Bhupendra Patel was made the new Chief Minister of Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભાજપે ફરી પ્રજાને સરપ્રાઈઝ આપી; ગુજરાતના નવા CM તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી

ભાજપે ફરી પ્રજાને સરપ્રાઈઝ આપી; ગુજરાતના નવા CM તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી

 | 9:25 am IST
  • Share

ભાજપે ફરી ગુજરાતની પ્રજાને સરપ્રાઈઝ આપી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાના સભ્ય ભુપેન્દ્ર પટેલની વરણી થઈ છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિરિક્ષક તરીકે કમલમ્ ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં  ભુપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યું છે.

પાટીદાર સમાજની ભાજપ પ્રત્યેની લાંબા સમયથી ચાલી રહેલી નારાજગી હવે દૂર થશે. ભાજપે પાટીદાર મુખ્યમંત્રીની વરણી કરી 2022માં પાટીદારના મતે અંકે કરવાની રણનીતિ રમી છે.  ભુપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. ભુપેન્દ્ર પટેલ 2017માં પ્રથમવાર ધારાસભ્ય ચૂંટાયા હતા.

વિજય રૂપાણીના રાજીનામા બાદ દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? જો કે હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે. આજે સવારથી કમલમ્ ખાતે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. જેમા કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સી.આર.પાટીલ બેછકમાં હાજર રહ્યા હતા.

આ કોઇ રેસ નથી: નીતિન પટેલ

શું તમે મુખ્યમંત્રીની રેસમાં છો? તો નીતિન પટેલે જવાબ આપ્યો કે જો મીડિયા જાત-જાતના અનુમાનો કરે છે તેમનો અધિકાર છે. પરંતુ કોને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવી એ પક્ષ નક્કી કરશે. રહી વાત રેસની તો આ કોઇ રેસ નથી. તમે મીડિયાવાળા અત્યારે મુખ્યમંત્રી બનવા માટેની રેસના નામ ચલાવશો, ત્યારબાદ મંત્રીમંડળમાં કોને લેવામાં આવશે ત્યારબાદ મંત્રીઓને કયા વિભાગ સોંપવામાં આવશે તેની ચર્ચાઓ કરશો. બધા અનુમાનો લગાવાનો તમારો અધિકાર છે પરંતુ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ જ બધા નામ નક્કી કરશે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે કાર્ય કરવાનું અમને કહેશે તેનો અમે સ્વીકાર કરીશું. એટલા માટે જ ગુજરાત ભાજપના કાર્યકર્તાની એકતાની રાષ્ટ્રીયસ્તરે ચર્ચા થાય છે

આજે જ વિધાયક દળના નેતા રાજ્યપાલ પાસે જશે: યમલ વ્યાસ, ભાજપના પ્રવકતા

ભાજપના પ્રવકતા યમલ વ્યાસે પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે આજે બપોરે ત્રણ વાગ્યે ભારતીય જનતા પાર્ટીની બેઠક ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળશે. તેમાં કેન્દ્રમાંથી આવેલા નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ જોશી અને તરૂણ ચુગ ઉપસ્થિત રહેશે. રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ત્રણ વાગ્યાની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની ચર્ચા થશે. ત્યારબાદ શકય છે કે આજે જ રાજ્યપાલ પાસે વિધાયક દળના નેતા જાય તેવી સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણ અંગે તેમણે કહ્યું કે આજે વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ આગળ નિર્ણય લેવાશે.

સી.આર.પાટીલના ઘરે બેઠકોનો ધમધમાટ, કમલમમાં નેતાઓ પહોંચવા લાગ્યા

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના ઘરે બેઠકોના ધમધમાટ બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી મોટી હલચલ જોવા મળી રહી છે. બપોરે 3 વાગ્યે કમલમ પર ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. તો બીજીબાજુ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં હાજર રહેશે. ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચી ગયા છે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલ ગાંધીનગર પહોંચ્યા છે.

ગુજરાતના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમરે અમદાવાદ પહોંચતા જ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ધારાસભ્યમાંથી જ કોઇ મુખ્યમંત્રી હશે

CM પદની રેસમાં આ દિગ્ગજોના નામની ચર્ચા

આમ તો સીએમ પદની રેસમાં કેટલાંય દિગ્ગજોના નામ છે પરંતુ મુખ્ય દાવેદાર સી.આર.પાટિલ, મનસુખ માંડવિયા, નીતિન પટેલ અને ગોરધન ઝડફિયા છે. જો કે પક્ષના સૂત્રોએ આ અંગે સ્પષ્ટપણે કંઇ પણ જણાવવાનો ઇનકાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે. પરંતુ જે રીતે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગોરધન ઝડફિયા મુખ્યમંત્રી પદની રેસમાં છે જો કે પાટિલે પોતે રેસમાં હોવાનો ઇનકાર કર્યો છે. વધુ એક નામ લક્ષદ્વીપના વહીવટદાર પ્રફુલ્લ પટેલના નામની પણ ચર્ચા છે.

આજે ગાંધીનગર ખાતે ધારાસભ્યદળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર પહોંચી ગયા છે.

ચર્ચા છે કે ધારાસભ્ય દળની બેઠકમાં નવા નામની પસંદગી થશે. જો કે એમ પણ કહેવાય છે કે આ વખતે પાટીદાર સમુદાયમાંથી મુખ્યમંત્રી હશે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ BJPની નેતાગીરી કોઇ નવું જ નામ મુખ્યમંત્રી માટે સામે ધરીને પ્રજાજનોને ચોંકાવે તો બિલકુલ નવાઇ નહીં. કારણ કે ભાજપની નેતાગીરીનો રેકોર્ડ રહ્યો છે. અગાઉ વર્ષ 2016માં આનંદીબેન પટેલે પણ અચાનક જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને તે સમયે પણ કોઇને ખ્યાલ નહોતો કે વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરાશે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તે પહેલાં ભાજપ રાજ્યના નેતૃત્વમાં ફેરફાર કરી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો