આ ભવ્ય યાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ અનેક પ્રાચીન પરંપરાઓ અને વિધિઓ સાથે જોડાયેલી છે. રથ નિર્માણથી લઈને ભગવાનના પુનઃ મંદિર પ્રવેશ સુધી દરેક વિધિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

ત્રણ દિવ્ય રથોનું નિર્માણ

જગન્નાથ રથયાત્રા માટે દર વર્ષે ખાસ રીતે ત્રણ રથ બનાવવામાં આવે છે. આ રથો નીમના લાકડાથી તૈયાર કરવામાં આવે છે અને તેમાં સામાન્ય રીતે ખીલા અથવા ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સૌથી આગળ ભગવાન બલભદ્રજીનો ‘તાલધ્વજ’ રથ હોય છે, જેનો રંગ લાલ અને લીલો હોય છે. ત્યારબાદ માતા સુભદ્રાજીનો ‘દર્પદલન’ રથ આવે છે, જે કાળા અથવા વાદળી અને લાલ રંગનો હોય છે. સૌથી પાછળ ભગવાન જગન્નાથજીનો ‘નંદીઘોષ’ રથ હોય છે, જે લાલ અને પીળા રંગનો હોય છે.

ભગવાનનું બીમાર થવાની પરંપરા

રથયાત્રાના લગભગ 15 દિવસ પહેલાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને 108 કલશોના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ માન્યતા મુજબ ભગવાન બીમાર પડે છે અને ‘ઓસર ઘર’માં આરામ કરે છે.

સ્વસ્થ થયા બાદ ભગવાન ‘નવ યૌવન નેત્ર ઉત્સવ’ દરમિયાન ભક્તોને દર્શન આપે છે.

છેરા પહરા વિધિ

રથયાત્રા શરૂ થાય તે પહેલાં પુરીના ગજપતિ રાજા દ્વારા વિશેષ પરંપરા નિભાવવામાં આવે છે. રાજા સોનાની ઝાડુથી રથ મંડપ અને રથના માર્ગની સફાઈ કરે છે. આ વિધિ ભગવાન સમક્ષ સમાનતા અને સેવા ભાવનું પ્રતિક માનવામાં આવે છે.

ગુડીચા મારજન

રથયાત્રાના એક દિવસ પહેલાં ભક્તો પવિત્ર જળથી ગુડીચા મંદિરની સફાઈ કરે છે. આ પરંપરાને ‘ગુડીચા મારજન’ કહેવામાં આવે છે.

રથયાત્રાનો પ્રારંભ

અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે ઢોલ-નગારા અને ભક્તિના વાતાવરણ વચ્ચે રથયાત્રા શરૂ થાય છે. સૌથી પહેલા ભગવાન બલભદ્રજીનો રથ, ત્યારબાદ માતા સુભદ્રાજીનો રથ અને અંતમાં ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવામાં આવે છે.

માન્યતા છે કે ભગવાનના રથની દોરી ખેંચનાર ભક્ત ખૂબ ભાગ્યશાળી હોય છે.

ગુડીચા મંદિર આગમન

રથયાત્રા શ્રીમંદિરથી શરૂ થઈને લગભગ 2 કિલોમીટર દૂર આવેલા ગુડીચા માતાના મંદિરે પહોંચે છે. અહીં ભગવાન લગભગ 7 દિવસ સુધી નિવાસ કરે છે. અહીં થતા દર્શનને ‘આડપ દર્શન’ કહેવામાં આવે છે.

હેરા પંચમી

રથયાત્રાના પાંચમા દિવસે માતા લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા માટે ગુડીચા મંદિર આવે છે. આ વિધિને ‘હેરા પંચમી’ કહેવામાં આવે છે.

બહુદા યાત્રા

અષાઢ દશમીના દિવસે ભગવાનના રથો ફરી મુખ્ય મંદિર તરફ પરત ફરે છે. આ પરત યાત્રાને ‘બહુદા યાત્રા’ કહેવામાં આવે છે.

ભગવાનનો મંદિર પ્રવેશ

પરત આવ્યા બાદ પણ ભગવાનની પ્રતિમાઓ થોડા સમય સુધી રથમાં જ રહે છે. ત્યારબાદ એકાદશીના દિવસે વિધિપૂર્વક પૂજા અને સ્નાન બાદ તેમને ફરી મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવે છે.

ત્રણેય રથોની વિશેષ માહિતી

નંદીઘોષ (ગરુડધ્વજ):

ઊંચાઈ લગભગ 45 ફૂટ, 16 પૈડાં અને પવિત્ર દોરીનું નામ શંખચૂડ નાડી છે.

તાલધ્વજ:

ઊંચાઈ લગભગ 43 ફૂટ, 14 પૈડાં અને દોરીનું નામ વાસુકી છે.

દર્પદલન (પદ્મ રથ):

ઊંચાઈ લગભગ 42 ફૂટ, 14 પૈડાં અને દોરીનું નામ સ્વર્ણચૂડ નાડી છે.

આ ત્રણેય ભવ્ય રથોને ખેંચીને લગભગ 3 કિલોમીટર દૂર આવેલા ગુડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન ત્યાં થોડા દિવસ આરામ કરે છે અને ત્યારબાદ ફરી પોતાના મુખ્ય જગન્નાથ મંદિરમાં પરત આવે છે. જગન્નાથ રથયાત્રા ભક્તિ, પરંપરા અને ભગવાન-ભક્તના અતૂટ સંબંધનું અનોખું પ્રતિક છે.