• ફૂડ પ્રોડક્ટ કંપનીઓને નિયમભંગ કરવા મોકળું મેદાન

  • કુલ 15 સેરેલેકની પ્રોડક્ટ્ના ટેસ્ટના પરિણામ પરથી એવું ફલિત થયું
  • સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય બ્રાન્ડના મસાલાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

    એક સ્વિસ એજન્સીની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે નેસ્લે ભારત સહિતના વિકાશશીલ દેશોમાં વચાતી તેની બાળકો માટેની પ્રોડક્ટમાં ખાંડ ઉમેરે છે. આ ઉપરાંત સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય બ્રાન્ડના મસાલાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે. આવા સંજોગોમાં ફૂડ બ્રાન્ડ દ્વારા આ પ્રકારે નિયમભંગ કેમ કરવામાં આવે છે તેની વિગતો પર એક નજર રસપ્રદ થઇ પડશે.

સ્વીસ એજન્સીએ બેલ્જિયમમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે ભારતમાં નેસ્લે વિકસિત દેશોની તુલનાએ હલકી ગુણવત્તાની પ્રોડક્ટ વેચે છે

સ્વિસ ઇન્વેસ્ટિગેશન એજંસી પબ્લિક આઇએ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં નેસ્લે દ્રારા વેચવામાં આવતી બેબી ફૂડની પ્રોડક્ટ્સના સેમ્પલ બેલ્જિયમની એક લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. 6 મહિનાથી 2 વર્ષના બાળકો માટેની આ પ્રકારની કુલ 15 સેરેલેકની પ્રોડક્ટ્ના ટેસ્ટના પરિણામ પરથી એવું ફલિત થયું હતું કે આ પ્રોડક્ટમાં પ્રતિ પેકેટદીઠ એડેડ સુગરનું પ્રમાણ સરેરાશ 2.7 ગ્રામથી પણ વધુ છે. આ જ પ્રકારની જે પ્રોડક્ટ્સ યુરોપમાં વેચવામાં આવે છે તેમાં સહેજ પણ સુગર એડ કરવામાં આવતી નથી. યુરોપ માટેની ડબ્લ્યુએચઓની ગાઇડલાઇન અનુસાર 3 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકો માટેની કોઇ પણ પ્રકારની પ્રોડક્ટમાં સુગર કે અન્ય કોઇ પણ સ્વિટનિંગ એજન્ટ એડ કરવા પર પ્રતિબંધ છે. બીજી તરફ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)ની ગાઇડલાઇન્સમાં જણાવ્યા અનુસાર બાળકો માટેની ન્યુટ્રિશનલ પ્રોડક્ટમાં કાર્બોહાઇડ્રેટ્સ માટે લેક્ટોઝ અને ગ્લુકોઝ પોલિમર્સના ઉપયોગને પ્રાધાન્ય આપવું જોઇએ અને કાર્બોહાઇડ્રેટના સ્રોત તરીકે જરૂરી ન હોય તો સુક્રોઝ કે ફ્રકટોઝનો ઉમેરો ન કરવો જોઇએ. જો આવો ઉમેરો કરવામાં આવે તો તેનુ પ્રમાણ કુલ કાર્બોહાઇડ્રેટ્સના 20 ટકાથી વધવું ન જોઇએ.

પોતાની બેધારી નીતિ ખુલ્લી પડતા નેસ્લેએ બચાવ માટે ચતુરાઇપૂર્વક ભારતના પ્રસ્થાપિત ધોરણોને જ જવાબદાર ઠેરવ્યા !

    નેસ્લએ પણ તેની પર આરોપો લાગ્યા તેનો બચાવ કરવા માટે ભારત અને વિશ્વના ધારાધોરણોની ભિન્નતાનો સહારો લીધો હતો. વૈશ્વિક અખબારોમાં નેસ્લેના પ્રવક્તાએ પોતાની પ્રતિક્રિયામાં એમ જણાવ્યું હતું કે કંપની તેની પ્રોડક્ટ્સમાં સ્થાનિક અથવા તો વૈશ્વિક ધારાધોરણોને અનુસરે છે. સુગર જેનો ઘટક હોય છે એવા કાર્બોહાઇડ્રેટ્સની કેટલી મર્યાદા રાખવી અને લેબલિંગની જરૂરિયાતો કેમ પૂર્ણ કરવી તે માટે પણ આ જ પ્રકારે ધારાધોરણોને અનુસરવામાં આવે છે. નેસ્લે ઇન્ડિયાના પ્રવક્તાએ ખૂબ જ ચતુરાઇપૂર્વક જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતમાં વેચાતી પ્રોજક્ટમાં સુગરનું પ્રમાણ ઓછું કરવાને કંપની પ્રાધાન્ય આપે છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રોડક્ટના આધારે સુગરના પ્રમાણમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની સુગરના પ્રમાણને ઘટાડવા માટે સતત તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરતી રહી છે અને આ સમીક્ષાના આધારે પ્રોડક્ટના બંધારણમાં સતત ફેરફાર કરવામાં આવે છે. આ બચાવની સ્વિસ એજંસીના રિપોર્ટ સાથે તુલના કરી તેના આધારે જો તારણ કાઢીએ તો એવો અર્થ નીકળે છે કે ફૂડ પ્રોડક્ટમાં ક્યા પ્રકારના કેટલા ઘટકો હોવા જોઇએ એ સ્થાનિક કાયદાઓ પર આધાર રાખે છે. આથી આ કાયદાઓ એટલા કડક હોવા જોઇએ કે જેથી કોઇ પણ કંપની એક દેશમાં સારી અને બીજા દેશમાં હલકી પ્રોડક્ટ વેચવાની હિંમત ન કરી શકે.

ભારતની અગ્રણી મસાલા બ્રાન્ડમાં કેન્સરને નોંતરે એવું તત્ત્વ : સિંગાપોર-હોંગકોંગે પ્રતિબંધ મૂક્યો ભારતમાં તપાસ થાય છે

   ભારતના અન્ય કેટલાક ફૂડ પ્રોડક્ટ્સ ઉત્પાદકો પણ તાજેતરમાં ગુણવત્તા અંગેના નિયમોના ભંગ બદલ તપાસના દાયરામાં આવ્યા છે. પાછલા સપ્તાહે સિંગાપોરે ભારતમાં ઉત્પાદિત મસાલાની બે બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. આ બન્ને મસાલા બ્રાન્ડની પ્રોડક્ટનું પરીક્ષણ કરતાં તેમાં ઇથિલન ઓક્સાઇડ નામનું એક કાર્સિનોજેનિક મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર્સિનોજેનિકના ઉપયોગના કારણે કેન્સર રોગ થઇ શકે છે. સિંગાપોરે આ મસાલા પર પ્રતિબંધ મુક્યો તે પછી ત્રણ જ દિવસમાં હોંગકોંગ પણ તેને અનુસર્યું હતું અને હવે હોંગકોંગમાં પણ મસાલાની આ બ્રાન્ડના વેચાણ પર પ્રતિબંધ છે.

યૂ-ટયૂબરે બોર્નવિટામાં 50 ટકા સુગરનો ઘટસ્ફોટ કર્યો, સરકારે પ્રોડક્ટને હેલ્થ ડ્રિંકસની યાદીમાંથી બાકાત કરી સંતોષ માન્યો !

એપ્રિલ, 2023માં એક ઇન્ફ્લુઅન્સરે એક વિડિયો અપલોડ કરી મોન્ડેલેઝ ઇન્ડિયાની બોર્નવિટા પ્રોડક્ટના 100 ગ્રામમાં 50 ગ્રામ સુગર હોય છે એવો દાવો કર્યો તે પછી આ કંપનીને માત્ર એક નોટિસ પાઠવવામાં આવી હતી. તે પછી તપાસના આધારે ચાલુ મહિનામાં સરકારે ઇ કોમર્સ કંપનીઓને માત્ર એવો આદેશ આપીને સંતોષ માન્યો હતો કે આ પ્રકારની મોલ્ટ બેઝડ ડ્રિંક્સ પ્રોડક્ટને હેલ્થ ડ્રિંક્સની યાદીમાંથી બાકાત કરવામાં આવે. અગાઉ 2015માં સ્વાદને વધારવા માટે વધુ પડતી માત્રમાં લિડ અને મોનોસોડિયમ ગ્લુટામેટનો ઉપયોગ કરવા બદલ નેસ્લેની જાણીતી પ્રોડક્ટ મેગી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

કાયદાઓની છટકબારી શોધી ફૂડ ઉત્પાદક કંપનીઓ મનમાની કરવામાં પાવરધી, અસરકારક જોગવાઇઓ તાતી જરૂરિયાત

નેસ્લે દ્રારા ભારતમાં વેચાતી બેબી પ્રોડ્કટમાં સુગર એડ કરવામાં આવે છે એવો પર્દાફાશ વિદેશી એજંસીએ કર્યો તે પછી કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતોના મંત્રાલયે એફએસએસએઆઇને નેસ્લે સામે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. કોઇ પણ કૌભાંડ પ્રકાશમાં આવે ત્યારે તેના ઉપાય તરીકે ભારતમાં જે પદ્ધતિ લોકપ્રિય છે એ પ્રમાણે આ આરોપની તપાસ માટે પણ એક કમિટિની રચના કરવામાં આવી છે. જો કંપની દોષી ઠરશે તો તેની સામ કડક પગલાં લેવામાં આવશે એવી ખાતરી પણ નિયમનકારી સંસ્થાએ આપી છે. આમ છતાં એફએસએસએઆઇની આ ખાતરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ફેબ્રુઆરીમાં એફએસએસએઆઇના અધિકારીઓ અને કેન્દ્રના વાણિજ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી, જેમાં અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ બેઠકમાં ચર્ચાને અંતે એફએસએસએઆઇને ફૂડ સેફટી માટેની એક માત્ર નિયમનકારી સંસ્થા તરીકેની જવાબદારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો હવે એકથી વધારે કાયદાઓને લીધે ઊભી થતી છટકબારીઓનું નિવારણ કરી ફૂડ સેફટીને લગતા કાયદા અને જોગવાઇઓ મજબૂત બનાવવામાં આવે તો આ પ્રકારે કંપનીઓને નિયમભંગ કરીને લોકોના જાન સાથે જોખમ કરતી અટકાવી શકાશે.

ખાટલે મોટી ખોટ : ભારતમાં ફૂડ સેફટીનું નિયમન કરતી સંસ્થા પાસે દંડનીય પગલાં લેવાની સત્તા જ નથી

    જ્યારે પણ કોઇ નિયમભંગ થાય ત્યારે સંબંધિત ક્ષેત્રની નિયમનકારી સંસ્થાને દોષ દેવો સહેલો હોય છે. મોટા ભાગના કિસ્સામાં આવું દોષારોપણ સાચું પણ હોય છે. પરંતુ ફૂડ પ્રોડક્ટ્સના કિસ્સામાં થતાં નિયમભંગ માટે નિયમનકારી જોગવાઇમાં જ રહેલી એક મોટી ખામી જવાબદાર છે. 2006માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ પસાર કરવામાં આવ્યો તે પછી આ કાયદાની જોગવાઇ અનુસાર 2008માં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)ની રચના કરવામાં આવી હતી. કાયદાની જોગવાઇ મુજબ આ ઓથોરિટીએ ફૂડ પ્રોડક્ટ્સ ઉત્પાદકોનું નિયમન કરવાનું છે અને તેને લગતી નીતિનું નિર્ધારણ કરવાનું છે. જોકે કોઇ ઉત્પાદક કંપની આ નીતિનું ઉલ્લંઘન કરે તો તેની સામે દંડાત્મક કાર્યવાહીની કે તેને દંડ કરવાની સત્તા આ ઓથોરિટી પાસે નથી. આ ઉપરાંત ફૂડ પ્રોડક્ટ્નું પરીક્ષણ કરવા માટે લેબોરેટરી અને ઇક્વિપમેન્ટ જેવા સંસાધનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આ સંસ્થા ધરાવતી નથી. લાયસંસ આપવા માટે અને નીતિના અમલ માટે જરૂરી કર્મચારીઓની તંગીનો પણ આ સંસ્થા સામનો કરી રહી છે. સંસ્થા ઇચ્છિત પરિણામો આવે એવી રીતે કાર્ય કરી શકે તે માટે તેને પૂરતું ફંડ પણ ફાળવવામાં આવતું નથી. આટલું ઓછું હોય એમ ફૂડ પ્રોડક્ટ માટે ક્યા પ્રકારના સાવ મૂળભૂત કહી શકાય એવા ક્યા સ્ટાન્ડર્ડ હોવા જોઇએ તેની યોગ્ય યાદી પણ આ સંસ્થાએ તૈયાર ન કરી હોવાનું નિષ્ણાતો જણાવે છે.

વિકસિત દેશોમાં જાગૃત્તિ ફેલાવવાની જવાબદારી ઉત્પાદક કંપનીઓની જ, ભારતમાં આવા અભિયાન થતાં જ નથી

ભારત જેવા દેશોમાં મોટા ભાગના ગ્રાહકો ફૂડ પ્રોડક્ટ્સના પેકેટ પર આપેલી વિગતો પર કાળજીપૂર્વક ધ્યાન આપવા ટેવાયેલા નથી. આવા સંજોગોમાં ગ્રાહકોમાં આ અંગે જાગૃત્તિ ફેલાવવા માટે ખાસ પ્રકારના કેમ્પેઇન તૈયાર કરી તેને લોંચ કરવા એ સમયની માંગ છે. વૈશ્વિક સ્તરે ફૂડ પ્રોડક્ટ કંપનીઓના માથે પ્રોડક્ટની ગુણવત્તા જાળવવાની જવાબદારી તો હોય જ છે, પરંતુ તે ઉપરાંત ગ્રાહકોમાં પ્રોડક્ટ અંગે જાગૃત્તિ ફેલાવવાની જવાબદારી પણ તેમના શિરે હોય છે. જો તેઓ આ પ્રકારે જાગૃત્તિ ફેલાવવામાં નિષ્ફળ જાય તો પણ તેમને જવાબદાર ઠેરવી તેમની સામે પગલાં લેવામાં આવે છે. આથી વિકસિત દેશોમાં ફૂડ પ્રોડક્ટની ગુણવત્તાના સંદર્ભમાં નિયમભંગના કિસ્સાઓ જોવા મળતાં નથી. જો કોઇ કંપનીમાં આવો નિયમભંગ જોવા મળે તો તેનું વેચાણ એકદમ ઘટી જાય છે અને જાહેર જનતામાં પણ તેનો ઘણો વિરોધ થાય છે. આ ઉપરાંત કંપનીઓની સામ કડક પગલાં લઇ જંગી રકમનો દંડ પણ કરવામાં આવે છે. આ હકીકત પરથી બોધપાઠ લઇને સરકારે એફએસએસએઆઇને દંડાત્મક કાર્યવાહી કરવાની સત્તા આપવી જોઇએ અન્યથા વિવિધ કંપનીઓ પોતાના ફાયદા માટે ગ્રાહકોના હિતને જોખમમાં મુકે એવી નીતિ રીતીનો ક્યારેય અંત નહીં આવે


  • Follow us on: