• ચૈત્ર માસનું વૈદિક નામ 'મધુ માસ'
  • ચૈત્ર સુદ એકમે શાલિવાહન શક- ચૈત્રી સંવત્સર 1944 શરૂ થાય છે
  • ચૈત્ર સુદ એકમથી ચૈત્રી સંવત્સર- શાલિવાહન શકની શરૂઆત

ભારતીય જ્યોતિષશાસ્ત્ર તથા ખગોળ ગણિતના મોટા ભાગના ગ્રંથોમાં શાલિવાહન શક (ચૈત્રી સંવત્સર) મુજબ ગણિત આવે છે. કૃષિ જ્યોતિષ તથા હવામાનશાસ્ત્રના પ્રાચીન- અર્વાચીન ગ્રંથોમાં ચૈત્રી સંવત્સરને વિશેષ મહત્ત્વ મળ્યું છે. બારેય ચાંદ્રમાસનાં નામ નક્ષત્ર ઉપરથી આવ્યાં છે.

(૧) કારતક-કૃત્તિકા (૨) માગશર- મૃગશીર્ષ (૩) પોષ- પુષ્ય (૪) માઘ- મઘા (૫) ફગણ- ઉત્તરા ફલ્ગુની (૬) ચૈત્ર- ચિત્રા (૭) વૈશાખ- વિશાખા (૮) જેઠ- જ્યેષ્ઠા (૯) અષાઢ- ઉત્તરાષાઢા (૧૦) શ્રાવણ- શ્રવણ (૧૧) ભાદરવો- ભાદ્રપદ (૧૨) આસો- અશ્વિની.

હવે ચૈત્ર માસ શરૂ થશે. ખેડૂતભાઈઓમાં કહેવત છે કે 'મહા મેલો અને ચૈત્ર ચોખ્ખો' હોય તે સારી બાબત ગણાય છે. એટલે કે મહા માસમાં વાદળ હોય તે સારી નિશાની છે અને ચૈત્ર માસ નિર્મળ- વાદળાં વિનાનો - ચોખ્ખો હોય તે આગામી ચોમાસા માટે આવકારદાયક ગણાય.

મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશ તથા ખેડૂતભાઈઓમાં ચૈત્ર સુદ એકમથી ચૈત્રી સંવત્સર- શાલિવાહન શકની શરૂઆત થાય છે. મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. પ્રાચીન ગુજરાતમાં ચૈત્રી પંચાંગોનો વ્યાપ- ઉપયોગ વધુ હતો. પ્રાચીન હવામાનશાસ્ત્રમાં ચૈત્ર સુદ એકમના દિવસે જે વાર હોય તેને ચૈત્રી વર્ષનો રાજા ગણીને હવામાન - વરસાદ વગેરેનું ફ્ળકથન (પૂર્વાનુમાન) કરવામાં આવે છે.

ચૈત્ર સુદમાં પ્રથમ ચંદ્રદર્શન થાય તે ઘટનાને સિંધી સંસ્કૃતિમાં 'ચેટી ચાંદ' (ચૈત્રી ચંદ્ર)નું પર્વ મનાવાય છે. પંચાંગ ગણિત મુજબ એકમ તિથિ વહેલી સમાપ્ત થાય ત્યારે સુદ એકમની સાંજે ચંદ્રદર્શન થઇ જાય તો ગુડી પડવો અને ચેટી ચાંદ એક જ દિવસે આવે છે. જો ચંદ્રદર્શન સુદ બીજના દિવસે સાંજે થાય તો ગુડી પડવો અને ચેટી ચાંદના તહેવાર બે અલગ દિવસે આવે છે.

  • Follow us on: