• 6 જુલાઈએ સૂર્યદેવ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરતાં વરસાદી માહોલ રહેશે.
  • 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થતાં કેટલીક જગ્યાઓએ અતિવૃષ્ટિ થશે
  • જૈનો શાસ્ત્રો પ્રમાણે કેરી, જાંબુ જેવા ફળોનો ત્યાગ કર્યો

22 જૂનના ગુરુવારે સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થવાની સાથે જ વરસાદને લઇને વરતારો કાઢવામાં આવી રહ્યો છે. હાલ નક્ષત્ર, વાહનને જોતાં મધ્યમ વરસાદ સાથે સિઝનની શરૂઆત થશે, એવો મત જ્યોતિષી આપી રહ્યા છે. બીજી બાજુ જૈન સમુદાયમાં આદ્રા નક્ષત્ર આરંભ સાથે જોડાયેલી પરંપરાને આધીન કેરી, જાંબુ ઇત્યાદિ ફળોનો ત્યાગ કરવામાં આવ્યો છે 'સવ્વે જીવાવિ ઇચ્છંતિ જીવવું' સૂત્રને આધીન ચાલતી પરંપરા પ્રમાણે હવે જૈન સમુદાયના લોકો કેરી જેવા ફળ ચોમાસાની સિઝન વેળાએ આરોગશે નહીં. જ્યોતિષીઓનું માનીએ તો, વિવિધ સંયોગને જોતાં 6 જુલાઈ સુધી વરસાદની મધ્યમ શરૂઆત રહેશે.22 જૂનથી 6 જુલાઈ વચ્ચે વરસાદની મધ્યમ શરૂઆતની શક્યતા સેવાઈ રહી છે.

30 ઓગસ્ટ સુધી સૂર્યદેવ વિવિધ નક્ષત્રમાં પ્રવેશ કરતાં કેવો રહેશે વરસાદ?

6 જુલાઈએ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ: બુધવાર. ચંદ્ર નક્ષત્ર-ઉ.ફા. વાહન ઉંદર. વરસાદી માહોલ રહેશે અને વરસાદ મધ્યમ રહેશે.

20 જુલાઈએ પુષ્યનક્ષત્રમાં પ્રવેશ: બુધવાર. ચંદ્ર નક્ષત્ર-રેવતી. વાહન શિયાળ. પવન રહેશે અને વરસાદ મધ્યમ રહેશે.

3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ: બુધવાર. ચંદ્ર નક્ષત્ર-હસ્ત. વાહન મોર. વરસાદ સારો રહેશે. કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિની સંભાવના છે.

17 ઓગસ્ટે મઘા નક્ષત્રમાં પ્રવેશ: બુધવાર. ચંદ્ર નક્ષત્ર- અશ્વિની. વાહન અશ્વ. સારા વરસાદથી પાણીની સમસ્યા દૂર થશે.

22 જૂનથી આદ્રા નક્ષત્ર, જૈનો શાસ્ત્રો પ્રમાણે કેરી, જાંબુ જેવા ફળોનો ત્યાગ કર્યો

જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ મુજબ વર્ષની પરંપરાનું આદ્રા નક્ષત્રથી અનુસરણ કરાશે. જૈન શ્રાાવકે જણાવ્યું હતું કે, ગુરુવારે આદ્રા નક્ષત્ર શરૂ થવાની સાથે જ કેરી, જાંબુ જેવા અમુક ફળોમાં વર્ષાકાળ-ચોમાસાના વાતાવરણની અસરને કારણે જીવોની ઉત્પત્તિ થાય છે. જૈનાગમ શ્રાી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યું છે કે, સવ્વે જીવાવિ ઇચ્છંતિ જીવવું અર્થાત જગતના દરેક જીવોને જીવવું ગમે છે. મરવું કોઇને ગમતું નથી. જૈનો તો જીવદયાના પાલનહાર છે. વળી, જૈન આગમ શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ જૈન શાસ્ત્રોમાં અભિજિત સ્વાતિથી લઇને ઉત્તરાષાઢા વિવિધ પ્રકારના નક્ષત્રનો ઉલ્લેખ આવે છે. તેમાં આદ્રા પણ એક નક્ષત્ર છે.

'સવ્વે જીવાવિ ઇચ્છંતિ જીવવું' સૂત્રને આધીન વર્ષોથી ચાલતી પરંપરા

આદ્રા બેસતા આમ્રફળ, જાંબુ આદી ફળોના સ્વાદ પણ બદલાઇ જાય છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ-વાયુના રોગો થવાની સંભાવના રહેલી છે. જૈનો તો ઠીક, પરંતુ અમુક જૈનેત્તરો પણ આદ્રા પછી કેરી આરોગતા નથી. જીવદયાના લક્ષે વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે કેરી ત્યાગ કરી જીવદયાનું જતન કરાશે.

ગુરુવારે આદ્રા વેળાએ હર્ષણયોગ, મધ્યમ વરસાદની શક્યતા

જ્યોતિષીના મત મુજબ, ગુરુવારે સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો. તે વેળાએ કર્કના ચંદ્રમાં આશ્લેષા નક્ષત્રમાં, હર્ષણયોગ, બવકરણમાં રહેશે. આ સમયે વાહન ઘેટું છે. તિથિ શુભ છે. યોગ હર્ષણ છે. વાર શુભ ગ્રહ છે. નક્ષત્ર બુધ ગ્રહનું છે. આદ્રા પ્રવેશ સમયે વૃશ્ચિક લગ્ન છે. લગ્ન પાપગ્રહનું છે. વિવિધ સંયોગને જોતાં આદ્રા નક્ષત્રમાં ભ્રમણ વેળાએ મધ્યમ વરસાદનો પ્રારંભ થવાની શક્યતા છે. ૨૦ જુલાઇએ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ બાદ સારા વરસાદની શરૂઆત થશે. ઓગસ્ટમાં આશ્લેષા નક્ષત્ર વેળાએ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિની સંભાવના છે.


  • Follow us on: