આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ નગરી ભક્તિના અનોખા રંગે રંગાઈ છે. અમદાવાદના સુપ્રસિદ્ધ નિજમંદિર ખાતેથી આજે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થવા જઈ રહ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું છે અને શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ચારેય તરફ ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘જય જગન્નાથ’ ના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા છે, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે.
ભગવાનને રથમાં બેસાડાયા
રથયાત્રાની પરંપરાગત વિધિ અનુસાર, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેય ભાઈ-બહેનને રથમાં વિરાજિત જોતાં જ લાખો શ્રદ્ધાળુઓની આંખો ધન્યતા અનુભવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરશે
હવે પરંપરાગત પહિંદવિધિ બાદ જ રથયાત્રા સત્તાવાર રીતે નગરચર્યા માટે શરૂ કરાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી આ પવિત્ર પહિંદવિધિ સંપન્ન કરશે અને ત્યારબાદ રથ નિજમંદિરથી ભક્તોને દર્શન આપવા પ્રસ્થાન કરશે.

પરંપરા, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ
આ 149મી રથયાત્રામાં દર વર્ષની જેમ પરંપરા, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. યાત્રામાં આગળ ચાલતા ગજરાજ, દેશભરમાંથી આવેલા અખાડાના સાધુ-સંતોના કરતબો અને વિવિધ ભજન મંડળીઓ ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત
રસ્તાઓ પર હરિધૂનનો ગુંજારવ સંભળાઈ રહ્યો છે. સમગ્ર રૂટ પર વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, તેમજ ઠેર-ઠેર શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ અને વિશેષ સેવાકીય વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. અમદાવાદ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેની સુરક્ષા વચ્ચે ભગવાન નગરચર્યા કરશે.
આ પણ વાંચો : Ahmedabad Rath Yatra 2026 Live : આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા ભગવાનના દર્શન માટે