Bhuj College Menstruating Case In Women Commission orders suo moto over
  • Home
  • Featured
  • ભુજમાં માસિક ધર્મની તપાસ કરવા યુવતીઓના કપડાં ઉતરાવ્યા, હવે આ મામલામાં શરમજનક વળાંક

ભુજમાં માસિક ધર્મની તપાસ કરવા યુવતીઓના કપડાં ઉતરાવ્યા, હવે આ મામલામાં શરમજનક વળાંક

 | 4:36 pm IST

ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિધાર્થીનિઓના કપડા ઉત્તરાવી માસિક ધર્મ અંગે સંચાલકો દ્વારા તપાસ કરતા ભારે હોબાળો થયો છે. 11 તારીખે બનેલી ઘટના દબાઈ ગયા બાદ સામે આવતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર મામલે હવે પોલીસ હોસ્ટેલ પહોચી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ટ્રસ્ટી મંડળે બેઠક બોલાવી પોતાની ભૂલ સ્વીકારી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.

આ મામલે તપાસ કરવા માટે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) દર્શના ધોળકિયા સાથેની ચાર વ્યક્તિઓની એક ટીમ બનાવાઇ હતી. આ ઘટનાથી જાણ થતાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ડોક્ટર દર્શના ધોળકિયા તેના સાથેના મહિલા સભ્ય પ્રોફેસર એક આખી તપાસની ટીમ સાથે ત્યાં પહોંચી અને તપાસણી કરી હતી. તો આ મામલે મહિલા આયોગની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ હતી. મહિલા આયોગની ટીમે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.

કચ્છમાં વિદ્યાર્થિનીઓના શોષણ મામલે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલીયાએ જણાવ્યું કે, ભુજમાં કંઈપણ થયુ તે નિંદનીય છે. મહિલા આયોગે સુઓમોટો દાખલ કરી છે અને પોલીસ પાસે તેનો રિપોર્ટ માગ્યો છે. દીકરીઓ પર થતી જાતીય સતામણી સામે પગલાં લેવાશે. જિલ્લા પોલીસ વડા પાસે મહિલા આયોગ દ્વારા રિપોર્ટ માગવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, નારી અદાલતની બહેનોને તપાસ કરી રિપોર્ટ સોંપવા સૂચન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ હોસ્ટેલમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. છાત્રાઓ રજસ્વલા છે કે નહીં તે જાણવા પ્રત્યેક કન્યાનું કૉલેજના વૉશરૂમમાં વસ્ત્રો કઢાવીને પરીક્ષણ કરવામાં આવતાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની મહિલા સંચાલકો સામે ગંભીર આરોપ મૂક્યો હતા.

11 તારીખના આ ઘટના દબાઈ ગયા બાદ આજે હિંમતભેર કેટલીક વિધાર્થીનીએ વિરોધ નોંધાવી તપાસની માંગ કરી હતી. સમગ્ર બનાવ અંગે વિધાર્થીનીએ પ્રિન્સિપાલને રજુઆત કરી જવાબદાર મહિલા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સહજાનંદ હોસ્ટેલ સંચાલકો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાના બદલે છાત્રાઓને ધાક ધમકી આપી ઘટના દબાવવાનો પ્રયાસ થયો હોવાનો પણ આરોપ સંસ્થા પર લાગ્યો છે. આખરે હોસ્ટેલ છાત્રા મીડિયા સામે આવી હોસ્ટેલમાં મહિલા સંચાલકો માસિક ધર્મ તપાસના નામે માનસિક ત્રાસ આપવાનો આરોપ મુક્યો હતો.

વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઓફિસમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. તેમજ સંચાલકોએ વિદ્યાર્થિનીઓને એમ પણ જણાવી દીધું હતું કે, તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત જવા દો.

ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત હોસ્ટેલમાં માસિક ધર્મ’ પાળવા સંદર્ભે કેટલાક નીતિ નિયમો રાખવામાં આવ્યા છે. હોસ્ટેલ સંચાલકો દ્વારા યુવતીના કપડાં ઉતારી માસિક ધર્મ લઈને તપાસ કરતા વિવાદ ઉભો થયા બાદ ટ્રસ્ટી મંડળ પણ હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે બેઠક બોલાવી છાત્રાઓને શારીરિક પરીક્ષણ માટે ફરજ પાડવા બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે, તેવી ખાતરી આપાઇ છે અને દોષિત જણાશે તો પગલાં ભરાશે.

કુલપતીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની તપાસ ટીમની રચના કરવામાં આવી છે. યુવતીના નિવેદન લઈને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે માસિક ધર્મના નામે વિધાર્થીનીઓના શારીરિક પરીક્ષણ માટે ફરજ પાડનાર જવાબદાર સંચાલકોના પણ નિવેદન લેવામાં આવશે અને રિપોર્ટ ત્યાર કરી દોષિત સામે કાર્યવાહી કરાશે

એક તરફ પેડમેન જેવી ફિલ્મ ના નિર્માણ સાથે સરકાર અને સામાજિક સંસ્થા સ્ત્રી માસિક ધર્મમાં તેમની સ્થિતિ માં મજબૂત કરવાના પ્રયાસ કરી રહી છે તેવામાં ધાર્મિક મંદિર સંચાલિત સંસ્થા ના આવા કાર્ય થી અનેક સવાલો ઉભા થયા છે ત્યારે દોષિત સામે શુ કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

ભુજમાં વિદ્યાર્થિનીઓના શોષણ મામલે રાજ્યના ડેપ્યૂટી CMનું નિવેદન સામે આવ્યું છે. ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે જણાવ્યું કે, ભૂજમાં બનેલી ઘટના વિશે મેં દૈનિક પત્રમાં સમાચાર વાંચ્યા છે. જે ઘટના બની છે તે યોગ્ય નથી. ગુજરાતમાં દરેક મહિલાની માન મર્યાદા જળવાય તે જરૂરી છે. નીતિન પટેલે જણાવ્યું કે, ભૂજની સહજાનંદ હોસ્ટેલમાં મહિલાઓના વસ્ત્રો ઉતારીને પ્રશાસને તપાસ કરી હતી.

કચ્છમાં વિદ્યાર્થિનીના શોષણ અંગે ભૂપેન્દ્ગસિંહે મૌન સેવ્યું છે. ભુજમાં સહજાનંદ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના શોષણ મામલે ભૂપેન્દ્ગસિંહ ચુડાસમાને સવાલ પુછતા જ તેમણે ચાલતી પકડી હતી. તમને જણાવી કે, સાબરકાંઠાના કાર્યક્રમમાં ભૂપેન્દ્ગસિંહે બોલવાનું ટાળ્યું હતું. ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં શિક્ષણમંત્રી હાજર રહ્યા હતા.

આજે સાબરકાંઠામાં પ્લેસમેન્ટ ભરતીનો એક કાર્યક્રમ હતો. ત્યારે પ્લેસમેન્ટ પરથી કાર્યક્રમ ખુલ્લુ મુકાયા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મૌન બન્યા હતા. તેમને અલ્પેશ ઠાકોરની ચેતવણી તેમજ કચ્છના મામલે કોઈ નિવેદન આપ્યું નહોતું. આ બે મુદ્દે સવાલ કરતા પ્રધાને ચાલતી પકડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન