અમદાવાદ આજે ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘જય જગન્નાથ’ ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે. જે ક્ષણની લાખો શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે એક અત્યંત મહત્વપૂર્ણ સનાતન પરંપરા ઈતિહાસના પાનાઓમાંથી જીવંત થઈ ઉઠી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે પ્રભુના રથનો માર્ગ સાફ કર્યો

વર્ષો જૂની રાજાશાહી પરંપરાને જીવંત રાખતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે પ્રભુના રથનો માર્ગ સાફ કરીને પવિત્ર 'પહિંદ વિધિ' સંપન્ન કરી હતી. પુરીમાં 'છેરા પહેરા' તરીકે ઓળખાતી આ પૂજા એ વાતનું પ્રતીક છે કે ભગવાનની નજરમાં રાજા હોય કે પ્રજા, સૌ સમાન સેવક છે. મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

https://x.com/sandeshnews/status/2077567003418828893 

ત્રણેય દિવ્ય રથો મંદિર પરિસરની બહાર આવ્યા

આ મંગલ વિધિ પૂર્ણ થતાં જ સવારે સાડા સાત વાગે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય દિવ્ય રથો મંદિર પરિસરની બહાર આવી ચૂક્યા છે અને નાથ નગરચર્યાએ નીકળ્યા છે. 

પ્રભુ રોડ પર નીકળતા જ ભક્તોનું કીડીયારું ઉભરાયું

વર્ષમાં એકવાર પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપવા પ્રભુ રોડ પર નીકળતા જ ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. રથયાત્રામાં આગળ ચાલતા ગજારાજા, અખાડા, ભજન મંડળીઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બની છે. સમગ્ર રૂટ પર મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે.


અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સુપર એલર્ટ મોડ પર

બીજી તરફ, રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સુપર એલર્ટ મોડ પર છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવતા ક્રાઈમ બ્રાન્ચનું હાઈટેક 'એન્ટી-ડ્રોન' સિસ્ટમ વહેલી સવારથી જ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. આકાશમાંથી ડ્રોન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સતત બાજ નજર રાખીને કંટ્રોલ રૂમમાંથી સીધું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. આ લોખંડી બંદોબસ્ત વચ્ચે ભક્તો નિર્ભય બનીને આ પરંપરા, આસ્થા અને એકતાના અનોખા ઉત્સવને માણી રહ્યા છે.


આ પણ વાંચો  :  Ahmedabad Rath Yatra 2026 Live : આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા ભગવાનના દર્શન માટે