કુંડળીના અમુક ગ્રહો જ્યારે વિપરીત કે ખરાબ ફળ આપવા લાગે ત્યારે ગ્રહોને પ્રસન્ન કરવા જોઈએ. જેમ ગ્રહોના કારકત્વમાં આવતી એટલે કે તેને અનુકૂળ વસ્તુઓ, રત્નો, મંત્રો વગેરે હોય છે તેમ ધાતુઓ પણ હોય છે. આ ધાતુઓની વીંટી જે-તે આંગળીમાં પહેરીને પણ તમે ગ્રહોને ખુશ કરી શકો છો. ગ્રહોને અનુકૂળ ધાતુ અને મંત્રના જાપ.
સૂર્ય
સૂર્ય ગ્રહની પીડામાંથી છૂટવા માટે રવિવારે સૂર્યોદય સમયે ગાયના દૂધ અને ઘીમાં તાંબાની વીંટીને ડુબાડીને અનામિકા આંગળીમાં તે પહેરવી જોઈએ. સૂર્યમંત્રના જાપ કરવા.
ૐ નમ: ભવે ભાસ્કરાય અસ્માકં (નામ બોલવું)
સર્વ ગ્રહણં પીડાનાશનં કુરુ કુરુ સ્વાહા।
ચંદ્ર
ચંદ્ર ગ્રહની અનુકૂળ અસર મેળવવા માટે સોમવારે પ્રાત:કાળે ગાયના દૂધમાં ડુબાડીને ચાંદીની વીંટી અનામિકા આંગળીમાં નીચેના ચંદ્રના મંત્રના જાપ કરીને પહેરવી જોઈએ.
ૐ સોમ્ સોમાય નમ:।
ૐ શ્રાં શ્રીં શ્રં શ્રૌં સ:ચંદ્રાય નમ:।
મંગળ
મંગળ ગ્રહની પીડામાંથી મુક્તિ મેળવવા માટે સોનાની વીંટી ગાયના દૂધમાં ડુબાડીને મંગળવારે સૂર્યોદય વખતે નીચેના મંગળના મંત્ર સાથે અનામિકા આંગળીમાં ધારણ કરવી.
ૐ હાં હં સ: ખં ખ:।
ૐ કાં કીં કૌં સ: સોમાય નમ:।
બુધ
બુધ ગ્રહની ખરાબ અસરને ઓછી કરવા માટે ચાંદીની વીંટીને ઘી, સફેદ, ચંદન, મધ અને ગાયના દૂધમાં ડુબાડીને કનિષ્ઠિકા આંગળીમાં બુધવારે પ્રાત:કાળે નીચેના મંત્રજાપ સાથે ધારણ કરવો.
ૐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ:।
ગુરુ
ગુરુ ગ્રહનું શુભ ફળ મેળવવા માટે ચાંદીની વીંટીને ઘી, સફેદ ચંદન અને પાણીમાં ડુબાડીને તર્જની આંગળીમાં પહેરવાની હોય છે. વીંટી ધારણ કરતી વખતે નીચેનો મંત્રજાપ કરવો.
ૐ બૃં બૃહસ્પતયે નમ:।
ૐ ગ્રાં ગ્રીં સ: ગુરુવે નમ:।
શુક્ર
દાંપત્યજીવનના કારક શુક્ર ગ્રહની શુભ અસર મેળવવા માટે ચાંદીની વીંટીને શુક્રવારે પ્રાત:કાળે ગાયના દૂધ અને મધ દ્વારા શુદ્ધ કરીને નીચેના મંત્રજાપ સાથે અનામિકા આંગળીમાં ધારણ કરવી.
ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:।
ૐ વસ્ત્રં મે દેહિ શુક્રાય સ્વાહા।
શનિ
શનિ ગ્રહના દુષ્પ્રભાવમાંથી બચવા માટે લોઢાની વીંટીને સંધ્યા સમયે ગાયના દૂધથી શુદ્ધ કરીને અહીં આપેલા મંત્રજાપ સાથે મધ્યમા આંગળીમાં ધારણ કરવી જોઈએ.
ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્વરાય નમ:।
ૐ શમ્ શનૈશ્વરાય નમ:।
રાહુ
રાહુ ગ્રહની પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે બપોરે મધ્યમા આંગળીમાં લોઢામાંથી બનાવેલી વીંટી ગાયના દૂધથી શુદ્ધ કરીને નીચેના મંત્રજાપ સાથે પહેરવી.
ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સ: રાહવે નમ:।
કેતુ
કેતુ ગ્રહની શુભ અસર મેળવવા માટે મંગળવારે અથવા શનિવારે મધ્યાહ્ન સમયે પંચધાતુની વીંટી ગાયના દૂધ અથવા ગંગાજળથી શુદ્ધ કરીને મધ્યમા આંગળીમાં નીચેના મંત્રજાપ સાથે ધારણ કરવી.
ૐ ગ્રાં સ્ત્રીં સ્ત્રોં સ: કેતવે નમ:।