તહેવારોની મોસમમાં ખરીદી માટે સૌથી શુભ ગણાતા ધનતેરસના પવિત્ર દિવસે અમદાવાદના બજારોમાં આજે ભારે ધમધમાટ જોવા મળ્યો. સોના-ચાંદીની સાથે સાથે આજે વાહનોની ખરીદીમાં ગ્રાહકોએ જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો હતો. જેના કારણે શહેરના તમામ ઓટોમોબાઈલ શોરૂમ્સમાં વાહનોનું બમ્પર વેચાણ નોંધાયું છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં પોતાના સપનાનું વાહન ઘરે લાવવા માટે લોકોએ મહિનાઓ પહેલાથી બુકિંગ કરાવ્યા હતા.
અમદાવાદમાં આજે ગાડીઓનું બમ્પર વેચાણ
આજે સવારથી જ શહેરના નાના-મોટા તમામ કાર અને ટુ-વ્હીલર શોરૂમ્સમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. આજના એક જ દિવસમાં પ્રત્યેક મોટા શોરૂમમાં અંદાજે 70થી 80 ગાડીઓની ડિલિવરી કરવામાં આવી હોવાનું વેપારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ આંકડો સામાન્ય દિવસોની તુલનામાં અનેકગણો વધુ છે. આ વર્ષે વાહનોની ખરીદીમાં થયેલા વધારા પાછળનું એક મુખ્ય કારણ GSTના દરોમાં ઘટાડો પણ છે. GST ઘટવાના કારણે વાહનોની કિંમતોમાં નોંધપાત્ર રાહત મળી છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થયો છે.













