- કંપની પોર્ટના વિકાસમાં વધુ રોકાણ કરશે તેવો ઇઝરાયલને વિશ્વાસ
- આ ડીલ ભારત સાથેના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરશે
- અદાણી ઇઝરાયલમાં અન્ય પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કરશે
હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની વેલ્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેવા સમયે અદાણી જૂથે ઇઝરાયલના હાઈફા પોર્ટને ટેકઓવર કરવા માટે 1.2 અબજ ડોલર (આશરે રૂ. 9,943 કરોડ)ની ચુકવણી કરી છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આ ડીલ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે, હાઈફા જેવા સ્ટ્રેટેજીક પોર્ટને અદાણિને સોપવું એ અમારો ભારત પરનો વિશ્વાસ દર્શાવે છે.
પોર્ટને આગળ વધારવાની અદાણિમાં ક્ષમતા
દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નાઓર ગિલોને કહ્યું કે, આ પોર્ટને આગળ વધારવાની અદાણીમાં પૂરી ક્ષમતા છે. આ ડીલના કારણે ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યાપારિક સંબંધો ઓર આગળ વધશે. અદાણી ગ્રૂપ ઇઝરાયલમાં અન્ય પ્રોજેક્ટ્સમાં પણ રસ દાખવ્યો હતો. અમને આશા છે કે તેમને સફળતા મળશે. અમારી સ્ટ્રેટેજીક એસેટને ભારતીય કંપનીને સોપાવી એ ઇઝરાયલનો ભારત પ્રત્યેનો ઊંડો વિશ્વાસ દર્શાવે છે.
આજના દિવસમાં અદાણીને રૂ. 45,500 કરોડનું નુકસાન
ભારતીય સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો થવાથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં કડાકો બોલી ગયો હતો જેના પગલે આજના દિવસે ગૌતમ અદાણીની માર્કેટ કેપમાં રૂ. 45,500 કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી રીતે જોઈએ તો પોર્ટ ખરીદવામાં જેટલી રકમ ચૂકવવામાં આવી છે તેના કરતાં આશરે ચાર ગણું નુકસાન અદાણી ગ્રૂપને સ્ટોક માર્કેટના કડકાના કારણે થયું છે.