- ઉત્તર ભારતમાં 22 જુલાઈથી શ્રાવણની શરૂઆત થશે
- 23 અને 30 જુલાઈ, 6 અને 13 ઓગસ્ટે ઉજવાશે મંગળા ગૌરી વ્રત
- મંગળા ગૌરી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી મનાય છે
શ્રાવણ મહિનો શિવભક્તો માટે મહત્ત્વનો માનવામાં આવે છે. આ સમયે સોમવારનું ખાસ મહત્ત્વ છે. આ સાથે શ્રાવણના મંગળવારે મંગળા ગૌરી વ્રત પણ રાખવામાં આવે છે. માતા મંગળા ગૌરીને આ વ્રત સમર્પિત હોય છે. માતા મંગળા ગૌરીને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. માતા મંગળા ગૌરીનું નામ મંગળ અને ગૌરી બે શબ્દોથી બન્યું છે. મંગળનો અર્થ છે શુભ અને ગૌરી માતા પાર્વતીને કહેવામાં આવે છે.
મંગળા ગૌરી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી
માતા પાર્વતીને મંગળ સ્વરૂપને મંગળા ગૌરી કહેવામાં આવે છે. માતા મંગળા ગૌરીને સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની દેવી માનવામાં આવે છે. વિવાહિત મહિલાઓ, સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્યને માટે શ્રાવણના મંગળવારના દિવસે મંગળા ગૌરીનું વ્રત રાખે છે. મંગળા ગૌરી વ્રતના દિવસે માતા પાર્વતીની સાથે ભગવાન શિવની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે.
ઉત્તર ભારતમાં 22 જુલાઈથી શ્રાવણની શરૂઆત
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 22 જુલાઇથી શરૂ થશે અને 29 દિવસ સુધી ચાલશે. 22 જુલાઈ, સોમવારના રોજ શ્રવણ નક્ષત્રમાં પ્રીતિ યોગ સાથે મકર રાશિમાં ચંદ્રના પ્રભાવ હેઠળ શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આ મહિનામાં અમૃત સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ અને રવિ પુષ્યનો પણ સંયોગ છે. આ વખતે શ્રાવણ મહિનામાં ચાર નહીં પરંતુ પાંચ સોમવાર આવશે. એટલું જ નહીં, શ્રાવણ મહિનો સોમવારે શરૂ થશે અને સોમવારે સમાપ્ત થશે. આ દરમિયાન અનેક શુભ સંયોગોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે.
શ્રાવણમાં ક્યારે રખાશે મંગળા ગૌરી વ્રત
આ વર્ષે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 22 જુલાઈ અને સોમવારથી થઈ રહી છે. આ દિવસે પહેલા સોમવારનું વ્રત રખાશે. આ પછી 23 તારીખે મંગળવારે મા મંગળા ગૌરીનું વ્રત રાખવામાં આવશે. 30 જુલાઈએ બીજું અને 6 ઓગસ્ટે ત્રીજું તો 13 ઓગસ્ટે ચોથું મંગળા ગૌરી વ્રત રાખવામાં આવશે.
મંગળા ગૌરી વ્રતનું જાણો મહત્ત્વ
- મંગળા ગૌરી વ્રત કુંવારી મહિલાઓ અને પરિણિત મહિલાઓ બંને માટે હોય છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને ઈચ્છિત પતિની પ્રાપ્તિ થાય છે.
- વિવાહિત મહિલાઓ દ્વારા મંગળા ગૌરી વ્રત રાખવાથી તેમને સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
- આ વ્રતના પ્રભાવથી પતિ પત્નીની વચ્ચે ચાલી રહેલા મનભેદ દૂર થાય છે અને એકમેકને માટે પ્રેમ અને સન્માન વધે છે.
- સંતાન પ્રાપ્તિને માટે મંગળા ગૌરી વ્રતનું ખાસ મહત્ત્વ છે.
- કોઈ કન્યાના વિવાહમાં મોડું થાય કે મુશ્કેલી આવે તો કે પછી કુંડળીમાં માંગલિક દોષ હોય તો મંગળા ગૌરી વ્રત રાખવું. તેનાથી આ સમસ્યાઓમાંથી ફાયદો થશે.