- તિથીના વિચિત્ર સંયોગ વચ્ચે એકાદશી અને બારસના શ્રાદ્ધ વચ્ચે એક દિવસનો વિરામ રહેશે
- શ્રાદ્ધમાં પહેલાં અગ્નિને ભાગ અર્પણ કરવામાં આવે છે
- શ્રાદ્ધકાળમાં વસ્ત્રનું દાન કરવું જોઈએ
29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીના 16 દિવસના શ્રાદ્ધ પક્ષમાં અલગ અલગ તિથી પ્રમાણે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવી રહ્યુ છે. શાસ્ત્રો મુજબ, પડવાથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધાથી કરેલા પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે. સામાન્યપણે શ્રાદ્ધ પક્ષ 16 દિવસનું હોય છે. જેમાં ચાલુ વર્ષે ચોથની તિથીનો ક્ષય અને સાતમની વૃદ્ધિ તિથી સાથે 16 દિવસનો જ શ્રાદ્ધ પક્ષ રહેશે.
તિથીના વિચિત્ર સંયોગ વચ્ચે એકાદશી અને બારસના શ્રાદ્ધ વચ્ચે એક દિવસનો વિરામ રહેશે. શુક્રવારે ભાદરવા સુદ પૂનમ નિમિત્તે એકમનું શ્રાદ્ધ રહેશે. ત્યારબાદ તબક્કાવાર વિવિધ તિથીના શ્રાદ્ધ આવશે. 2 ઓક્ટોબરના રોજ ચોથની તિથીનો ક્ષય છે. તેમ છતાં તબક્કાવાર શ્રાદ્ધને કારણે ચોથનું શ્રાદ્ધ એ જ દિવસે 2 ઓક્ટોબરે રહેશે. ત્યાર બાદ 5 ઓક્ટોબરના રોજ સાતમની વૃદ્ધિ તિથી આવે છે.
શ્રાદ્ધ પક્ષમાં આ વસ્તુઓનું દાન કરો
શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ દસ વસ્તુઓ જેમ કે ગાય, જમીન, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ડાંગર, ગોળ, ચાંદી અને મીઠું પિતૃઓને દાન કરવામાં આવે છે. આ દૃષ્ટિએ પૂર્વજોથી સંબંધિત દાન માત્ર બ્રાહ્મણોને જ આપવું જોઈએ. સહાનુભૂતિપૂર્વક નાણાં અન્ય કોઈપણ સંસ્થા અથવા અનાથાશ્રમને આપી શકાય છે, પરંતુ ખોરાક પર ફક્ત બ્રાહ્મણોનો અધિકાર છે, કારણ કે બ્રાહ્મણોને બ્રહ્મના સીધા પ્રતિનિધિ માનવામાં આવે છે.
શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું?
હિંદુ સંસ્કૃતિમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તેનું એક વિશેષ મહત્ત્વ રહેલું હોય છે. કોઈ પણ કાર્ય કે સંસ્કાર કરવા પાછળનું કારણ અને તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની માહિતી વેદો અને પુરાણોમાં આપવામાં આવી છે. શ્રાદ્ધ વિશે પુરાણોમાં શું કહ્યું છે તે જાણીએ...
બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ. પુણ્યતીર્થ, જંગલ, પર્વત અને દેવમંદિર તે બીજાની ભૂમિ ન કહેવાય, કારણ કે તેના પર કોઈનું સ્વામિત્વ નથી હોતું. શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે. (સ્કંદપુરાણ)
શ્રાદ્ધમાં પહેલાં અગ્નિને ભાગ અર્પણ કરવામાં આવે છે. અગ્નિમાં હવન કર્યા પછી જે પિતૃઓના નિમિત્ત પિંડદાન કરવામાં આવે છે, તેને બ્રહ્મરાક્ષસ દૂષિત કરતા નથી. (મહાભારત)
જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને પછી બીજા કોઈના ઘરે ભોજન કરે છે, તે પાપનો ભાગી બને છે અને તેને શ્રાદ્ધનું ફળ મળતું નથી. (સ્કંદપુરાણ)
વસ્ત્ર વગર કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યયન અને તપસ્યા થતી નથી. આથી શ્રાદ્ધકાળમાં વસ્ત્રનું દાન કરવું જોઈએ. (બ્રહ્મપુરાણ)
શ્રાદ્ધ અને હવનના સમયે એક હાથથી પિંડ તથા આહુતિ આપી શકો, પરંતુ તર્પણમાં બંને હાથથી જળ આપવું (અર્પણ) જોઈએ. (પદ્મપુરાણ, નારદપુરાણ, લઘુયમસ્મૃતિ, મત્સ્યપુરાણ, બ્રહ્મપુરાણ)