- તા. 20 એપ્રિલે 2023નું પહેલું સૂર્યગ્રહણ પણ ભારતમાં જોવા નહીં મળે
- ચૈત્ર વદ અમાસે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ
- સવારે 7.04થી બપોરે12.29 સુધી ગ્રહણ, વેધ પાળવાનો નથી
આગામી 20 એપ્રિલ, ગુરુવારના રોજ 2023ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. ચૈત્ર વદ અમાસે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં થનારું ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેને કારણે ધાર્મિક રીતે વેધ પાળવાનો નથી એવો મત જ્યોતિષીઓ આપી રહ્યા છે. ગત 8 નવેમ્બર-2022ના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ બાદ હવે 20 એપ્રિલના ગુરુવારે ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલના રોજ ચૈત્ર વદ અમાસના ગુરુવારે મેષ રાશિ, અશ્વિની નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે.

ક્યાં દેખાશે ખગ્રાસ સૂર્યગ્રહણ
આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિલીપાઇન્સ, દક્ષિણ પૂર્વ એશિયામાં દેખાશે, પરંતુ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ સ્પર્શ સવારે 7.04 કલાકે થશે, ગ્રહણ મધ્ય 9.47 વાગ્યે અને મોક્ષ બપોરે 12.29 વાગ્યે થશે. ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય વેધ પાળવાનો રહેશે નહીં. ત્યાર બાદ 5 મેના રોજ શુક્રવારે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં છાયા ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયામાં દેખાશે. ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં. ગ્રહણ સ્પર્શ રાત્રિએ 8.44 વાગ્યે થશે અને મોક્ષ મધરાત્રિએ 1.02 વાગ્યે થશે.
14 ઓક્ટોબરે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે
ઉપરાંત, 14 ઓક્ટોબર-2023ના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. 14 ઓક્ટોબરના શનિવારે કન્યા રાશિમાં, ચિત્રા નક્ષત્રમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ઉત્તર મધ્ય, દક્ષિણ અમેરીકામાં દેખાશે. તે ગ્રહણ પણ ભારતમાં દેખાવાનું ન હોય ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં. 14 ઓક્ટોબરના રોજ થનારા સૂર્યગ્રહણનો સ્પર્શ રાત્રિએ 8.34 વાગ્યે થશે અને મોક્ષ મધરાત્રિએ 2.25 વાગ્યે થશે.
28-29 ઓક્ટોબરના ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે
ત્યારબાદ 28-29 ઓક્ટોબરના શનિવારે મેષ રાશિમાં, અશ્વિની નક્ષત્રમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ યુરોપ, આફ્રિકા, પૂર્વ અમેરીકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં દેખાશે. તે ગ્રહણ ભારતમાં દેખાવાનું હોય ધાર્મિક રીતે વેધ પાળવાનો રહેશે.28-29 ઓક્ટોબરના રોજ થનારા ગ્રહણનો સ્પર્શ રાત્રિએ 11.32 વાગ્યે થશે અને મોક્ષ મધરાત્રિએ 3.35 વાગ્યે થશે.