ભારતીય ટેક્સી બજારમાં છેલ્લા ઘણા સમયથી OLA અને Uber જેવી ખાનગી એપ્લિકેશન-આધારિત કંપનીઓની મનમાની ચાલી રહી હતી. જેને કારણે ડ્રાઇવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો (લગભગ 25%) કમિશન તરીકે આપવો પડતો હતો અને ગ્રાહકોને પણ અચાનક વધેલા ભાડા કે બુકિંગ રદ થવાથી મુશ્કેલી પડતી હતી. આ અન્યાયી વ્યવસ્થાના જવાબ રૂપે કેન્દ્ર સરકારે 'ભારત ટેક્સી' (Bharat Taxi) નામની દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા લૉન્ચ કરી છે. સહકારિતા મંત્રાલય અને NeGDના સંયુક્ત પ્રયાસથી શરૂ કરાયેલી આ પહેલનો હેતુ ડ્રાઇવરોને આર્થિક રીતે સશક્ત કરવાનો અને મુસાફરોને ભરોસાપાત્ર, પારદર્શી અને પોસાય તેવો વિકલ્પ પૂરો પાડવાનો છે.
‘નો કમિશન’ મોડેલથી ડ્રાઇવરોને સીધો ફાયદો
ભારત ટેક્સીની સૌથી મોટી અને ક્રાંતિકારી વિશેષતા તેનું ‘નો કમિશન’ મોડેલ છે. આ મોડેલ હેઠળ ડ્રાઇવરોને તેમની દરેક સવારીની કમાણી પર સંપૂર્ણ માલિકી મળશે. તેમણે માત્ર દૈનિક, સાપ્તાહિક અથવા માસિક સભ્યપદ ફી ચૂકવવાની રહેશે. આનાથી લાખો ડ્રાઇવરોની આવક અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સેવાથી જોડાનારા વાહનચાલકોને સન્માન સાથે ‘સારથી’ નામ આપવામાં આવશે, જે ડ્રાઇવિંગ વ્યવસાયને નવું ગૌરવ આપશે. ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વિઝન મુજબ, આ નફો કોઈ ધનશેઠના ખિસ્સામાં નહીં, પરંતુ સીધો ડ્રાઇવર પાસે જશે.
