ઓક્ટોબર મહિનો પૂર્ણ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે. છેલ્લી તારીખ આવે અને નવો મહિનો શરૂ થાય એટલે આપણા મનમાં એક જ સવાલ આવે કે આ મહિને શેના ભાવ વધશે? ક્યા નવા નિયમો લાગુ પડશે. આ વખતનો મહિનો ખાસ છે 31 ઓક્ટોબરે દિવાળી છે. તહેવારો બાદ આવતા મહિને પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થશે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. આ નિયમોમાં ગેસ સિલિન્ડરના ભાવ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજારના નિયમોનો સમાવેશ થાય છે. આઓ જાણીએ તમારા ખિસ્સા પર કેવી અસર થશે.
દર મહિને પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. સરકારીથી લઇને પ્રાઇવેટ કંપનીઓ નિયમોમાં ફેરફાર કરશે આની સામાન્ય જનતા પર અસર થશે.
ગેસ સિલિન્ડરની કિંમત
સામાન્ય રીતે સરકાર દર મહિનાની પહેલી તારીખે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 નવેમ્બરે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ નિયમો
જો તમે શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાણી કરો છો, તો આ નિયમની સીધી અસર તમારા પર પડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇનસાઇડર ટ્રેડિંગ રોકવા માટે સેબીએ નવા નિયમો બનાવ્યા છે, આ નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. સેબીએ ઇન્સાઇડર ટ્રેડિંગ નિયમોમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટનો સમાવેશ કર્યો છે.
ક્રેડિટ કાર્ડ નિયમ
હવે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ક્રેડિટ કાર્ડ દ્વારા એક સ્ટેટમેન્ટ સાયકલમાં રૂ. 50 હજારથી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ લેવામાં આવશે. SBI એ શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ અસુરક્ષિત ક્રેડિટ કાર્ડના ફાઇનાન્સ ચાર્જીસમાં પણ ફેરફાર કર્યો છે.
મેસેજ ટ્રેસેબિલિટી
આ સિવાય મેસેજ ટ્રેસેબિલિટી નિયમ પણ 1 નવેમ્બરથી અમલમાં આવશે. સરકારે ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી છે. મતલબ કે હવે કોલની સાથે મેસેજ પણ ચેક કરી શકાશે. સરકારે નકલી કોલ અને સ્પામને રોકવા માટે આ નિયમ લાગુ કર્યો છે, જેથી કેટલાક કીવર્ડ દ્વારા સ્પામ અને ફેક કોલની ઓળખ કરી શકાય.