આજે છે નવમું નોરતું અને આજે મા દુર્ગાના નવમાં સ્વરૂપની પુજા કરવામાં આવે છે. મા દુર્ગાની નવમી શક્તિનું નામ છે સિદ્ધિદાત્રી. આ દિવસે તમામ વિધિ વિધાન અને નિષ્ઠાપૂર્વક જો સાધના કરવામાં આવે તો મા સિદ્ધિદાત્રી સાધનકને સિદ્ધિઓ પ્રદાન કરે છે. કારણ કે તેઓ તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનારી માનવામાં આવે છે. સાધકમાં બ્રહ્માંડમાં પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આવી જાય છે.
સિદ્ધિઓ પ્રદાન કરનારી છે મા સિદ્ધિદાત્રી
માર્કંડેય પુરાણ અનુસાર, મા સિદ્ધિદાત્રીને આઠ પ્રકારની સિદ્ધિઓ મળી છે – અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. બ્રહ્મવૈવર્તપુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા 18 બતાવવામાં આવી છે. જેમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ, વાશિત્વ, સર્વકામાવસાયિતા, સર્વજ્ઞત્વ, દૂરશ્રવણ, પરકાયપ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના, સિદ્ધિ.
સિદ્ધિદાત્રીની આરાધના કરી મહાદેવ બન્યા અર્ધનારીશ્વર
દેવીપુરાણ અનુસાર, ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને તમામ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. . માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવના શરીરનો અડધો ભાગ દેવી બની ગયો અને અર્ધનારીશ્વર કહેવાયા.મા દુર્ગાના નવ સ્વરૂપોમાં આ સ્વરૂપ સૌથી શક્તિશાળી છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાનું આ સ્વરૂપ તમામ દેવી-દેવતાઓના મહિમાથી પ્રગટ થયું છે.









