સમગ્ર દેશમાં આજથી 10 દિવસ માટે ગણેશચતુર્થીનો તહેવાર ખુબજ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. આ વખતે 27 ઓગસ્ટ એટલે કે આજથી શરૂ થતો આ પર્વ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે અનંત ચતુર્દશીએ આ ઉત્સવની સમાપ્તિ કરાશે.
હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું પર્વ ખુબ જ ખાસ છે
હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું પર્વ ખુબ જ ખાસ છે આ તહેવાર ભક્તો ખુબજ ધામધુમથી ઉજવે છે. બાપ્પાને ઘરે પધરાવે છે અને ગણેશજીની પૂજા અર્ચના કરે છે. કહેવાય છે કે ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. બાપ્પાના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલી અને પીડા દૂર થાય છે. ગણેશોત્સવ દરમિયાન ભક્તો શ્રી ગણેશજીના મંદિરોમાં દર્શન કરવા જાય છે. ખુબજ શ્રદ્ધા અને વિશ્વાસથી બાપ્પાના દરબાર જાય છે. આજે આપણે પ્રસિદ્ધ મંદિર દગડુશેઠ હલવાઇ ગણપતિ મંદિર જે પૂણેમાં સ્થિત છે તેના વિશે વિગતે જાણીશુ.
દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની કથા શું છે?
પુણેનું દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખૂબ પ્રખ્યાત છે. દર વર્ષે ગણેશોત્સવ પર, લાખો ભક્તો આ મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવે છે. આ દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી આ સમયે ભીડ રહે છે.
દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર, 1800 ના દાયકામાં, પુણેના મીઠાઈના વેપારી દગડુશેઠ હલવાઈએ શહેરમાં ફેલાયેલા પ્લેગમાં પોતાનો પુત્ર ગુમાવ્યો હતો. દગડુશેઠ હલવાઈ આ અકસ્માતથી ખૂબ જ આઘાત પામ્યા હતા અને તેઓ ઇચ્છતા હતા કે તેમના મૃત પુત્રની આત્માને કોઈપણ રીતે શાંતિ મળે. આ પછી, દગડુશેઠે આ અંગે એક મોટા પંડિતની સલાહ લીધી, પછી પંડિતજીએ તેમને ભગવાન ગણેશનું મંદિર બનાવવાની સલાહ આપી.
દગડુશેઠ હલવાઈએ પંડિતજીના આદેશનું પાલન કરીને, 1893માં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી અને મંદિર બનાવ્યું. ત્યારથી આ ગણપતિ દગડુશેઠ હલવાઈ ગણપતિ તરીકે ઓળખાવા લાગ્યું.
દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર શા માટે પ્રખ્યાત છે?
એવું કહેવાય છે કે આ મંદિરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ ખૂબ જ સુંદર અને ભવ્ય છે. ભગવાન ગણેશની આ મૂર્તિની ઊંચાઈ લગભગ 7.5 ફૂટ છે, જે સોના અને ચાંદીના આભૂષણોથી શણગારેલી છે. ખાસ વાત એ છે કે બાપ્પાનો ચહેરો એટલો આકર્ષક છે કે કોઈ પણ ભક્ત તેને એકવાર જોયા પછી તેનાથી નજર હટાવી શકતો નથી.
