- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી
- જે કર્મચારીઓની નિયુક્તિ 2006 બાદ થઈ હોય તેમને મળશે લાભ
- ચૂંટણીમાં OPS આપવાનું વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું: સિદ્ધારમૈયા
છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ જ મુદ્દે કર્ણાટક સરકારે મહત્વનો નિર્ણય લઈને હજારો સરકારી કર્મચારીઓને રાજીના રેડ કરી દીધા છે.

કર્ણાટકના સરકારી કર્મચારીઓને મળશે OPSનો લાભ
કર્ણાટકમાં 13 હજાર સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો ફાયદો મળશે તે નક્કી થઈ ગયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ અંગે માહિતી આપતા ગઇકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું. માહિતી આપવામાં આવી છે કે કર્ણાટક સરકારે પોતાના 13,000 કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) હેઠળ આવરી લેવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
કયા કર્મચારીઓને મળશે OPSનો લાભ
જૂની પેન્શન યોજનાનો લાભ તે 13 હજાર કર્મચારીઓને લાગુ પડશે જેમને 2006 પહેલા નોટિફાય કરવામાં આવ્યા હતા પરંતુ તેમની નિયુક્તિ બાદમાં થઈ હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે નવી પેન્શન યોજનાનો વિરોધ કરી રહેલા કર્મચારીઓને વાયદો કર્યો હતો તે આજે પૂર્ણ કરવામાં આવ્યો છે.
સીએમ સિદ્ધારમૈયાએ કર્યું હતું ટ્વિટ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે ચૂંટણી પહેલા, મે તે સ્થળોની મુલાકાત કરી હતી જ્યાં કર્મચારીઓ નવી પેન્શન યોજના (NPS)ના વિરોધમાં હડતાળ પર ઉતર્યા હતા. ત્યાં મે તેમને વચન આપ્યું હતું કે સત્તામાં આવતાની સાથે જ તેમની માંગ પુરી કરવામાં આવશે. મને આશા છે કે આ નિર્ણયથી 13,000 સરકારી કર્મચારીઓના પરિવારોને રાહત મળશે.’
મહારાષ્ટ્ર સરકાર પણ આપી ચૂકી છે પોતાના કર્મચારીઓને OPSનો લાભ
ગત જાન્યુઆરી મહિનામાં સમાચાર સામે આવ્યા હતા કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માટેનો વિકલ્પ આપ્યો છે. વાસ્તવમાં, તે 26,000 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમની નિયુક્તિ 2005 બાદ થઈ હતી.