કલ્પના કરો કે, તમારી ઇલેક્ટ્રિક કાર હાઇવે પર પૂરપાટ ઝડપે દોડી રહી છે અને કોઈ પણ જાતના કેબલ કે ચાર્જિંગ સ્ટેશન પર રોકાયા વિના તેની બેટરી આપોઆપ ચાર્જ થઈ રહી છે. આ દૃશ્ય હવે ફ્રાન્સની ધરતી પર હકીકત બની ચૂક્યું છે! દેશે વિશ્વનો પ્રથમ એવો મોટરવે શરૂ કર્યો છે, જે ચાલતા વાહનોને વાયરલેસ રીતે ચાર્જ કરે છે.આ અનોખો પ્રયોગ માત્ર ટેકનિકલ રીતે જ ક્રાંતિકારી નથી,પણ તે ભવિષ્યના માર્ગોનો રોડમેપ પણ રજૂ કરે છે, જ્યાં રસ્તાઓ પોતે જ ઊર્જાના સ્રોત તરીકે કામ કરશે.

ડાયનામિક વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ

ટકાઉ ગતિશીલતાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતાં ફ્રાન્સે વિશ્વનો પ્રથમ એવો મોટરવે શરૂ કર્યો છે, જેમાં ડાયનામિક વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેક્નોલોજી ઇલેક્ટ્રિક વાહનોને ચાલતી વખતે જ ચાર્જ કરવાની સુવિધા પૂરી પાડે છે, જેથી હવે કાર કે ટ્રકને ચાર્જિંગ માટે રોકાવું નહીં પડે.

ચાર્જ એઝ યુ ડ્રાઇવ

પેરિસથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા A10 મોટરવે (A10 Motorway France) પર આ અનોખા પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. વિન્સી ઓટોરૂટ્સના નેતૃત્વ હેઠળ ઇલેક્ટ્રિઓન જેવી સંસ્થાઓએ “ચાર્જ એઝ યુ ડ્રાઇવ” પ્રોજેક્ટ દ્વારા આ ટેકનોલોજીને રિયલ-ટાઇમ ટ્રાફિક સિચ્યુએશનમાં લાવી દીધી છે.

ટેકનિકલ સફળતા અને ઊર્જા ટ્રાન્સફર

લગભગ 1.5 કિલોમીટર લાંબા આ હાઇવે સેક્શનમાં, રોડની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ્સ જડવામાં આવ્યા છે. આ કોઇલ્સ પરથી ટ્રક, બસ અને પેસેન્જર કાર જેવા ઇલેક્ટ્રિક વાહનો પસાર થાય છે, ત્યારે તેમને ચાલતી વખતે જ વીજળી મળે છે.આ ડાયનામિક ઇન્ડક્શન ચાર્જિંગમાં EV પસાર થાય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા વીજળી વાહનના રિસીવર સુધી પહોંચે છે. આનાથી બેટરી નાની અને હલકી વાપરી શકાય છે.

ભારે વાહનોના ઇલેક્ટ્રિફિકેશનની ગતિ વધશે

નિષ્ણાતો માને છે કે, આ ટેકનોલોજીથી ભારે વાહનોના ઇલેક્ટ્રિફિકેશનની ગતિ અનેક ગણી વધશે અને લોજિસ્ટિક્સ સેક્ટરમાંથી થતા કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે.Electreonના સીઇઓએ આને "ઇલેક્ટ્રિક રોડ ટેકનોલોજીના ઇતિહાસનો નિર્ણાયક વળાંક" ગણાવ્યો છે. ફ્રાન્સનો આ પ્રયોગ મોટરવે પર ડાયનામિક ચાર્જિંગનું પરીક્ષણ કરનારો વિશ્વનો પ્રથમ પ્રયોગ છે.

વૈશ્વિક પ્રયોગો અને ભવિષ્યના ફાયદા

ફ્રાન્સનો આ પાઇલટ પ્રોજેક્ટ વિશ્વભરના દેશો માટે માર્ગદર્શક બન્યો છે.જર્મની, ઇટાલી, સ્વીડન, અમેરિકા અને ચીન જેવા અન્ય દેશો પણ આ ઇલેક્ટ્રિક રોડ સિસ્ટમની ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહ્યા છે.

આ પ્રણાલીના ફાયદાઓ

  • નાની બેટરીના ઉપયોગથી લિથિયમ જેવા આયાતી ખનીજો પરની નિર્ભરતા ઘટશે.
  • લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઇલેક્ટ્રિફિકેશનની કિંમત ઓછી થશે.
  • એકંદરે EVના ઉપયોગને પ્રોત્સાહન મળશે.
  • આ 1.5 કિલોમીટરનો સેગમેન્ટ માત્ર શરૂઆત છે, જે ભવિષ્યમાં હજારો કિલોમીટરના રસ્તાઓ માટેનો રોડમેપ તૈયાર કરશે.