વિદેશમાંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે થતા ખર્ચની દ્રષ્ટિએ ભારત એ સૌથી સસ્તો દેશ ગણાય છે, તેમ છતાં હકીકત એ છે કે આવી રીતે વિદેશમાંથી સગાસંબંધી દ્રારા મોકલવામાં આવેલા નાણાં પ્રાપ્ત કરનાર ભારતીય નાગરિકને ટ્રાન્સફર કોસ્ટ પેટે આશરે 5 ટકા જેટલો ખર્ચ ભોગવવો પડે છે.

આરબીઆઇ દ્રારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર એક દેશમાંથી બીજા દેશમાં 200 ડોલર મોકલવા માટે થતાં ખર્ચની વૈશ્વિક સરેરાશ 2009માં આશરે 9.7 ટકા હતી તે 2024માં ઘટીને 6.7 ટકા થઇ છે. આમ છતાં આ સરેરાશ જી20 દેશો દ્રારા નક્કી કરવામાં આવેલા 5 ટકાના લક્ષ્યાંક અને યુનોના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી)ના 3 ટકાના લક્ષ્યાંક કરતાં ઊંચી છે. એક દેશમાંથી અન્ય દેશમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થતાં ખર્ચમાં ફી અને ફોરેન એક્સચેન્જ રેટ માટે થતાં ખર્ચનો સમાવેશ થાય છે.

જોકે આરબીઆઇના સર્વે મુજબ ભારત હાલમાં જી20 દેશોએ નક્કી કરેલી સરેરાશનું લક્ષ્ય હાંસલ કરવામાં સફળ થયું છે. 2023માં ભારતમાં નાણાં ટ્રાન્સફર કરવા માટેનો સરેરાશ ખર્ચ 4.9 ટકા નોંધાયો હતો અને 2024માં પૂર્વાર્ધમાં આ ખર્ચની સરેરાશ 5 ટકાથી સહેજ ઉપર રહી છે, પરંતુ આ સરેરાશ વૈશ્વિક સરેરાશથી ઓછી છે.

2024ના બીજા ત્રિમાસિક ગાળામાં વિદેશમાંથી મોકલવામાં આવતા નાણાંના કુલ વહેવારોમાંથી 30 ટકા વહેવારો ડિજિટલ ટ્રાન્ઝક્શન્સથી થયા હતા. આવા ડિજિટલ વહેવારો જોકે સસ્તા પડે છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સથી કરવામાં આવેલી ટ્રાન્સફર માટે થતાં ખર્ચની સરેરાશ 4 ટકા નોંધાઇ છે, જે 5 ટકાની એકદંર સરેરાશથી એક ટકા જેટલી નીચી છે. આ બાબત રેમિટન્સના સંદર્ભમાં ડિજિટલ વહેવારો ખર્ચ ઘટાડવામાં કેટલા ઉપયોગી બને છે તેની પ્રતિતી કરાવે છે. જોકે ટ્રાન્સફર કરવામાં આવતા નાણાંની રકમ ઓછી હોય તો ટ્રાન્સફર પેટે થતો ખર્ચ વધુ થાય છે. 200 ડોલરથી ઓછી રકમની ટ્રાન્સફર કરવામાં આવે તો ખર્ચની સરેરાશ 4.6 ટકા થાય છે, જ્યારે 200થી 500 ડોલરની રકમને ટ્રાન્સફર કરવા માટે થતાં ખર્ચની સરેરાશ ઘટીને 2.4 ટકા થઇ જાય છે. હાલમાં એક દેશમાંથી બીજા દેશમાં નાણાં ટ્રાન્સફર કરવાના ક્ષેત્રે પણ સ્પર્ધા વધી રહી છે તેના કારણે ફિનટેક કંપનીઓ અને મનિ ટ્રાન્સફર ઓપરેટર્સ (એમટીઓ) ખૂબ જ સસ્તા દરે નાણાં ટ્રાન્સફર કરી આપે છે.