• હવે ડિસેમ્બરના ચાલુ મહિનામાં 14 અને 15મીએ બે લગ્નમુહૂર્ત બાકી

  • કમુરતાના આરંભ પછી 21 જાન્યુઆરીએ લગ્નનું પહેલું મુહૂર્ત આવશે
  • સૂર્યદેવ 16મીએ સાંજે 4 વાગ્યે વૃશ્ચિકમાંથી ધનમાં રાશિ પરિવર્તન કરશે

હિન્દુ સમુદાયમાં સૂર્યદેવના રાશિ પરિવર્તન, ગુરુ-શુક્રના અસ્ત સહિતના કેટલાક સંયોગમાં લગ્નમુહૂર્ત લેવાતા નથી. દર વર્ષે ધન રાશિ અને મીન રાશિમાં સૂર્યદેવના ભ્રમણ વેળાએ કમુરતા હોઈ લગ્નકાર્યો વર્જિત માનવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે દિવાળી બાદ શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝનમાં હવે કમુરતાંને કારણે એક મહિનાનો વિરામ આવશે. 16 ડિસેમ્બરના શનિવારે સૂર્યદવનો ધન રાશિમાં પ્રવેશ થશે. હાલમાં ડિસેમ્બરના ચાલુ મહિનામાં હવે 14 અને 15મીના રોજ બે લગ્નમુહૂર્ત બાકી છે. જ્યારે કમુરતાના આરંભ પછી 21 જાન્યુઆરીએ લગ્નનું પહેલું મુહૂર્ત આવશે.

નોંધનીય છે કે, ચાલુ વર્ષે લગ્નસરામાં ઓછા મુહૂર્તની બુમરાણ વચ્ચે શહેરમાં લગ્નોની ભરમાર જોવા મળી છે. દેવઊઠી એકાદશી બાદ શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝનમાં નવેમ્બરમાં માત્ર 3 જ મુહૂર્ત હતા. જ્યારે ડિસેમ્બર માસમાં હમણાં સુધીમાં 6, 7 અને 8 ડિસેમ્બર બાદ હવે 14 અને 15 એમ બે દિવસ જ મુહૂર્ત છે. ચાલુ વર્ષે લગ્નના ઓછા મુહૂર્તને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠેરઠેર લગ્નની શહેનાઇ ગૂંજતી જોવા મળી છે. શહેરના પાર્ટી પ્લોટ, હોલ, વાડી છ મહિના પહેલેથી હાઉસફુલ થઇ ગયા હતા. એવામાં હવે 16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવના રાશિ પરિવર્તન સાથે ધનારક કમુરતાં શરૂ થશે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, વર્ષ વેળા છ સંજોગોમાં લગ્નકાર્યો થતા નથી. ચાતુર્માસ, ધનારક કમુરતાં, હોળાષ્ટક, મીનારક કમુરતાં, શુક્ર અને ગુરુનો અસ્ત હોય ત્યારે લગ્નો લેવાતા નથી. 16 ડિસેમ્બરે સૂર્ય ધન અને મૂળમાં સાંજે 6 વાગ્યે પ્રવેશ કરશે. દર વર્ષે મકરસંક્રાંતિ પર્વ વેળા સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે કમુરતાં ઊતરે છે. ચાલુ વર્ષે 14 જાન્યુઆરીએ મધરાત્રિએ 2.44 વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે. જોકે, ગ્રહ, નક્ષત્રના વિચિત્ર સંયોગ વચ્ચે 21 જાન્યુઆરીએ લગ્નનું પહેલું મુહૂર્ત છે. જાન્યુઆરી માસમાં લગ્નના છ મુહૂર્ત રહેશે.

ધનારક બાદ માર્ચ માસમાં હોળાષ્ટક, મીનારક નડશે

નવા સંવત વર્ષની લગ્નસરાની સિઝનમાં જાન્યુઆરીમાં ધનારક બાદ માર્ચ માસમાં હોળાષ્ટક અને મીનારકને કારણે લગ્નકાર્યો પર બ્રેક લાગશે. 16 માર્ચથી 24 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. જ્યારે 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક કમુરતા રહેશે. આ દિવસો દરમિયાન સૂર્યદેવ મીન રાશિમાં હોવાથી લગ્નો થશે નહીં. 29 એપ્રિલથી 28 જૂન સુધી શુક્રદેવનો અસ્ત રહેશે. 6 મેથી 3 જૂન સુધી ગુરુદેવનો અસ્ત રહેશે. શુક્ર અને ગુરુના અસ્ત વેળાએ પણ લગ્ન થતા નથી. જ્યારે 17 જુલાઇથી ચાતુર્માસ શરૂ થશે.

જાન્યુઆરીમાં 6, ફેબ્રુઆરીમાં 12, માર્ચમાં 5 લગ્નમુહૂર્ત

14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી સાથે જ કમુરતાં પૂરા થશે. જોકે, કમુરતાં પૂરા થયા હોવા છતાં ગ્રહ, નક્ષત્રના વિચિત્ર સંયોગને કારણે 21 જાન્યુ.એ પહેલું લગ્નમુહૂર્ત આવશે. જ્યોતિષીના જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં 6, ફેબ્રુઆરીમાં 12, માર્ચ માસમાં 5 લગ્નમુહૂર્ત આવશે. એપ્રિલ માસમાં પાંચ મુહૂર્ત બાદ જૂન માસમાં એકેય મુહૂર્ત આવશે નહીં. શુક્રદેવના અસ્તને કારણે આ વર્ષે જૂનમાં લગ્નકાર્યોનું આયોજન થશે નહીં. જુલાઇ માસમાં પાંચ લગ્નમુહૂર્ત બાદ 17મીથી ચાતુર્માસ શરૂ થવાના હોય ચાર મહિના લગ્ન લેવાશે નહીં.


  • Follow us on: