- આજે નાણાપ્રધાન સીતારામન સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ સંસદમાં રજૂ કરશે
- બજેટનું ફ્રેન્ચ કનેક્શન : બજેટ શબ્દ Bougette પરથી લેવાયો છે, જેનો અર્થ નાનકડી બેગ થાય છે
- સૌથી લાંબુ બજેટ ભાષણ કરવાનો રેકોર્ડ સીતારામનના નામે છે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામન પહેલી ફેબ્રુઆરીને બુધવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ સંસદમાં રજૂ કરશે. વર્ષ 2024મા સામાન્ય ચૂંટણી યોજાશે તેથી આ બજેટ અનેક કારણોસર મહત્ત્વપૂર્ણ છે. દેશમાં સરકાર તરફથી બજેટ રજૂ કરવાની શરૂઆત 19મી સદીમાં થઈ ગઈ હતી. બજેટનું ફ્રેન્ચ કનેક્શન, બજેટ શબ્દ Bougette પરથી લેવાયો છે જેનો અર્થ નાનકડી બેગ થાય છે. ફ્રેન્ચ ભાષામાં આ શબ્દ લેટિન શબ્દ બુલ્ગા પરથી બન્યો છે જેનો અર્થ ચામડાનો થેલો થાય છે. પ્રાચીન સમયમાં વેપારીઓ પોતાના વેપારના દસ્તાવેજો એક થેલામાં રાખતાં હતાં. ધીરેધીરે આ શબ્દનો ઉપયોગ સંસાધનો પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલા હિસાબ-કિતાબ સાથે જોડાઈ ગયો. આ રીતે સરકારો દ્વારા વર્ષ ભરના આર્થિક હિસાબોને નામ મળ્યું બજેટ. આપણા દેશનું પ્રથમ બજેટ 163 વર્ષ અગાઉ એક સ્કોટિશ અર્થશાસ્ત્રી અને રાજકારણી જેમ્સ વિલ્સને ઇસ્ટ ઈન્ડિયા કંપની તરફથી બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યું હતું. આ બજેટને સાત એપ્રિલ 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.
યશવંત સિન્હાએ બજેટનો સમય બદલ્યો, મોદી સરકારે દિવસ પણ પહેલાં કેન્દ્રીય બજેટ સાંજે પાંચ કલાકે રજૂ કરવામાં આવતું હતું. બ્રિટિશ શાસનની આ પરંપરા આઝાદી પછી પણ જળવાયેલી રહી હતી. યશવંત સિન્હાએ 2001મા તેમાં બદલાવ કર્યો અને સવારે જ રજૂ કરવાનું શરૂ કર્યું. જો કે આગળ ચાલીને મોદી સરકારે 28 ફેબ્રુઆરીએ રજૂ કરાતા બજેટને પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવાનું શરૂ કર્યું.
સૌથી લાંબુ બજેટ ભાષણ કરવાનો રેકોર્ડ સીતારામનના નામે છે
નિર્મલા સીતારામનનું કેન્દ્રીય બજેટ 2021 માટેનું ભાષણ ભારતના ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ છે, તે બે કલાક અને 40 મિનિટ સુધી ચાલ્યું હતું. તેમણે કેન્દ્રીય બજેટ 2020ને રજૂ કરવા માટે તેમણે પોતે જ લીધેલા બે કલાક અને 17 મિનિટના રેકોર્ડને તોડયો હતો. પહેલાં આ રેકોર્ડ અરુણ જેટલીના નામ પર હતો.
મોદી સરકારે સામાન્ય બજેટમાં રેલવે બજેટનો વિલય કર્યો
પહેલાં સંસદમાં બે બજેટ રજૂ કરવામાં આવતાં હતાં. એક રેલવે બજેટ અને બીજું સામાન્ય બજેટ. ભારત સરકારે 21 સપ્ટેમ્બર 2016ના રોજ સામાન્ય બજેટ સાથે રેલવે બજેટને વિલીન કરી દેવાની મંજૂરી આપી હતી. પહેલી ફેબ્રુઆરી 2017ના રોજ દેશનું પ્રથમ સંયુક્ત બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. રેલવે માટે અલગ બજેટ પ્રથમ 1924માં શરૂ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય એકવર્થ સમિતિની ભલામણના આધારે કરવામાં આવ્યો હતો.
પેપરલેસ બજેટનો પ્રારંભ નિર્મલા સીતારામને કર્યો
કોવિડ સંકટના કારણે વર્ષ 2021ના બજેટમાં એક મહત્ત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો હતો. આ બજેટ દેશનું પ્રથમ પેપરલેસ બજેટ હતું. તેની તમામ પ્રતોને ડિજિટલી સ્ટોર કરવામાં આવી હતી. તે પછી 2022નું બજેટ પણ પેપરલેસ રહ્યું હતું. સીતારામને બજેટ કેરી કરવા બ્રિફકેસનો ઉપયોગ કરાતો હતો તેને પણ બંધ કરી દીધું હતું. હવે તે વહી-ખાતા જેવી દેખાતી બેગમાં બજેટ સાથે સંકળાયેલાં ડોક્યુમેન્ટ લઈને આવે છે.
1950માં બજેટ લીક થઈ ગયું હતું
વર્ષ 1950નું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ લીક થઈ ગયું હતું. તેના કારણે પછી બજેટના પ્રિન્ટિંગનું કામકાજ રાષ્ટ્રપતિ ભવનમાં મિન્ટો રોડ સ્થિત એક પ્રેસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 1980થી બજેટનું સરકારી પ્રેસમાં થવા લાગ્યું છે. પ્રારંભમાં બજેટના દસ્તાવેજ ફક્ત અંગ્રેજીમાં જ છપાતા હતાં. 1955-56થી અંગ્રેજી-હિન્દીમાં છપાવા લાગ્યા.
ભારતીય બજેટનું વૈજ્ઞાનિક કનેક્શન
સ્વતંત્ર ભારતના બજેટની પરિકલ્પના પ્રો. પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે કરી હતી. સ્વતંત્ર ભારતના બજેટનું એક્રેડિયેશન તેમણે તૈયાર કર્યું હતું. તેઓ એક ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી હતા. તેમણે લંડનની કેમ્બ્રિજ યુનિ.માંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત એમ બન્ને વિષયની ડિગ્રી હાંસલ કરી હતી. તેઓ દેશના યોજના આયોગના સભ્ય પણ હતાં. આર્થિક યોજના અને આંકડાકીય વિકાસના ક્ષેત્રમાં તેમના અદ્ભુત યોગદાનના સમ્માનમાં ભારત સરકાર દર વર્ષે તેમના જન્મદિવસ 29 જૂનને સ્ટેટિસ્ટિક ડે તરીકે ઊજવે છે.
ત્રણ વડાપ્રધાને બજેટ રજૂ કર્યું, ત્રણેય એક જ પરિવારના
સામાન્ય રીતે સંસદમાં નાણાપ્રધાન જ બજેટ રજૂ કરે છે પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ વર્ષ 1958-59માં એક વડાપ્રધાન તરીકે બજેટને સંસદમાં રજૂ કર્યું હતું. નહેરુ ઉપરાંત તેમના પુત્રી ઇંદિરા ગાંધીએ 1970-71નું બજેટ પીએમ તરીકે સંસદમાં રજૂ કર્યું હતું. ઈંદિરા ગાંધી કેન્દ્રીય બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા પણ હતાં. તે પછી તેના પુત્ર રાજીવ ગાંધીએ પણ નાણાકીય વર્ષ 1987-88નું બજેટ એક વડાપ્રધાન તરીકે સંસદમાં રજૂ કર્યું હતું. આમ ત્રણ વડાપ્રધાને બજેટ રજૂ કર્યું અને ત્રણેય એક જ પરિવારના હતા.
આઝાદ ભારતના પ્રથમ બજેટમાં સંરક્ષણ માટે જંગી ફાળવણી
કેન્દ્રીય બજેટના શરૂઆતના 30 વર્ષોમાં તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના શબ્દનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. બજેટમાં આ શબ્દ 20મી સદીની શરૂઆતમાં સામેલ કરવામાં આવ્યો હતો. આઝાદ ભારતનું પ્રથમ બજેટ 16 નવેમ્બર, 1947ના રોજ દેશના પ્રથમ નાણાપ્રધાન આરકે શનુખમ ચેટ્ટીએ સંસદમાં રજૂ કર્યું હતું. જો કે તે એક પ્રકારનો ભારતીય અર્થતંત્રની સમીક્ષા રિપોર્ટ હતો. આ બજેટમાં કોઈ નવા ટેક્સની જાહેરાત કરવામાં આવી ન હતી. આ બજેટની કુલ રકમના લગભગ 46 ટકા એટલે કે લગભગ 92.74 કરોડ રૂપિયા સંરક્ષણ સેવાઓ માટે ફાળવવામાં આવ્યા હતા.
બજેટની કાયાપલટ કરવાનું શ્રોય મનમોહનસિંહને જાય છે
દેશના વડાપ્રધાન બની ચૂકેલા મનમોહનસિંહ પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં નાણાપ્રધાન હતાં ત્યારે વર્ષ 1991-92નું બજેટ રજૂ કર્યું હતું. બજેટના ઇતિહાસમાં આ બજેટને આમૂલ પરિવર્તનકારી બજેટ ગણવામાં આવે છે. આ બજેટ સાથે ભારતીય બજારને વિશ્વ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ બજેટ સાથે દેશની આર્થિક સમૃદ્ધિની શરૂઆત થઈ હતી. જો કે ડ્રીમ બજેટ રજૂ કરવાનો યશ પી. ચિદમ્બરમ્ના ફાળે જાય છે. 1997-98ના બજેટમાં વ્યક્તિગત ટેક્સ અને કોર્પોરેટ ટેક્સને ભારે માત્રામાં ઘટાડવામાં આવ્યા હતાં.
સૌથી વધુ બજેટ રજૂ કરવાની સિદ્ધિ મોરારજી દેસાઈના નામે છે
સૌથી વધારે વાર દેશનું બજેટ રજૂં કરવાની સિદ્ધિ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન મોરારજી દેસાઈના નામ પર છે. તેમણે 10 વાર બજેટ રજૂ કર્યું હતું. તેના પછીના ક્રમે પી. ચિદમ્બરમે નવ વાર, પ્રણવ મુખરજીએ અને યશવંત સિન્હાએ આઠ-આઠ વાર તથા મનમોહનસિંહે છ વાર બજેટ રજૂ કર્યું છે.