હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે, તુલસીજીને ધનના દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સામાન્ય રીતે આ છોડની પૂજા ઘરોમાં સવાર-સાંજ કરવામાં આવે છે, તુલસી વિવાહના દિવસે તુલસીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે. પંચાંગ અનુસાર તુલસી માતા અને શાલિગ્રામ જીના વિવાહ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. જો કે કેટલાક લોકો દ્વાદશી પર તુલસી વિવાહ કરે છે.
ઠાકોરજીના તુલસીજી સાથે થશે વિવાહ
આ વર્ષે તુલસી વિવાહનું આયોજન 12 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. આ દિવસે દેવઉઠી એકાદશી પણ છે. આ સમય દરમિયાન, 13 નવેમ્બર 2024 ના રોજ કેટલીક જગ્યાએ તુલસી વિવાહ કરવામાં આવશે. તુલસી વિવાહ કરાવવાથી સાધકને કન્યાદાન જેવું જ ફળ મળે છે. આ ઉપરાંત તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્નમાં આવતી બાધાઓ પણ દૂર થાય છે. આપણે ત્યાં ભગવાન વિષ્ણુજી 4 મહિના યોગ નિંદ્રામાંથી જાગે છે અને ત્યાર પછી જ લગ્નની સીઝન શરૂ થાય છે. તુલસી વિવાહ બાદ જ આપણા મનુષ્યના લગ્ન થાય છે.
તુલસી વિવાહ એકાદશી તારીખ 2024
પંચાંગ અનુસાર કારતક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશી તિથિ 11 નવેમ્બરની સાંજે 06.46 કલાકથી શરૂ થશે. તે 12 નવેમ્બરે સાંજે 04:04 કલાકે સમાપ્ત થશે.
તુલસી વિવાહ એકાદશી મુહૂર્ત 2024
જ્યોતિષીય ગણતરી મુજબ એકાદશી તિથિએ તુલસી વિવાહનો શુભ સમય સાંજે 5.29 થી 7.53 સુધીનો રહેશે.
તુલસી વિવાહ દ્વાદશી તારીખ 2024
કારતક શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 12 નવેમ્બરે સાંજે 4.04 કલાકથી શરૂ થઈ રહી છે. તે 13 નવેમ્બર, 2024 ના રોજ બપોરે 1:01 વાગ્યે સમાપ્ત થશે.
તુલસી વિવાહ દ્વાદશી મુહૂર્ત 2024
લાભ-પ્રગતિનું મુહૂર્ત- સવારે 6.47થી
અમૃત માટે શ્રેષ્ઠ સમય - સવારે 8.06 થી 9.26
શુભ - સવારે 10.46 થી બપોરે 12.05 સુધી
ખુબજ ધામધુમથી આ પર્વની ઉજવણી થાય
શાલિગ્રામના વિવાહ તુલસીજી સાથે થાય છે. આ દિવસે ખુબજ ધામધુમથી આ પર્વની ઉજવણી થાય છે. ગામડાઓમાં તો કુંવારી કન્યાઓ 5 વખત તુલસીજી વિવાહ કરે છે. ત્યાર પછી જ આ કન્યાઓના લગ્ન થાય છે. આ વિવાહ ઠાકુરજીના તુલસીજી સાથેના વિવાહ છે. કુદરત અને ઠાકુર એટલે કે ભગવાન વિષ્ણુના વિવાહ થાય છે. નારીના ગોરવને જાળવી રાખવાના હેતુથી માતા વૃંદાના શાલિગ્રામ સાથે વિવાહ કરવામાં આવ્યા હતા. ત્યારથી દર વર્ષે દિવાળી બાદ તુલસી વિવાહની ઉજવણી કરી તમામ પ્રકારના શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે.