રોકાણકારો તેમના જૂના અને જેની પર દાવો ન કરાયો હોય એવા શેર કે ડિવિડન્ડની રકમ મેળવી શકે તે માટે કેન્દ્રિય કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી (એમસીએ) દ્રારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આવી પ્રક્રિયાના ભાગરૂપે ચાલુ વર્ષમાં જુલાઇ કે ઓગસ્ટ સુધીમાં એક ઇન્ટિગ્રેટેડ પોર્ટલનું લોચિંગ કરવામાં આવશે. આ ઉપરાંત દાવેદારોના દાવાને મંજૂર કરવા માટે ખાસ કેમ્પ પણ યોજવામાં આવશે અને સાથે સાથે આવી મંજૂરીને ઝડપી બનાવે એવી એક નવી યોજના પણ લોંચ કરાશે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.
હાલમાં આવા દાવા પર પ્રક્રિયા કરીને તેને મંજૂરી આપવામાં અક્ષ્યમ વિલંબ થઇ રહ્યો છે એવી અનેક ફરિયાદો મળી છે. એમસીએ દ્રારા જે નવું પોર્ટલ લોંચ કરાવમાં આવનાર છે તેના દ્રારા દાવેદારો જૂના શેર અને ડિવિડન્ડ માટેનો તેમનો દાવો સબમિટ પણ કરી શકશે અને આવો દાવો કરવામાં આવ્યો હોય તો તેની શું સ્થિતિ છે તેની ચકાસણી પણ કરી શકશે. હાલમાં જે ડિવિડન્ડ કે શેરો પર કોઇનો દાવો પુરવાર ન થયો હોય એવા શેર અને ડિવિડન્ડ એમસીએ હસ્તક કાર્યરત ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (આઇઇપીએફએ)માં રાખવામાં આવે છે. આવા શેરો, ડિવિડન્ડ અને ડિબેન્ચર્સને સંબંધિત કંપનીઓ જ આ ઓથોરિટીના ખાતામાં ટ્રાન્સફર કરે છે. હાલમાં આઇઇપીએફએનું જે પોર્ટલ છે તે દાવેદારોને તેમનું ફોર્મ ભરવા માટે જરૂરી હોય એવી માહિતી સર્ચ કરવા માટેની સુવિધા જ પુરી પાડે છે. આ ઉપરાંત દાવો રજુ કરવા માટે નિષ્ણાતોની મદદ મળે અને દાવેદારોને જલ્દીથી આવા શેર સોંપી શકાય તે માટે એક નવી સ્કીમ પણ એમસીએ લોંચ કરશે. આ માટેનો નિર્ણય ટુંક સમયમાં જ લેવામાં આવશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.