• સંતાનના સ્વાસ્થ્ય, સફળતા અને દીર્ઘાયુ માટે રખાય છે વ્રત
  • 36 કલાક માટે રખાય છે નિર્જળા ઉપવાસ
  • કારતક મહિનાની છઠના રોજ રખાય છે વ્રત

છઠ પૂજામાં મહિલાઓ સંતાનના સ્વાસ્થ્ય, સફળતા અને દીર્ઘાયુને માટે 36 કલાક નિર્જળા ઉપવાસ કરે છે અને આ વર્ષે છઠની શરૂઆત 17 નવેમ્બરે કરાશે. આ પૂજા કાર્તિક શુક્લની છઠે ઉજવાય છે. તેને સૂર્ય ષષ્ઠી પણ કહેવાય છે. આ તહેવાર દિવાળીના 6 દિવસ બાદ ઉજવાય છે. ઉત્તર ભારતના રાજ્ય બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં છઠનું પર્વ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સૂર્ય દેવ અને છઠી મૈયાની પૂજા કરાય છે અને તેમને અર્ધ્ય અપાય છે. 4 દિવસ સુધી ચાલતી આ છઠની શરૂઆત નહાય-ખાયથી થાય છે.

શું છે આ વ્રતનો મહિમા

આ પૂજા વ્રત સંતાનના દીર્ઘાયુ, સૌભાગ્ય અને ખુશહાલ જીવન માટે કરાય છે, મહિલાઓ છઠ પૂજામાં 36 કલાકનું નિર્જળા વ્રત રાખે છે. તો જાણો આ દિવસની પૂજા અને સૂર્યોદયનો સમય પણ.

છઠ પૂજાનો પહેલો દિવસ

નહાય-ખાય- 17 નવેમ્બર

દિવાળીના ચોથા દિવસે એટલે કે કારતક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ નહાય-ખાયની પરંપરા ઉજવાય છે. આ દિવસે વિશેષ રીત રિવાજનું પાલન થાય છે. આ વખતે 17 નવેમ્બરે છઠ પૂજાની શરૂઆત થશે. આ દિવસે ઘરની સફાઈ કરીને તેને શુદ્ધ કરાય છે. તેના પછી સ્નાન કરીને શુદ્ધ શાકાહારી ભોજન ગ્રહણ કરીને વ્રતની શરૂઆત થાય છે. આ સમયે નહાય ખાયમાં વ્રતી સહિત પરિવારના તમામ સભ્યો ભાત સાથે કોળાનું શાક,મૂળા ખાય છે. વ્રતીના ભોજન કર્યા બાદ જ ઘરના અન્ય સભ્યો ભોજન ગ્રહણ કરે છે.

છઠ પૂજાનો બીજો દિવસ

ખરના - 18 નવેમ્બર

બીજા દિવસે કારતક મહિનાની પાંચમે ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે. આ દિવસને ખરના કહેવામાં આવે છે. આ દિવસે સવારે વ્રતી મહિલાઓ સ્નાન કરીને આખો દિવસ વ્રત કરે છે. બીજા દિવસે ભગવાન સૂર્યને અર્ધ્ય આપવા માટે પ્રસાદ પણ બનાવાય છે. સાંજે પૂજા માટે ગોળની ખીર બનાવાય છે. આ પ્રસાદને માટીના નવા ચૂલા પર લાકડામાં પકવવામાં આવે છે.

છઠ પૂજાનો ત્રીજો દિવસ

ડૂબતા સૂર્યને અર્ધ્ય - 19 નવેમ્બર

કારતક શુક્લ પક્ષની છઠ પૂજાની તિથિ મુખ્ય હોય છે. આ દિવસે સાંજના સમયે શ્રંદ્ધા સાથે પૂજાની તૈયારી કરાય છે. વાંસની ટોકરીમાં અર્ધ્યનો સૂપ ચઢાવાય છે. આ દિવસે વ્રતી મહિલાઓ પરિવાર સાથે સૂર્યને અર્ધ્ય આપે છે અને તેને સંધ્યા અર્ધ્ય પણ કહેવાય છે.

સૂર્યાસ્તનો સમય- સાંજે 5.26 મિનિટ

છઠ પૂજાનો ચોથો દિવસ

ઉગતા સૂર્યને અર્ધ્ય - 20 નવેમ્બર

ચોથા દિવસે કારતક શુક્લ સપ્તમીએ સવાર ઉગતા સૂર્યને અર્ધ્ય અપાય છે. આ દિવસે સૂર્યોદય પહેલા જ ભક્તો સૂર્યદેવના દર્શન માટે પાણીમાં ઊભા રહે છે અને સૂર્યને અર્ધ્ય અપાય છે. અર્ધ્ય બાદ વ્રતી પ્રસાદનું સેવન કરીને વ્રત પૂરું કરે છે.

સૂર્યોદયનો સમય - સવારે 6.47 મિનિટ 

  • Follow us on: