શેરબજારમાં અત્યારે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહમાં શેરબજારમાં મંદી અને તેજી પાછી મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં વારંવાર થતા બદલાવને લઈને સેબી પણ નજર રાખી રહી છે. દરમ્યાન સેબીના ધ્યાનમાં કેટલાક સોદાઓને લઈને શંકા જતા તપાસ હાથ ધરી હતી. આ તપાસ બાદ બોલીવુડ અભિનેતા અરશદ વારસી સેબીના સંકજામાં આવ્યા છે.
અભિનેતા અરશદ સહિત 58 લોકો પર પ્રતિબંધ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'સર્કિટ' તરીકે લોકપ્રિય બનેલા અભિનેતા અરશદ વારસી પર શેરબજાર નિયમનકાર સેબીએ પ્રતિબંધ લગાવ્યો. બજાર સાથે છેતરપિંડી કરવા મામલે સેબીએ અરશદ વારસી, તેની પત્ની મારિયા અને તેના ભાઈ પર સિક્યોરિટીઝ માર્કેટમાં એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો. અરશદ ઉપરાંત સેબીએ અન્ય 58 લોકોને બજારમાંથી પ્રતિબંધિત કર્યા. આ મામલે સેબીએ જાણકારી આપી કે બજારમાં આ લોકો દ્વારા કરવામાં આવેલ સોદાઓ ટ્રેડિંગ નહીં પરંતુ છેતરપિંડી હોવાનું જણાતા આ પગલું લેવામાં આવ્યું.
શેરબજારમાં કેવી રીતે કરી છેતરપિંડી
આખરે અભિનેતા અરશદ વારસી અને અન્ય લોકોએ બજાર સાથે કેવી રીતે છેતરપિંડી કરી તેને લઈને સવાલ થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અભિનેતા અને અન્ય 58 લોકો દ્વારા YouTube ચેનલ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. YouTube ચેનલના વિડિયો મારફતે અજાણ્યા રોકાણકારોને આકર્ષિત કરવામાં આવતા હતા. એટલે કે કોઈ કંપનીના શેર લે-વેચ કરવા માટે તેઓ ચેનલ મારફતે હિન્ટ આપતા અને તેના બાદ કંપનીના ભાવને પ્રભાવિત કરતા. 8 માર્ચ 2022 થી 30 નવેમ્બર 2022 સુધી ચાલેલી સેબીની તપાસમાં આ છેતરપિંડીની સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી.
યુટયુબર ચેનલ પર ખોટી વસ્તુઓનો પ્રચાર
સેબીએ યુટ્યુબ પર ખોટી વસ્તુઓનો પ્રચાર કરવા માટે બનાવવામાં આવેલી પેઇડ માર્કેટિંગ ઝુંબેશનો પણ પર્દાફાશ કર્યો છે. રોકાણકારોને ખોટી રીતે ગેરમાર્ગે દોરનાર પાંચ યુટ્યુબ ચેનલોની સેબીએ ઓળખ કરી. જેમાં ધ એડવાઇઝર, મિડકેપ કોલ્સ, પ્રોફિટ યાત્રા, મનીવાઈઝ અને ઇન્ડિયા બુલિશ નામ સામે આવ્યા. આ ચેનલ મારફતે ખોટી માહિતી ફેલાવવામાં આવતી હતી. આ ચેનલોએ SBL ના કપટપૂર્ણ પ્રમોશનમાં ભૂમિકા ભજવી હતી, જેનાથી સંડોવાયેલા લોકોની સંડોવણી વધુ વધી હતી. પ્રમોટરોએ તેમનો હિસ્સો વેચતા પહેલા SBLના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારવા માટે ગેરમાર્ગે દોરતા YouTube વિડિઓઝનો ઉપયોગ કરવામાં આવતો હતો. જણાવી દઈએ કે સેબીના અંતિમ આદેશમાં અરશદ વારસી સહિતના 7 વ્યક્તિઓ પર 5 વર્ષનો પ્રતિબંધ અને અન્ય 54 લોકો પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.