• અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા
  • શાસ્ત્રીય નામ અક્ષયતૃતીયા છે
  • અખાત્રીજને 'વરસનો વચલો દિવસ' કહે છે

વૈશાખ મહિનાની સુદ પક્ષની તીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય નામ અક્ષયતૃતીયા છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં અખાત્રીજને 'વરસનો વચલો દિવસ' કહે છે. તે વણજોયું મુહૂર્ત ગણાય છે. વર્ષમાં ચાર શ્રેષ્ઠ વણજોયા મુહૂર્ત બેસતું વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા હોય છે જેમાં અખાત્રીજ સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે.

આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 3જી મે મંગળવારના રોજ ઊજવવામાં આવશે. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ પર્વને અખાત્રીજના નામથી જ ઓળખવામા આવે છે. અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદદારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.


શા માટે અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે?

હિંદુ અને જૈન ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કોઈપણ નવા કાર્યની શરૂઆત કોઈ પણ વિચાર કર્યા વગર કરી શકાય છે. નવો ધંધો શરૂ કરવા, મકાન કે પ્લોટ ખરીદવા, ઘરમાં પ્રવેશ કરવા, ઘરેણાં, કપડાં, વાહન વગેરેની ખરીદી, લગ્ન સમારોહ, મુંડનવિધિ વગેરે માટે પંચાંગ જોવાની બિલકુલ જરૂર નથી. તમને ગમે તે કામ તમે નિઃસંકોચ કરી શકો છો, કોઈપણ પ્રકારની ખરીદી કરી શકો છો. અક્ષય તૃતીયાને અખા ત્રીજ અથવા અક્ષય તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અખાત્રીજ વણજોયું મુહૂર્ત

પુરાણોમાં આ તિથિને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે સતયુગની શરૂઆત માનવામાં આવે છે. મહાભારત અને નારદ સંહિતામાં આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામા આવે છે. અખાત્રીજના દિવસે કરવામાં આવેલાં કોઇપણ પ્રકારના દાનનું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી. આ દિવસે પરશુરામ જયંતી પણ ઊજવવામાં આવે છે.

અખાત્રીજના દિવસે રાત્રીનાં પ્રથમ પ્રહરમાં ભગવતી રેણુકાના ગર્ભથી સાક્ષાત હરી પ્રગટ થયા તે વખતે છ ગ્રહો પોતાની ઉચ્ચ રાશીમાં હતા. અખાત્રીજને વર્ષનાં 4 શ્રેષ્ઠ દિવસો એટલે કે વણજોયા મુહર્તના દિવસોમાં ગણવામાં આવે છે.

  • Follow us on: