- દેશની ફૂડ સેફ્ટી નિયમનકારી સંસ્થાએ પાછલા મહિને મસાલામાં રહી જતી
- જંતુનાશકની માત્રાની મહત્તમ મર્યાદા પ્રતિ કિલો 0.01સ્ખ્તથી વધારી 0.1 સ્ખ્ત કરી છે
- એફએસએસએઆઇના દાવા મુજબ માત્રા વધારવામાં આવી
ભારતની બે મસાલા બ્રાન્ડ એડીએચ અને એવરેસ્ટની પ્રોડક્ટ પર સિંગાપોર અને તે પછી હોંગકોંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને આ પ્રતિબંધને પગલે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ આ બ્રાન્ડના મસાલા રિજેક્ટ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે. આ વાતને લગભગ મહિનો થવા આવ્યો છે, છતાં ભારતમાં આ બન્ને બ્રાન્ડ સામે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી અને રાજ્ય સરકારોને આ બ્રાન્ડના મસાલાના સેમ્પલ લઇ તેનો ટેસ્ટ કરવાનો આદેશ માત્ર આપી સંતોષ માની લેવામાં આવ્યો છે. આવા સંજોગોમાં ફૂડ સેફટીનું નિયમન કરતી ટોચની સંસ્થાએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ પાછલા મહિને કોઇને ગળે ન ઉતરે એવો એક નિર્ણય લીધો છે, જે તેની નિયત સામે જ શંકા ઉઠાવે છે. કોઇ પણ દેશમાં ફૂડ સેફટીનું નિયમન કરતી સંસ્થા કોઇ પણ ખાદ્ય પ્રોડક્ટમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ રહી જાય તો તે કેટલી મર્યાદામાં સ્વીકાર્ય છે તેની મર્યાદા નક્કી કરતી હોય છે. આ મર્યાદાને ટેકનિકલ ભાષામાં મેક્સિમમ રેસિડયુ લિમિટ (એમઆરએલ) કહે છે. કોઇ પણ ખાદ્ય પદાર્થમાં આ નક્કી કરવામાં આવેલી મર્યાદા અનુસાર જ જંતુનાશકના ઘટકો હોય તો તેને કાયદેસરના ગણવામાં આવે છે. હવે નવાઇની વાત એ છે કે પાછલા મહિને એફએસએસએઆઇએ મસાલા માટેની આ ડિફોલ્ટ લિમિટ એટલે કે એમઆરએલ પ્રતિ કિલોએ 0.01 મિલિગ્રામથી વધારીને 0.1 મિલિગ્રામ પ્રતિ કિલો કરી છે. એટલે કે આ લિમિટમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. નવાઇની વાત એ છે કે અન્ય ખાદ્ય પદાર્થો માટેની આ મર્યાદા પ્રતિ કિલોના 0.01 મિલિગ્રામના પહેલાના સ્તરે જ યથાવત રાખવામાં આવી છે. અલબત્ત એફએસએસએઆઇએ આ મર્યાદા વધારતી વખતે એમ પણ જણાવ્યું છે કે જ્યારે ભારતના ધારાધોરણો અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણોમાં કોઇ એક ચોક્કસ પ્રોડક્ટ માટે એમઆરએલનો ઉલ્લેખ ન હોય ત્યારે જ આ વધારેલી મર્યાદા લાગુ પડશે.
માત્રા વધારવામાં આવી તે અંગે એફએસએસએઆઇ શું કહે છે?
હવે આ મર્યાદામાં 10 ગણો વધારો કેમ કરવામાં આવ્યો તેની વાત કરીએ તો એમઆરએલ માત્ર જંતુનાશક જ નહીં પરંતુ મેટાબિલાઇટ્સને પણ ગણતરીમાં લે છે. જંતુનાશક ભાંગે અને નાના નાના ઘટકોમાં વહેંચાઇ જાય તેને મેટાબિલાઇટ્સ કહે છે. આવી પ્રક્રિયાના કારણે પરીક્ષણ કરવામાં આવે ત્યારે વધુ માત્રામાં જંતુનાશક મળી આવે છે. આમ આ મર્યાદામાં વધારો કરવા માટે ફુડ સેફટીનું નિયમન કરતી સંસ્થા દ્રારા પ્રથમ આ કારણ રજુ કરવામાં આવ્યું છે.
બીજું એવું કારણ આગળ ધરવામાં આવ્યું છે કે કોઇ પણ પ્રોડક્ટમાં જંતુનાશકનું પ્રમાણ પ્રતિ કિલો 0,1 મિલિગ્રામથી ઓછું હોય તો તેને પકડવું ઘણું અઘરું છે. આથી પ્રોડક્ટમાં જંતુનાશક હોય તો તેને વધુ અસરકારકતાથી પકડી શકાય તે માટે આ મર્યાદા વધારવામાં આવી છે. ત્રીજુ કારણ પણ એટલું જ વિચિત્ર છે. કૃષિક્ષેત્રે જંતુનાશકોનો જે ઉપયોગ થાય છે તેને જે સ્તર સુધી અસરકારક રીતે નિયંત્રણમાં રાખી શકાય એમ છે, તે સ્તર પ્રોડક્ટમાં જંતુનાશકોનું પ્રમાણ પ્રતિ કિલોએ 0.01 મિલિગ્રામની મર્યાદા જાળવવા માટે સક્ષમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો ખેતીમાં જંતુનાશકોના ઉપયોગને એટલા સ્તર સુધી નિયંત્રણમાં રાખી શકાતો નથી કે જેથી ફિનિશ્ડ પ્રોડક્ટમાં પ્રતિ કિલો 0.01 મિલિગ્રામની મર્યાદા જાળવી શકાય ! આ ત્રણે કારણો બીજા કોઇએ નહીં પરંતુ એફએસએસએઆઇ દ્રારા આ મર્યાદા વધારવામાં આવે તેવી ભલામણ કરનારી પેનલના સભ્ય એવા એક વૈજ્ઞાનિકે જ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યા હતા.
એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ મર્યાદા વધારવામાં આ તે પછી પણ મસાલામાં જંતુનાશકોનું સ્તર બહુ નીચું રહે છે અને તેથી આ મસાલાનો વપરાશ કરનારા માનવીના આરોગ્ય પર ખાસ કોઇ અસર કરે એવી કોઇ શક્યતા નથી. પેનલના સભ્ય એવા વૈજ્ઞાનિકે એમ પણ જણાવ્યું હતું કે કોઇ પણ ખેતપેદાશમાં જંતુનાશકનું જે મહત્તમ પ્રમાણ રહી જવાની શક્યતા હોય તેના આધારે એમઆરએલની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આરોગ્યની દ્રષ્ટિએ કેટલી મર્યાદા હોવી જોઇએ તેની સાથે તેને કોઇ સંબંધ નથી. જોકે તેઓ એવી પણ દલીલ કરે છે કે એમઆરએલ હેઠળ જે મર્યાદા નક્કી કરવામાં આવી છે તે મર્યાદા મસાલાનો ઉપયોગ કરનારા માનવીને આરોગ્યની દ્રષ્ટિએ અસર કરી શકે એવી માત્રાથી ઘણી ઓછી છે.
ભારતીયો ખોરાકમાં મસાલાનો ભરપૂર ઉપયોગ કરતા હોવાથી લાંબા ગાળે વિપરીત અસર શક્ય
જોકે નિષ્ણાતોનો એક વર્ગ એવો મત પણ ધરાવે છે કે ભારતીયો તેમના ખોરાકમાં મસાલાનો પુષ્કળ ઉપયોગ કરે છે અને લાંબાં ગાળે આ મસાલામાં રહેલી જંતુનાશકની માત્રા સંચિત થઇને આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર પાસે ઉપલબ્ધ આંકડા મુજબ ભારતમાં સીઆઇબી એન્ડ આરસી સમક્ષ 295થી પણ વધારે પેસ્ટિસાઇડ્સની નોંધણી થઇ છે અને તે પૈકીના 139 પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ મસાલા માટે કરવાની છૂટ આપવામાં આવી છે.
ફિલ્ડ ટેસ્ટના આધારે એમઆરએલની સમયાંતરે સમીક્ષા થાય છે
એમઆરએલની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી હોય છે એ એક હકીકત છે. વિવિધ કંપનીઓ દ્રારા ફિલ્ડ ટ્રાયલના ડેટા એકત્ર કરવામાં આવે છે અને આ ડેટા સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટિ (સીઆઇબી એન્ડ આરસી)ને આપવામાં આવતા હોય છે. આ ડેટાના આધારે વૈજ્ઞાનિકો જંતુનાશકોમાં રહેલા રસાયણોના મિશ્રાણનો અભ્યાસ કરે છે. આ રસાયણોનો જથ્થો કેટલો છે અને તેમની આરોગ્ય પર અસર કરવાની ક્ષમતા કેટલી છે એ બન્ને પરિબળોની સંયુકત અસર શું થઇ શકે તેને ધ્યાનમાં રાખી આ અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસના આધારે એમઆરએલની સમીક્ષા થાય છે.
ભારતીય ધારાધોરણોમાં એમઆરએલ વિશ્વના દેશોમાં સૌથી ઓછી હોવાનો દાવો
એફએસએસએઆઇએ મસાલા માટેની પેસ્ટિસાઇડ્સની ડિફોલ્ટ લિમિટ વધારી તેની કેવી અસર થઇ શકે છે એ અંગે પ્રતિક્રિયા આપતા નિષ્ણાતો જણાવે છે કે મર્યાદા વધારવામાં આવી તેથી માનવના શરીરમાં વધુ જંતુનાશકો જાય એ તો સહેજે સમજી શકાય એવી વાત છે. આના જવાબમાં એફએસએસએઆઇના વૈજ્ઞાનિકો જણાવે છે કે જો કોઇ પણ પ્રોડક્ટમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ જંતુનાશકો હશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. સરકાર પણ વારંવાર એવો દાવો કરતી રહે છે કે ભારતમાં એમઆરએલનું જે સ્તર છે તે વિવિધ દેશોના આ પ્રકારના સ્તરમાં સૌથી નીચું છે.
ભારતીય મસાલાની કેટલીક બ્રાન્ડે FSSAIની ક્ષમતા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે
મસાલામાં જંતુનાશકોની રહી જતી માત્રા માટેની મર્યાદા વધારવા માટે એફએસએસએઆઇએ જે કારણો આગળ ધર્યા છે તેને આપણે સાચા માની લઇએ તો પણ હકીકત એ છે કે એમડીએચ અને એવરેસ્ટ મસાલામાંથી ઇથિલીન ઓક્સાઇડ નામના પેસ્ટિસાઇડની માત્રા નિર્ધારિત મર્યાદાથી વધુ પ્રમાણમાં મળતા આ મસાલા પર કેટલાંક દેશોમાં પ્રતિબંધ મુકાયો છે છતાં પણ ભારતમાં હજી સુધી કાર્યવાહીના નામે મિંડુ જ છે. આ બાબત એફએસએસએઆઇ કેટલી ગંભીરતાથી કામ કરે છે તેની પર પ્રકાશ પાડે છે.
એમઆરએલ વધારવા માટેના સમર્થનમાં FSSAIના વૈજ્ઞાનિકોની દલીલ
એમઆરએલ મેટાબિલાઇટ્સને પણ ગણતરીમાં લેતી હોવાથી મર્યાદા વધારવી જરૂરી
જંતુનાશકનું પ્રમાણ પ્રતિ કિલો 0,1 મિલિગ્રામથી ઓછું હોય તો ટેસ્ટમાં પકડવું અઘરું, આથી વધુ અસરકારકતાથી પકડી શકાય તે માટે મર્યાદા વધારાઇ
કૃષિક્ષેત્રે જંતુનાશકોના વપરાશના નિયંત્રણનું સ્તર વ્યવહારિક રીતે પ્રોડક્ટમાં જંતુનાશકોને પ્રતિ કિલો 0.01 મિલિગ્રામના સ્તરે રાખવા માટે સક્ષમ નથી આથી મર્યાદા વધારાઇ