેષ બતાવી છે.

શારદીય નવરાત્રિ અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેનાથી સંબંધિત બે પૌરાણિક કથાઓ છે. આવો જાણીએ નવરાત્રીના પૌરાણિક ઈતિહાસ અને મહત્વ વિશે.

પ્રથમ દંતકથા અનુસાર, દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો, જેણે બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું હતું કે પૃથ્વી પર રહેનાર કોઈ પણ દેવ, રાક્ષસ અથવા વ્યક્તિ તેને મારી શકશે નહીં. બ્રહ્માજીના વરદાન પછી મહિષાસુરે પૃથ્વી પર આતંક મચાવ્યો. મહિષાસુરને મારવા માટે દેવી દુર્ગાનો જન્મ થયો હતો. મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને દસમા દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો.

બીજી કથા અનુસાર, ભગવાન રામે રામેશ્વરમમાં નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી હતી. માતા દુર્ગાએ પ્રસન્ન થઈને શ્રી રામને વિજયના આશીર્વાદ આપ્યા હતા. આ પછી દસમા દિવસે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું અને લંકા જીતી લીધી. તેથી, દસમી તિથિને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.આમ મા દુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ.


  • Follow us on: