- માંગલિક કાર્ય કરતા પહેલા શુભ મુહૂર્ત અવશ્ય જોવામાં આવે
- શુભ મુહૂર્તમાં કરવામાં આવેલ કોઈપણ કાર્ય અથવા અનુષ્ઠાન હંમેશા સફળ થાય
- ધાર્મિક વિધિઓ, પૂજા, લગ્ન, ગૃહપ્રવેશ વગેરે માટે શુભ મુહૂર્ત જોવા અનિવાર્ય
હિંદુ ધર્મમાં કોઈપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરતા પહેલા શુભ મુહૂર્ત અવશ્ય જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલ કોઈપણ કાર્ય અથવા અનુષ્ઠાન હંમેશા સફળ થાય છે અને સારા પરિણામ પ્રાપ્ત થાય છે. આ કારણથી હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો કોઈપણ પ્રકારના શુભ કાર્ય, ધાર્મિક વિધિઓ, પૂજા, લગ્ન, ગૃહપ્રવેશ વગેરે માટે શુભ મુહૂર્ત જોઇને જ કાર્યનો આરંભ કરે છે.
શુભ મુહૂર્ત એ કોઈપણ નવા કાર્ય અથવા શુભ કાર્યની શરૂઆત કરવાનો સમય હોય છે, જે દરમિયાન તમામ ગ્રહો અને નક્ષત્રો સારી સ્થિતિમાં હોવાથી શુભ પરિણામ આપે છે. મુહૂર્ત શાસ્ત્રના અભ્યાસથી જીવનમાં શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત માટે તારીખ અને સમય નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ સમય જ મુહૂર્ત કહેવાય છે.
શુભ મુહૂર્તના પ્રકાર
વણજોયુ મુહૂર્ત
જો કે શુભ મુહૂર્તમાં કેટલાક વણજોયુ મુહૂર્ત હોય છે. વસંત પંચમી, અખાત્રીજ, ભડલી નોમ આવા જ મુહૂર્ત છે જેમાં કોઇ મુહૂર્તની જરૂર રહેતી નથી.
અભિજિત મુહૂર્ત :
તમામ મુહૂર્તો પૈકી અભિજીત મુહૂર્ત ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. અભિજિત મુહૂર્ત દરરોજ બપોરના સમયથી લગભગ 24 મિનિટ પહેલા શરૂ થાય છે અને બપોરના સમયની 24 મિનિટ પછી સમાપ્ત થાય છે.
ગુરુ પુષ્ય યોગ :
જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ રચાય છે, ત્યારે તેને ગુરુ પુષ્ય યોગ કહેવામાં આવે છે. તમામ યોગોમાં ગુરુ પુષ્ય યોગ મુખ્ય છે. આ યોગમાં કરવામાં આવતા દરેક કાર્ય શુભ હોય છે.
રવિ પુષ્ય યોગ :
રવિવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ રવિ પુષ્ય યોગ કહેવાય છે. તમામ શુભ કાર્યોની શરૂઆત કરવા માટે રવિ પુષ્ય યોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
અમૃત સિદ્ધિ યોગ :
અમૃત સિદ્ધિ યોગ પણ એક શુભ મુહૂર્ત છે. આ યોગમાં કરેલા તમામ કાર્ય પૂરા થાય છે. આ યોગને શુભ કાર્ય માટે શુભ સમય માટે પ્રથમ સ્થાનમાં રાખવામાં આવે છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ :
આ યોગને એક એવો શુભ યોગ કહેવાય છે જે તમામ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે. સર્વાર્થ સિદ્ધિ યોગ ચોક્કસ વાર અને ચોક્કસ નક્ષત્રના સંયોજનથી રચાય છે. આ યોગમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય થઈ શકે છે.