અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક બજારો ફફડી ગયા છે. આજે એશિયન બજારો પણ નીચા મથાળે ખૂલ્યા છે. તો ગઇકાલે અમેરિકન બજારોમાં 3 મહિનાનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે અને તે 3 ટકા સુધી તૂટયા છે. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 286 અંકના ઘટાડા સાથે 61512 પર ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 81 અંક ઘટીને 18333 પર ખૂલી.


ભારતમાં શું થશે અસર?

અમેરિકી વ્યાજદરમાં વધારાની સીધી અસર ભારત પર પણ પડી છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર વધાર્યા બાદ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ ઘટી શકે છે. આનાથી સ્થાનિક બજારોમાંથી વિદેશી રોકાણકારોનો ઉપાડ વધશે. ફરી એકવાર FII ની ભારતમાંથી એક્ઝિટ શરૂ થઈ શકે છે અને બજાર ઘટવાનું ચાલુ રાખી શકે છે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે પણ તેના રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો છે.

નવેમ્બર મહિનામાં રિટેલ વેચાણના આંકડા ધાર્યા કરતાં વધુ ઘટ્યા બાદ ગુરુવારે અમેરિકન બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેના કારણે અમેરિકામાં મંદીનો ભય વધુ ઘેરો બન્યો છે. કારણ કે ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં સતત વધારાને કારણે અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ માટે સપ્ટેમ્બર પછીનો ગુરુવાર સૌથી ખરાબ દિવસ સાબિત થયો.

અમેરિકન માર્કેટમાં જોરદાર ઘટાડો

ડાઉ જોન્સ 764.13 પોઈન્ટ એટલે કે 2.25% ઘટીને 33,202.22ના સ્તર પર છે. S&P 500 2.49 ટકા ઘટીને 3,895.75 પર પહોંચ્યો, તેના ડિસેમ્બરના નુકસાનને લગભગ 4.5 ટકા સુધી લંબાવ્યું. નાસ્ડેક કમ્પોઝિટ 3.23 ટકા ઘટીને 10,810.53 પર છે. કારણ કે ટેક-હેવી ઈન્ડેક્સે 2022માં તેની ખોટનો આંકડો વધીને લગભગ 31 ટકા કર્યો છે.

એપલ-માઈક્રોસોફ્ટના શેર તૂટ્યા

S&P 500 ટ્રેડિંગમાં માત્ર 14 શેર જ પોઝિટિવ આવ્યા. એપલના શેરની સાથે મેગા-કેપ ટેક શેરોમાં ઘટાડો થયો હતો. Apple Alphabet ના શેર 4 ટકા તૂટ્યા. તે જ સમયે, એમેઝોન અને માઇક્રોસોફ્ટના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો થયો હતો. ડિજીડેના અહેવાલ પછી નેટફ્લિક્સનો શેર 8.6 ટકા સુધી ઘટ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Netflix દર્શકોની સંખ્યામાં ઘટાડો થયા પછી જાહેરાતકર્તાઓને પૈસા પાછા આપવાની ઓફર કરી રહી છે.

ફુગાવો ભારે પડી રહ્યો છે

નિરાશાજનક રિટેલ વેચાણના અહેવાલ મુજબ, ફુગાવો ગ્રાહકો પર અસર કરી રહ્યો છે. વાણિજ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં રિટેલ વેચાણ 0.6 ટકા ઘટ્યું હતું, જ્યારે ડાઉ જોન્સે 0.3 ટકાના ઘટાડાનો અંદાજ મૂક્યો હતો. સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે તેના વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ અમેરિકન માર્કેટમાં વેચવાલી શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું હતું કે તે 2023 સુધી દર વધારવાનું ચાલુ રાખશે અને તેના ફેડ ફંડ રેટ 5.1% જેટલા ઊંચા રહેવાની આગાહી કરે છે.

ફેડ રિઝર્વે વ્યાજ દરમાં વધારો કર્યો

વ્યાજદરમાં વધારા બાદ ફેડ રિઝર્વનો લક્ષ્યાંક 4.25 ટકાથી 4.50 ટકાની વચ્ચે પહોંચી ગયો છે. આ વ્યાજ દર છેલ્લા 15 વર્ષમાં એટલે કે 2007 પછી સૌથી વધુ છે. ડાઉ જોન્સ બુધવારે 34,000 ની નીચે બંધ થયો હતો અને પછી નબળા રિટેલ વેચાણ ડેટાને પગલે ગુરુવારે વેચવાલી વધુ તીવ્ર બની હતી. મંદીની વધતી આશંકાથી બેંક શેરોમાં પણ ઘટાડો થયો છે. જેપી મોર્ગન ચેઝે લગભગ 2.5 ટકા ગુમાવ્યા છે.

બ્રિટન મંદીમાં ફસાયું

બ્રિટન પહેલેથી જ આર્થિક મંદીની ઝપેટમાં છે. ત્યાં જ મોંઘવારી વધતા લોકોની મુશ્કેલીઓ વધી છે. વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે મંદીમાંથી બહાર આવવા માટે વ્યાજદરમાં વધારો કર્યો છે. અમેરિકન માર્કેટમાં આવેલા ઘટાડાની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી છે અને શુક્રવારે પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરમાં વધારો કર્યો

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવારે તેના મુખ્ય વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આ સેન્ટ્રલ બેંકે વ્યાજ દર 0.50 ટકા વધારીને 3.5 ટકા કર્યો છે. છેલ્લા 14 વર્ષમાં આ તેનું સર્વોચ્ચ સ્તર છે. ડિસેમ્બર 2021 પછી આ સતત 9મી વખત છે, જ્યારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરમાં વધારો કર્યો છે.

  • Follow us on: