29 માર્ચના રોજ વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ આંશિક સૂર્ય ગ્રહણ હશે. જે હાલ શરૂ થઈ ગયું છે. આ ગ્રહણને યુરોપ, એશિયા, આફ્રિકા અને બંને અમેરિકા મહાદ્વીપોમાં જોઈ શકાશે. પરંતુ ભારતમાં આ સૂર્ય ગ્રહણ નહીં જોઈ શકાય. છતાં પણ તમે ઘરે બેઠાં પોતાના મોબાઈલ કે ટેબ્લેટ પર લાઈવ નિહાળી શકશો.
સૂર્ય ગ્રહણનો સમય
સૂર્ય ગ્રહણ 29 માર્ચના રોજ ભારતના સમય અનુસાર બપોરે 2:20 વાગ્યે શરૂ થશે. આ ગ્રહણ પોતાના ઉચ્ચતમ બિંદુ પર લગભગ 4:17 વાગ્યે પહોંચશે અને સાંજે 6:13 વાગ્યે સમાપ્ત થઈ જશે. જોકે, આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં જોઈ શકાય, કારણ કે સૂર્ય ગ્રહણનો પથ ભારતથી પસાર નથી થતો. છતાં પણ સૂર્ય ગ્રહણ જોવા માંગતા લોકોએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તમે આ અદ્ભુત ખગોળીય ઘટનાને પોતાના સ્માર્ટફોન કે ટેબ્લેટ દ્વારા ઘરે બેઠાં લાઈવ નિહાળી શકશો.
આંશિક સૂર્ય ગ્રહણ એટલે શું?
આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય છે, જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવે છે, પરંતુ સૂર્યને સંપૂર્ણપણે ઢાંકવાને બદલે તે તેનો થોડો જ ભાગ કવર કરે છે. આ દરમિયાન સૂર્ય ચંદ્રમાના આકાર જેવો દેખાય છે, પરંતુ સંપૂર્ણ સૂર્ય ક્યારેય અંધારામાં નથી જતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તેને પેનમ્બ્રા શેડો કહેવાય છે, જે પૃથ્વી પર પડે છે.
સુર્યગ્રહણને નરી આંખે નિહાળશો નહીં
સૂર્ય ગ્રહણને નરી આંખે જોવું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી આંખોને ગંભીર નુકસાન થઈ શકે છે. જેથી તેની માટે ખાસ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો જરૂરી છે. માત્ર એવા જ ચશ્મા જે ISO 12312-2 સ્ટાન્ડર્ડ અંતર્ગત આવે છે, જે સેફ હોય છે. સામાન્ય ચશ્મા કે સન ગ્લાસથી સૂર્યગ્રહણ ન જોવું જોઈએ, કારણ કે તે આંખોની સુરક્ષા નથી કરી શકતા.