Attempt to rob Rs 2 crore by throwing chilli powder in the eyes of a bullion company worker in Vastrapur
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વસ્ત્રાપુરમાં બુલિયન કંપનીના કર્મીની આંખમાં મરચાંની ભૂકી નાખી બે કરોડ લૂંટવાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

વસ્ત્રાપુરમાં બુલિયન કંપનીના કર્મીની આંખમાં મરચાંની ભૂકી નાખી બે કરોડ લૂંટવાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

 | 9:14 am IST
  • Share

શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે ભરબપોરે ગ્રોમો બુલિયન કંપનીના એક કર્મચારીની આંખમાં મરચું નાખી બે કરોડ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આંગડિયા પેઢીના એક કર્મચારીએ બૂમાબૂમ કરતા લૂંટ કરી ભાગવા જતા લુટારુંનું એક્ટિવા પકડી રાખ્યું હતું. આ સમયે ત્યાં હાજર પોલીસ પણ દોડી આવી હતી. આ જોઈને લુટારુ એક્ટિવા અને પૈસા મૂકીને ભાગવા ગયો પણ ફિલ્મી ઢબે પોલીસે લુટારુને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે દેવું વધી જતાં લૂંટનો પ્લાન ઘડયો હોવાનું જાણવા મળ્યું હતું.

અખબારનગર અંડરબ્રિજ પાસે આવેલા આદર્શનગર ફ્લેટમાં ગ્રોમો બુલિયન ટ્રેડિંગ નામની પેઢીના બે કર્મચારી સુનીલ સવધાનસિંહ ચૌહાણ અને સતીષ દિનેશભાઈ પટણી બપોરે ૨.૪૫ વાગ્યે વસ્ત્રાપુર તળાવની સામે આવેલી આઈડીબીઆઈ બેંકમાં ચાર કરોડ રૂપિયા ઉપાડવા ગયા હતા. સુનીલ ચૌહાણે બે કરોડ રૂપિયાનો થેલો લઇને કારમાં મૂક્યો હતો, જ્યારે સતીષ પટણી બેંકમાંથી બીજા બે કરોડ રૂપિયા લેવા બેંકમાં ઊભો હતો. આ દરમિયાન લુટારું અંકુર મોડેસરા એક્ટિવા લઈને આવ્યો અને કારનો દરવાજો ખોલી સુનીલની આંખમાં મરચાંની ભૂંકી નાખી અને બે કરોડની બેગ લૂંટી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

સુનીલ આંખો મસળતાં મસળતાં અંકુરનું એક્ટિવા પકડી બૂમાબૂમ કરવા લાગ્યો હતો. આ જોઈ સતીષ અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસ પણ ત્યાં જ ઉપસ્થિત હોવાથી દોડી આવી હતી. આરોપી અંકુર એક્ટિવા અને પૈસા ભરેલો થેલો મૂકીને ભાગવા ગયો પણ પોલીસે અને ટોળાંએ ઝડપી લીધો હતો. આ અંગે ઈન્ચાર્જ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે, આરોપી અંકુર અનિલભાઈ મોડેસરા ટેમ્પો ડ્રાઇવર હતો. કોરોનાને કારણે ઘણા સમયથી બેકાર હતો, જેથી તેણે લૂંટનો પ્લાન ઘડયો હતો.

અંકુર એક મહિનાથી રેકી કરતો હતો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, અંકુર અનેક વખત ગ્રોમો કંપનીમાં કોઈના કોઈ બહાને અવરજવર કરતો હતો. તેમજ આ કંપનીમાં રોજનું કેટલું ટર્નઓવર છે અને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે તેની પર નજર રાખતો હતો. આ ઉપરાંત કયો કર્મચારી ક્યાં અને કેટલા વાગે બેંકમાં પૈસા ઉપાડવા અને ભરવા જાય છે તેની પર પણ તે નજર રાખતો હતો. સતત એક મહિના સુધી રેકી કર્યા બાદ તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અંકુર સાથે અન્ય કોઈ સાગરિત છે કે નહીં તેની પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

કોરોનાકાળમાં અંકુરનો ધંધો ઠપ થઈ ગયો હતોે

આરોપી અંકુર મોડેસરા ટેમ્પો ડ્રાઇવર હતો, છેલ્લા એક વર્ષની કોરોનાને કારણે રોજગારી ન મળતાં દેવું વધી ગયું હતું. આથી તેણે લૂંટનો પ્લાન ઘડયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

ભૂતકાળમાં શિવરંજની, વિદ્યાપીઠ પાસે, લૂંટ વિથ મર્ડરની ઘટના બનેલી

સેટેલાઇટના શિવરંજની ચાર રસ્તા પાસે હીતેશ ઝવેરીને  કુખ્યાત વિશાલ ગોસ્વામીએ ફાયરિગ કરીને એક કરોડ રૂપિયાની  લુંટ કરી હતી. તેણે બચાવવા એક સાયકલની દુકાનવાળો વચ્ચે  પડતાં તેનુ પણ મોત નિપજ્યુ હતુ. વિશાલ ગોસ્વામીએ  અમદાવાદના અનેક જ્વેલર્સે પાસેથી કરોડોની ખંડણી  વસુલી હતી છતાં કોઇ પણ સોની ફરિયાદ નોંધાવતા નહોતા. જેના કારણે ક્રાઇમબ્રાંચે સોની બજારના વેપારીઓ સાથે મિટીંગ  કરી ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ. આ ઉપરાંત આશ્રમ રોડ પર  ગૂજરાત વિદ્યાપીઠ પાસે પણ થોડા વર્ષ પહેલા એક આંગડીયા  પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરીને હત્યા નિપજાવી કરોડો રૂપિયાની લુંટની ઘટના બની  હતી. આ સિવાય પણ લુંટના અનેક ઘટનાઓ જુદા-જુદા પોલીસ  સ્ટેશનમાં નોંધાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન