Ayodhya land prices Double within month
  • Home
  • Featured
  • અયોધ્યામાં જમીનના ભાવમાં ઉછાળો, એક જ મહિનામાં ભાવ બમણા થઈ ગયા

અયોધ્યામાં જમીનના ભાવમાં ઉછાળો, એક જ મહિનામાં ભાવ બમણા થઈ ગયા

 | 6:30 am IST

। અયોધ્યા ।

કોરોના મહામારીને કારણે એક તરફ આખો દેશ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે, તો બીજી તરફ અયોધ્યામાં ફક્ત એક જ મહિનામાં જમીનના ભાવ બમણા થઈ ગયા છે. ઓગસ્ટમાં  વડા પ્રધાન મોદીના રામજન્મભૂમિ પૂજન બાદથી અયોધ્યામાં જમીનના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જમીનની કિંમતોમાં ૩૦થી ૪૦ ટકાનો ઉછાળો રામજન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ જ થયો હતો.

અયોધ્યાના અંતરિયાળ વિસ્તારમાં જમીનની કિંમત દર ચોરસ ફૂટે ૧,૦૦૦થી ૧,૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે શહેરના હાર્દસમા વિસ્તારમાં જમીનની કિંમત દર ચોરસ ફૂટે ૨,૦૦૦થી ૩,૦૦૦ રૂપિયા ઉપર પહોંચી છે. રીઅલ એસ્ટેટના જાણકારોના મતે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં કોઈ પણ વ્યક્તિ અયોધ્યા ગામમાં જમીન ચોરસ ફૂટના ૯૦૦ રૂપિયા કરતાં ઓછા ભાવે ખરીદી શકતી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અયોધ્યાના વિકાસ માટે કેટલીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની જાહેરાત કર્યા બાદ જમીનના ભાવ આકાશને આંબવા લાગ્યા છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે થ્રી સ્ટાર હોટેલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત કરી દીધી છે. યોગી આદિત્યનાથ અયોધ્યાને ભારતનું વેટિકન બનાવવા માગે છે.

અયોધ્યા દાયકાઓથી રાજકારણના મુખ્ય કેન્દ્રમાં રહ્યું છે અને મંદિર ગામ તરીકે તેનું મહત્ત્વ પણ ઘણું રહ્યું છે. જો કે, મંદિર સ્થળથી સૌથી નજીકની હોટેલ ૬ કિલોમીટર દૂર ફૈઝાબાદમાં છે. ગામના સીમાડે માગના અભાવે જમીનના ભાવ ચોરસ ફૂટે ૩૦૦થી ૪૫૦ રૂપિયા રહ્યા છે.  હેવાલ મુજબ મોટા ભાગના રોકાણકારો હોટલ, ધર્મશાળા, કમ્યુનિટી કિચન માટે જમીન ખરીદી રહ્યા છે. જમીનમાં રોકાણ કરનારાઓનું માનવું છે કે આવનારા દિવસોમાં સરકાર અયોધ્યામાં મોટા પાયે જમીન સંપાદન કરશે, એ સમયે તેને ફાયદો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન