નવરાત્રિ હવે નજીક જ છે. ત્યારે ગુજરાતીઓ નવરાત્રિની ઉત્સુકતાથી રાહ જોતાં હોય છે . નવરાત્રિમાં નવ દિવસ સુધી લોકો ગરબા રમતા હોય છે. તો ઘણા લોકો નવરાત્રિમાં ઉપવાસ કરતાં હોય છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘણી અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે.
નવરાત્રિમાં બનાવો સ્વાદિષ્ટ માલપુઆ
નવરાત્રિમાં તમે આ પરંપરાગત મીઠાઈ બનાવી શકો છો. માલપુઆ બનાવવા ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. માલપુઆને તમે ઉપવાસની વાનગીમાં પણ સામેલ કરી શકો છો. એટલે નવરાત્રિના ઉપવાસ કરનારા લોકો પણ માલપુઆની મજા માણી શકે છે.
માલપુઆ બનાવવાની સામગ્રી
- માવો - 3/4 કપ
- શિંગોડાનો લોટ - ½ કપ
- ખાંડ - 1 કપ
- દૂધ - 1 કપ
- પિસ્તા - 10-12
- એલચી- 6-7
- ઘી- તળવા માટે
માલપુઆ બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ એક વાસણમાં માવો, દૂધ અને શિંગોડાનો લોટ ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને 15થી 20 મિનિટ સુધી રહેવા દો. સાથે જ બીજી તરફ પિસ્તાને બારીક સમારી લો અને એલચીનો પાવડર પણ તૈયાર કરી લો. ત્યારબાદ ગેસ ચાલુ કરીને તેના પર એક તવો મૂકો.
માલપુઆને ચાસણીમાં નાખીને પ્લેટમાં કાઢી લો
આ તવામાં ઘી ઉમેરીને બરોબર ગરમ કરી લો. જ્યારે તે સાધારણ ગરમ થઈ જાય, ત્યારે બેટરને એક વાર પીટ કરો અને તેમાં એક ચમચી બેટર ઉમેરો. માલપુઆને મધ્યમ આંચ પર બંને બાજુથી આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તે માલપુઆને એક પ્લેટમાં કાઢી લો. હવે તેને ચાસણીમાં નાખીને પ્લેટમાં કાઢી લો. છેલ્લે બારીક સમારેલા પિસ્તા ઉપરથી ગાર્નિશ કરો.
ચાસણી બનાવવાની પદ્ધતિ
ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ પર રાખો અને ચાસણી તૈયાર કરો. ઉકળતા પછી, ચાસણીનું એક ટીપું લઈને તપાસો. જો આંગળી અને અંગૂઠાની વચ્ચે ચકાસવા પર તાર નીકળે તો ચાસણી તૈયાર છે.