ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનને મદદ કરનાર તુર્કીની મુસીબત દિવસ જાય તેમ વધી રહી છે. પહેલા સરકારે અને હવે દેશના લોકો તુર્કી અને અઝરબૈજાન બોયકોટ કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે મોટો નિર્ણય લીધો છે. તેઓએ અમદાવાદ એરપોર્ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ માટે તુર્કીની કંપની સેલેબીની સાથે પોતાની પાર્ટનરશિપ પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.
તુર્કીને લઇને લીધો નિર્ણય
ભારત સરકારના આદેશ બાદ ગૌતમ અદાણીએ આ નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા લિમિટેડની સુરક્ષા મંજૂરી રદ કરી હતી. આ પછી સેલેબીને તાત્કાલિક તેમનું બધું કામ અદાણીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ચીનને પણ પાઠ ભણાવ્યો
તુર્કીની સાથે અદાણીની આ કંપનીએ પણ ચીનને પાઠ ભણાવ્યો છે. અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે ડ્રેગનપાસ સાથે પણ કરાર સમાપ્ત કરી દીધો છે. ડ્રેગનપાસ એક ચીની કંપની છે જે એરપોર્ટ લાઉન્જ અને મુસાફરી સેવાઓ પૂરી પાડે છે. અદાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરપોર્ટ લાઉન્જની સુવિધા પૂરી પાડતી કંપની ડ્રેગનપાસ સાથેનો અમારો કરાર તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવ્યો છે. હવે આ ચીનીની આ કંપનીના ગ્રાહકો અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ પરના લાઉન્જનો ઉપયોગ કરી શકશે નહીં.
હવે આગળ શું ?
તુર્કીની કંપની સેલેબીએ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે તે તુર્કીની કંપની નથી. કંપનીએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમે કોઈપણ રીતે તુર્કી સંગઠન નથી અને કોર્પોરેટ ગવર્નન્સ, પારદર્શિતા અને તટસ્થતાના આંતરરાષ્ટ્રીય ધોરણોનું સંપૂર્ણ પાલન કરીએ છીએ. અમારો કોઈ વિદેશી સરકાર કે વ્યક્તિઓ સાથે કોઈ રાજકીય સંબંધ નથી. હવે જોવાનું એ છે કે સરકાર આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે.