- ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે તો તેમની પત્નીઓ યશસ્વી, વૈભવશાળી તથા પ્રતિષ્ઠા અપાવનારી
- શુભ અને લાભ દરેક સુખ-સૌભાગ્ય આપનાર છે
- ઘરના મુખ્ય દ્વારની ઉપર ગણેશજી પ્રતિમા એવી રીતે લગાવો કે તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે
શ્રી ગણેશને તમામ સિદ્ધિઓના દાતા અને વિઘ્નવિનાશક કહેવામાં આવે છે. તેઓ પ્રથમ પૂજ્ય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી ગણેશની બે પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ છે તથા પુત્ર લાભ અને ક્ષેમ (શુભ). ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે તો તેમની પત્નીઓ યશસ્વી, વૈભવશાળી તથા પ્રતિષ્ઠા અપાવનારી છે. જ્યારે શુભ અને લાભ દરેક સુખ-સૌભાગ્ય આપનાર છે. શાસ્ત્રોમાં ગ્રહદોષ, વાસ્તુદોષ, અભ્યાસ, રોજગાર, આર્થિક બાબતોમાં અનુભવાતી મુશ્કેલી દૂર કરતા શ્રી ગણેશ સાથે સંબંધિત ઉપાયો વર્ણવવામાં આવ્યા છે.
કરો આ શાસ્ત્રોક્ત ઉપાય
પ્રાત:કાળે ગણેશજીને દૂર્વા અર્પણ કરીને ઘરની બહાર જવું. તેનાથી તમારાં કાર્યોમાં કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન નહીં થાય. ઘરના મુખ્ય દ્વારની ઉપર ગણેશજીનું ચિત્ર અથવા પ્રતિમા એવી રીતે લગાવો કે તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે. તેનાથી ધનલાભ થશે. ગણેશજીને દૂર્વા તથા લાડુ અર્પણ કરીને લક્ષ્મીજીના ચિત્ર કે મૂર્તિની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી ધનની ઊણપ ક્યારેય નહીં વર્તાય. દુકાન અથવા વ્યવસાય સ્થળના ઉદઘાટનના સમયે ચાંદીની એક વાટકીમાં ધાણા નાખીને તેમાં ચાંદીની ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ મૂકો. પછી એ વાટકીને પૂર્વ દિશામાં સ્થાપિત કરો. દરરોજ દુકાન કે ઓફિસ ખોલતી વખતે પાંચ અગરબત્તીથી પૂજન કરવાથી રોજગારમાં ઉન્નતિ થશે.
બુધવારના દિવસે ભગવાન ગણેશની સાધના કરવાથી બુધ ગ્રહસંબંધી બધા જ દોષ દૂર થાય છે.
દરરોજ ગણેશજીની પૂજા કરીને `ૐ ગં ગણપતયે નમ:' મંત્રનો એક માળા જાપ કરો. તેનાથી કોઈ પણ પરીક્ષામાં તમને સફળતા મળશે. બુધવારનું વ્રત રાખવું. બુધ સ્તોત્રનો પાઠ કરવાથી, ગણેશજીને મગના લાડુ ચઢાવવાથી આજીવિકાની પ્રાપ્તિ થાય છે. રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં શ્વેતાર્કનું મૂળ લાવીને તેને ગણેશજીની પ્રતિમા પર ચઢાવો. પછી તેમને સિંદૂર અને દેશી ઘીના મિશ્રણનો લેપ લગાવો તથા જનોઈ પહેરાવીને પૂજાઘરમાં સ્થાપિત કરો. ત્યારબાદ તેમની સમક્ષ ગણેશ મંત્રનો અગિયાર માળા જાપ કરો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
આ મંત્રજાપ કરો
ગણેશ: ૐ ગં ગણપતયે નમ:।
રિદ્ધિ: ૐ હેમવર્ણાયૈ ઋદ્ધયે નમ:।
સિદ્ધિ: ૐ સર્વજ્ઞાનભૂષિતાયૈ નમ:।
લાભ: ૐ સૌભાગ્ય પ્રદાય ધન-ધાન્યયુક્તાય લાભાય નમ:।
શુભ: ૐ પૂર્ણાય પૂર્ણમદાય શુભાય નમ:।
જો તમારાં બનતાં કામ બગડતાં હોય, વાત છેક સુધી આવીને અટકી જતી હોય તો એક સોપારી પર નાડાછડી લપેટીને તેને ગણેશ રૂપે સ્થાપિત કરો. ત્યારબાદ તેમનું પૂજન કરીને ઘરની બહાર જાઓ. આમ કરવાથી તમારાં બગડતાં કામ પણ બનવા લાગશે. વિવાહ, વેપાર, નોકરી, સ્વાસ્થ્ય, આર્થિક એમ કોઈ પણ બાબતોમાં બાધાઓ કે અંતરાયો આવતા હોય તો ધનતેરસથી લઈને દિવાળી સુધી સતત ત્રણ દિવસ સંધ્યાકાળે શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરીને મંદિરની ગૌશાળાની ગાયને લીલું ઘાસ ખવડાવવું.
ગણપતિને સફેદ દૂર્વા ચઢાવો
પરીક્ષા આપતાં પહેલાં ગણેશ મંત્રનો એક માળા જાપ કરો અને ગણપતિને સફેદ દૂર્વા ચઢાવો. તેનાથી પરીક્ષાનો ડર દૂર થશે અને ધારી સફળતા મળશે. ઘરના પૂજાસ્થાન કે મંદિરમાં ગણેશજીની પ્રતિમા સામે બેસીને દરરોજ પૂજન કરવાથી ધન, ધાન્ય, માન-પ્રતિષ્ઠા અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પ્રાત:કાળે ગણેશ મંત્રના જાપ કરવા. 21 દિવસમાં સવા લાખ વાર જાપ પૂર્ણ કરવા. તેનાથી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે, તેથી જ ગણપત્યથર્વશીર્ષમાં કહેવાયું છે કે શ્રી ગણેશ ભગવાન, તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છો. તમે જ અગ્નિ વાયુ, સૂર્ય, ચંદ્ર છો. સમસ્ત દેવતા, પંચતત્ત્વ, નવગ્રહ વગેરે બધાં જ આપનાં સ્વરૂપ છે.
ગણેશાષ્ટકને સિદ્ધિપ્રદાયક કહેવામાં આવ્યું છે
ગણેશ પુરાણમાં વર્ણિત ગણેશાષ્ટકને સિદ્ધિપ્રદાયક કહેવામાં આવ્યું છે. દરેકને રિદ્ધિ-સિદ્ધિની સહજતાથી ઉપલબ્ધિ ગણેશજીથી જ શક્ય છે. રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ, કામનાપૂર્તિ, સંકટનાશન, પ્રેમપ્રાપ્તિ, મધુર દાંપત્યજીવન, વિઘ્નનાશ, આરોગ્ય વગેરે જેવી કોઈ પણ કામના નથી કે જે ગણેશકૃપાથી પૂરી ન થાય. તેના માટે નીચેના મંત્રોના જાપ કરવા. ત્યારબાદ લાડુનો ભોગ ધરાવવો. પછી ધૂપ-દીપ કરીને ગણેશજીની આરતી કરવી. પ્રસાદ વહેંચવો અને પોતે પણ ગ્રહણ કરવો.