ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતના યુવા પેસ બોલર્સનું સોનેરી ભાવિ ઘડયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતના યુવા પેસ બોલર્સનું સોનેરી ભાવિ ઘડયું

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતના યુવા પેસ બોલર્સનું સોનેરી ભાવિ ઘડયું

 | 7:50 am IST
  • Share

બ્રિસબેન ટેસ્ટમાં રોમાંચક વિજય હાંસલ કરીને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીને ૨-૧થી જીતી લઈને વિશ્વના અનેક દિગ્ગજો ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ ક્રિકેટર્સે કરેલી ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી દીધી હતી. શ્રેણીનું પરિણામ જે પણ આવ્યું હોય પરંતુ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ભારતની યંગબ્રિગેડના પેસ બોલર્સ માટે એક યાદગાર સંસ્મરણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયન બોલર્સે નાખેલા બોડી લાઇન બાઉન્સરનો પણ ભારતની પેસ ત્રિપુટી મોહમ્મદ સિરાજ, ટી. નટરાજન તથા નવદીપ સૈનીએ વળતો જવાબ આપ્યો હતો. ભારતના આ ત્રણેય પેસ બોલર અલગ અલગ રાજ્યમાંથી આવે છે અને તેમના સંઘર્ષ ઉપર નજર નાખીએ તો મનમોહન દેસાઇએ ૮૦ના દાયકામાં બનાવેલી લોકપ્રિય ફિલ્મ અમર, અકબર એન્થોની જેવો છે. આ ત્રણેય બોલર્સનું બાળપણ કહો કે યુવાવસ્થા, એક ફિલ્મી કે પટકથા કરતાં સહેજ પણ ઓછી નથી. જાણતા કે અજાણતા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આ ત્રણેય માટે એક શાનદાર ભવિષ્યને તૈયાર કરી દીધું છે.

જસપ્રીત બુમરાહની જેમ આ ત્રણેય સિરાજ, નટરાજન તથા સૈનીની કારકિર્દીમાં એક સામાન્ય સમાનતા પણ રહે છે. આ ત્રણેય ટેનિસ બોલ ક્રિકેટ ઘણું રમતા હતા. ત્રણેયના પરિવાર એટલાં બધાં ગરીબ હતાં કે તેમના માટે ક્રિકેટનું બેટ ખરીદવું તે પણ જિંદગીના એક મોંઘા ઇન્વેસ્ટમેન્ટ સમાન રહ્યું હતું. પરિવાર બેટનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોતો તેથી ત્રણેયે બેટ્સમેન બનવાના બદલે બોલર બનીને પોતાનું સ્વપ્ન સાકાર કરવાનો નિર્ણય કરી લીધો હતો. હૈદરાબાદના મેદાન ઉપર પ્રત્યેક મેચ, વિકેટ કે સ્પેલ સિરાજ માટે અમૂલ્ય સાબિત થઇ રહ્યા હતા તો બીજી તરફ સૈની અને નટરાજન માટે બોલિંગ એક બોનસ સાબિત થઈ રહી હતી. ૨૦૧૭માં એક ઓટોરિક્ષા ચલાવવાના સામાન્ય વ્યક્તિના પુત્રને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જ્યારે ૨.૬ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે સિરાજ અને તેના પરિવારની જિંદગી આર્થિક રીતે ધન્ય થઈ ગઈ હતી. જેમ મહેન્દ્રસિંહ ધોની પોતાના લોંગ ડ્રાઇવ બાઇકનો શોખ પૂરો કરવા માટે ૬૦ કે ૭૦ રૂપિયામાં રાંચીની નજીકનાં સ્થળોએ મેચ રમવા માટે જતો હતો તેવી રીતે સૈની પણ હરિયાણાના વિવિધ ગામોમાં જઈને કેટલાક રૂપિયા માટે ટૂર્નામેન્ટમાં રમતો હતો. ૨૦૧૯માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી તેને ત્રણ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે તેનો પરિવાર સ્વપ્ન જોતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. નટરાજનના પિતા તો મજૂર તરીકે રોજના પગાર ઉપર કામ કરતા હતા અને તેની માતા રસ્તાની એકબાજુએ બેસીને ચિકન વેચતી હતી. સિરાજ અને સૈનીની જેમ આઇપીએલ ટી૨૦ લીગે નટરાજનની જિંદગી પણ બદલી નાખી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે તેને ત્રણ કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો.

ત્રણેય પેસ બોલર્સની જિંદગીમાં કોઈને કોઈ મેન્ટરની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. કામયાબીની સીડીઓ ઉપર ચઢયા બાદ પણ તેઓ પોતાના મેન્ટરને ભૂલ્યા નથી અને તેમનો જાહેરમાં આભાર પણ માને છે. આઇપીએલ ૨૦૨૦ દરમિયાન જો ભુવનેશ્વરકુમાર તથા ઇશાન્ત શર્મા ઇજાગ્રસ્ત ના થયા હોત તો ભારતીય ક્રિકેટને સિરાજ, સૈની તથા નટરાજન જેવા નવા પ્રતિભાશાળી બોલર્સ ના મળ્યા હોત તે ચોક્કસ છે. નટરાજન તો ટીમ સાથે નેટ્સના બોલર તરીકે હતો, પરંતુ છેલ્લે સિનિયર બોલર ઉમેશ યાદવ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તક મળી હતી. ટૂંકા ગાળામાં જ તેણે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ પણ કરી લીધો હતો. ત્રણેયે યુએઇ ખાતે રમાયેલી આઇપીએલ ટી૨૦ લીગ દરમિયાન સપાટ પિચો ઉપર પણ પોતાની પેસ અને ટેલેન્ટ દ્વારા પસંદગીકારો, કોચ તથા સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ વિરાટ કોહલીને પ્રભાવિત કરી લીધો હતો.  ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જે સફળતા મળી છે તેને સિરાજ, સૈની તથા નટરાજને આગળ વધારવી પડશે. તેમણે હજુ જયદેવ ઉનડકટ, પંકજસિંહ, અભિમન્યુ મિથુન તથા પ્રવીણકુમારની જેમ જ અડધો ડઝન ટેસ્ટ પણ ભારત તરફથી રમી નથી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેમણે મેળવેલી સફળતાથી તેઓ સારી રીતે સમજી ચૂક્યા છે કે એક શાનદાર સ્પેલ આકર્ષણ તથા વધારે લોકપ્રિયતા અપાવે છે, પરંતુ એક સફળ કારકિર્દી માટે સતત સારા પ્રદર્શનની જરૂર પડે છે. આ યુવા બ્રિગેડે બુમરાહ, ઇશાન્ત, શમી તથા ભુવનેશ્વર જેવા સિનિયર બોલર્સ પાસેથી પાઠ શીખવાની જરૂર છે કારણ કે આ સિનિયર્સ આઇપીએલની સાથે નેશનલ ટીમ માટે પણ એક અતૂટ વિશ્વાસ પણ બની ચૂક્યા છે.

કવર પોઈન્ટ : રિપ્પલ એન. ક્રિસ્ટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન