આજના સમયમાં લોકો પેટ્રોલ ડીઝલના વધતા ખર્ચથી બચવા ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળી રહ્યા છે. ભારતીય બજારમાં પણ ઇલેક્ટ્રિક કારની ડિમાન્ડ એટલી ઝડપથી વધી રહી છે કે હવે દિગ્ગજ ઓટોમોબાઇલ કંપનીઓ લાંબી રેન્જવાળી અને આધુનિક ફીચર્સવાળી કાર લાવવાની રેસમાં ઉતરી ગઈ છે. ખાસ કરીને લોકોનું ટેન્શન વારંવાર કાર ચાર્જ કરવાનું હોય છે,જેને દૂર કરવા કંપનીઓ હવે 600 કિલોમીટર સુધીની રેન્જવાળી કાર પર વધારે ફોકસ કરી રહી છે. આવનારા દિવસોમાં ટોયોટા,ટાટા, નિસાન અને કિયા જેવી કંપનીઓ અદ્યતન ટેકનોલોજી, જોરદાર ડિઝાઇન અને દમદાર રેન્જ સાથે તેમની નવી પાવરફુલ ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં ઉતારવા જઈ રહી છે.ચાલો જાણીએ બજારમાં ધૂમ મચાવવા આવનારી આ ઇલેક્ટ્રિક કાર વિશે વિગતવાર.
ટોયોટા અર્બન ક્રુઝર ઇવી
આ યાદીમાં સૌથી પહેલું નામ ટોયોટા અર્બન ક્રુઝર ઇવીનું છે. કંપની આ મહિને જ પોતાની આ પહેલી ઇલેક્ટ્રિક કાર બજારમાં ઉતારવાની પૂરી તૈયારી કરી ચૂકી છે. આ કાર મારુતિની ઇલેક્ટ્રિક કાર જેવી જ હશે, જેમાં ગ્રાહકોને બે બેટરી પેકના ઓપ્શન મળશે. આમાંથી એક 440 કિલોમીટર અને બીજી 543 કિલોમીટરની શાનદાર રેન્જ આપશે.બજેટની વાત કરીએ તો આ કારની કિંમત લગભગ 16 લાખ રૂપિયાની આસપાસ હોવાનો અંદાજ છે.
ટાટા સીએરા ઇવી અને સફારી ઇવી
ઇલેક્ટ્રિક માર્કેટમાં ટાટા મોટર્સ પણ ક્યાંય પાછળ નથી.કંપની તેની આઇકોનિક કાર સીએરાને હવે એકદમ નવા અને ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક અવતારમાં પાછી લાવી રહી છે. આ કારનો લુક ખૂબ જ આધુનિક હશે અને તે સિંગલ ચાર્જ પર 600 કિલોમીટર સુધી દોડવાની ક્ષમતા ધરાવશે.આ ઉપરાંત, ટાટા તેની પોપ્યુલર સફારીનું પણ ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરી શકે છે.સફારી ઇવી 6 અને 7 સીટર ઓપ્શનમાં આવશે અને તે પણ 600 કિલોમીટરની દમદાર રેન્જ સાથે માર્કેટમાં એન્ટ્રી મારશે.
નિસાન લીફ 2026
આગામી સમયમાં નિસાન લીફ 2026 પણ લોન્ચ થવાની કતારમાં છે.આ કાર તેની પહેલાની ડિઝાઇનો કરતા ઘણી એડવાન્સ ટેકનોલોજી અને નવા લુક સાથે આવશે. એવું કહેવાય છે કે આ કારની રેન્જ પણ 600 કિલોમીટરની આસપાસ હશે.ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ,પ્રીમિયમ ઇન્ટિરિયર અને સ્માર્ટ કનેક્ટેડ ફીચર્સ તેને એક પરફેક્ટ મોડર્ન ઇલેક્ટ્રિક કાર બનાવે છે. જોકે,આ કાર ભારતમાં ક્યારે લોન્ચ થશે તેને લઈને કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
કિયા સાયરોસ ઇવી
ટાટા નેક્સનને સીધી ટક્કર આપવા માટે કિયા તેની નવી સાયરોસ ઇવી મેદાનમાં ઉતારવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ કારને ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ કારમાં શાનદાર એલોય વ્હીલ્સ અને ઓટોમેટિક ગ્રિલ જેવા લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે. રેન્જની વાત કરીએ તો આ કાર પણ ફુલ ચાર્જ પર 500 કિલોમીટર સુધી આરામથી ચાલી શકશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો - Auto News : વિદેશોમાં ધૂમ મચાવી રહી છે આ ભારતની કાર, એક્સપોર્ટમાં બનાવ્યો નવો રેકોર્ડ