વિજયા દશમી અને દશેરાના પવિત્ર મુહૂર્ત નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યના ઓટોમોબાઇલ માર્કેટમાં ભારે ધૂમ ખરીદી જોવા મળી છે. આજના એક જ દિવસમાં રાજ્યભરના ઓટોમોબાઇલ શોરૂમ્સમાંથી આશરે 7,000થી 8,500 જેટલી નવી ફોર-વ્હીલર (પેસેન્જર કાર અને SUV)ની ગ્રાહકોને સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે. દશેરાના શુભદિને ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને કોમર્શિયલ વાહનો મળીને કુલ 35,000થી 40,000 વાહનોનું વેચાણ નોંધાયું છે, જેમાં એકલી કાર શ્રેણીનો હિસ્સો 15%થી 20% જેટલો ભવ્ય રહ્યો છે.

ટાટા અને મારુતિના શોરૂમ્સ પર પડાપડી

કાર વેચાણના આંકડાઓનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ભારતીય ગ્રાહકોમાં SUV અને ક્રોસઓવર મોડેલ્સની માંગ સૌથી વધુ (આશરે 55%થી વધુ) રહી છે. ખાસ કરીને કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં ટાટા નેક્સન, મારુતિ બ્રેઝા, હ્યુન્ડાઈ ક્રેટા અને મહિન્દ્રા 3XO ની ડિલિવરી મેળવવા માટે શોરૂમ્સ પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. બ્રાન્ડ્સની દ્રષ્ટિએ મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને કિયાએ રાજ્યના ઓટો માર્કેટમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.

New record of vehicle purchases on Dussehra in Gujarat

અમદાવાદ અગ્રેસર, ઈલેક્ટ્રિક કારનો હિસ્સો પણ વધ્યો

રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2,200થી 2,500થી વધુ કારોની ડિલિવરી થઈ છે. આ ઉપરાંત સુરતમાં 1,500થી 1,800 કાર તથા વડોદરા અને રાજકોટમાં પ્રત્યેક શહેરમાં 1,000થી 1,200 કારોનું વેચાણ નોંધાયું છે. બીજી તરફ, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને નવી ટેકનોલોજીના કારણે ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર (EV) ક્ષેત્રે પણ ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો છે, જેના પરિણામે કુલ કાર વેચાણમાં આશરે 6%થી 8% હિસ્સો ઈલેક્ટ્રિક કારનો રહ્યો છે.

(નોંધ: RTO 'વાહન' પોર્ટલ પર અંતિમ ડિજિટલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને નંબર પ્લેટ ઇશ્યૂ કરવાની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહેતી હોવાથી, RTO અને FADA દ્વારા અધિકૃત આખરી ડેટા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.)

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો