- દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો : સીતારમણ
- નાણામંત્રીએ સામાન્ય બજેટમાં બાજરીનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરી
- ડીજીટલ ઈન્ફ્રા ફોર એગ્રીકલ્ચર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની છે. વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. આ સિવાય નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરાશે
નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ખેડૂતોના ભલા માટે ઘણી જાહેરાતો કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. તે જ સમયે, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગને ધ્યાનમાં રાખીને કૃષિ લોનનો લક્ષ્યાંક વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે.
કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ વૃદ્ધિ પર ભાર
નાણામંત્રીએ સામાન્ય બજેટમાં બાજરીનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. મિલેટ્સને 'શ્રી અન્ના' કહીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, અમે આ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીશું. આ સાથે જ ડીજીટલ ઈન્ફ્રા ફોર એગ્રીકલ્ચર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવાની પણ વાત કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, તેનાથી પાક, માર્કેટ ઈન્ટેલિજન્સ અને એગ્રીટેક ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સમાં મદદ મળશે.
નાણામંત્રીએ હસ્તકલા અને અન્ય વસ્તુઓના ઉત્પાદનમાં રોકાયેલા સીમાંત કામદારોના લાભ માટે નવી પીએમ વિકાસ યોજનાની પણ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે બાગાયતના ઉત્પાદન માટે 2,200 કરોડની રકમ ફાળવવાની વાત કરી હતી. આ સાથે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આગામી 3 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ મળશે. આ સાથે 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.