ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર, ગુડ ફ્રાઈડે, 18 એપ્રિલના રોજ છે. ખ્રિસ્તી સમુદાયના લોકો લાંબા સમયથી ભગવાન ઈસુ ખ્રિસ્તને સમર્પિત આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. આ દિવસે ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજવામાં આવે છે. લોકો ઉપવાસ, મૌન અને ધ્યાન પાળે છે. ગુડ ફ્રાઈડે ખ્રિસ્તીઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જે ઇસ્ટર પહેલાના શુક્રવારે આવે છે. તેને બ્લેક ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને હોલી ફ્રાઈડે નામથી પણ ઓળખવામાં આવે છે.
કેવી રીતે ગુડ ફ્રાઈડે પડ્યું નામ
ખ્રિસ્તી ધાર્મિક ગ્રંથ બાઇબલ અનુસાર, લોકોના કલ્યાણ માટે, ભગવાન ઈસુએ માત્ર પ્રેમ, કરુણા, જ્ઞાન અને અહિંસાનો સંદેશ આપ્યો જ નહીં, પરંતુ યહૂદી શાસકો તરફથી ભારે શારીરિક અને માનસિક ત્રાસ પણ સહન કર્યો અને તેમને ક્રુસ પર ચડાવવામાં આવ્યા. જે દિવસે પ્રભુ ઈસુને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતા તે શુક્રવાર હતો. તેથી, આ દિવસને ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે અને આ તહેવાર ઈસુના બલિદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જાણો ગુડ ફ્રાઈડેનો ઇતિહાસ
ગુડ ફ્રાઈડે તહેવારનો ઇતિહાસ 2005 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો હતો. જન્મ બાદ જ્યારે ઈસુ જેરુસલેમમાં રહેતા હતા અને લોકોને માનવતા, એકતા, ભાઈચારો અને શાંતિનો સંદેશ આપતા હતા. લોકો તેમને ભગવાનના સંદેશવાહક માનવા લાગ્યા. સમાજના દુષણોને દૂર કરવા માટે, તેઓ ધર્મના માર્ગે ચાલીને લોકોને માનવતાનો પાઠ શીખવવા માંગતા હતા. પણ કેટલાક લોકોને આ ગમ્યું નહીં. તેઓએ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું. આ આરોપોને કારણે, ભગવાન ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા. યહૂદી શાસકો ઈસુને વધસ્તંભ પર ચડાવી રહ્યા હતા, ત્યારે લોકોના કલ્યાણ માટે હસતાં હસતાં તેઓ વધસ્તંભ પર ચઢી ગયા હતા.
માનવજાતિને આપ્યો સંદેશ
ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઇબલમાં પણ ઉલ્લેખ છે કે ઈસુ ખ્રિસ્તને લગભગ 6 કલાક સુધી ખીલા મારીને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા અને પછી તેમને ફાંસી આપવામાં આવી હતી. ખ્રિસ્તી માન્યતા અનુસાર, ઈસુનું આ બલિદાન જ માનવતાને નવું જીવન આપે છે. ઇસુ એ સમગ્ર માનવ જાતિને સંદેશ આપ્યો કે તમારે સમાજના કલ્યાણ માટે તમારા જીવનનું બલિદાન આપવું પડે, તો તે હસતાં હસતાં કરો.