આજે બુધવારે ફરી વખત શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે અને BSE સેન્સેક્સમાં 230 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. ત્યારે દિગ્ગજ ઉદ્યોગપિત ગૌતમ અદાણીની કંપનીના શેરોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
માર્કેટ 200 પોઈન્ટના વધારા સાથે થયું બંધ
આ દરમિયા આજે સેન્સેક્સ 230.02 પોઈન્ટના વધારા સાથે 80,234.08 પોઈન્ટ પર બંધ થયો છે. ત્યારે એક સમયે સેન્સેક્સ 507.09 પોઈન્ટ સુધી ઉપર ગયો હતો અને સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 18 કંપનીઓ નફામાં રહી, જ્યારે 12 નુકસાનમાં રહી હતી. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 80.40 પોઈન્ટના વધારા સાથે 24,274.90 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે પાવર, કેપિટલ ગુડ્સ અને સર્વિસ સેક્ટરની કંપનીના લગતા તમામ શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
અદાણી પોર્ટ્સના શેરમાં મોટો વધારો નોંધાયો
ત્યારે આ દરમિયાન અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સમાં આજે સૌથી વધુ 6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત એનટીપીસી, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, મારુતિ અને એક્સિસ બેન્કના શેરમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ટાઈટન, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, HCL ટેક, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક અને ICICI બેન્કના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો
અદાણી ગ્રુપે આરોપો પર પણ કરી સ્પષ્ટતા
આજે અદાણી ગ્રીન એનર્જીના નિવેદન બાદ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીન એનર્જીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીએ કહ્યું કે કથિત લાંચ કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ સામે યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી. તેના પર સિક્યોરિટીઝ છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેની સજા નાણાકીય દંડ છે.













