લક્ઝરી કાર MINI Cooperએ ભારતીય બજારમાં તેની નવી જનરેશન Cooper Convertible S લોન્ચ કરી છે. આ પ્રીમિયમ કન્વર્ટિબલ કારની એક્સ-શોરૂમ કિંમત ₹58.50 લાખ રાખવામાં આવી છે. ભારત માટે આ મોડલ સંપૂર્ણપણે બિલ્ટ યુનિટ (CBU) તરીકે લાવવામાં આવ્યું છે. MINIના શોરૂમ્સમાં તેની બુકિંગ શરૂ થઈ ગઈ છે અને કસ્ટમરને ડિલિવરી પણ આપવામાં આવી રહી છે. આ કાર ખાસ કરીને એવા ડ્રાઇવિંગ પ્રેમીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ ખુલ્લી છત સાથે સ્પોર્ટી ડ્રાઇવનો અનુભવ માણવા માંગે છે.

ક્લાસિક MINI ડિઝાઇનમાં આધુનિક ટચ

નવી MINI Convertible Sમાં બ્રાન્ડની ઓળખરૂપ ક્લાસિક ડિઝાઇન યથાવત રાખવામાં આવી છે, સાથે જ તેમાં આધુનિક અપડેટ્સ ઉમેરવામાં આવ્યા છે. આગળના ભાગમાં રાઉન્ડ LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જેમાં ત્રણ અલગ-અલગ DRL પેટર્ન જોવા મળે છે. નવી ગ્રિલ, તેમજ સ્વાગત અને ગુડબાય લાઇટ એનિમેશન સાથે જમીન પર પ્રોજેક્ટ થતો MINI લોગો કારને વિશેષ ઓળખ આપે છે. ટૂંકી લંબાઈ અને સીધી સાઇડ પ્રોફાઇલ MINI ની પરંપરાગત ઓળખને જાળવે છે. તેમાં નવા ડિઝાઇનવાળા 18-ઇંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. પાછળની બાજુએ કાળા પટ્ટામાં લખાયેલ કારનું નામ અને LED ટેલલાઇટ્સ જોવા મળે છે. આ મોડલ ચાર અલગ-અલગ રંગ ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

સોફ્ટ-ટોપ રૂફ અને આધુનિક ઇન્ટિરિયર

આ કારની સૌથી ખાસ વિશેષતા તેની સોફ્ટ-ટોપ કન્વર્ટિબલ રૂફ છે. કાળા કાપડની આ છત માત્ર 18 સેકન્ડમાં ખૂલે છે અને 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ તેને ઓપન કરી શકાય છે. અડધા રસ્તે ખોલવામાં આવે ત્યારે તે સનરૂફ તરીકે પણ ઉપયોગી બને છે. કારના ઇન્ટિરિયર માં MINI ની ક્લાસિક ડિઝાઇન થીમ જાળવી રાખવામાં આવી છે. તેમાં રાઉન્ડ આકારની OLED ટચસ્ક્રીન આપવામાં આવી છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ બંને તરીકે કાર્ય કરે છે. આ સિસ્ટમ MINI ની નવીનતમ ટેક્નોલોજી પર આધારિત છે અને વૉઇસ કમાન્ડ સપોર્ટ પણ આપે છે.

શક્તિશાળી એન્જિન અને શાનદાર પરફોર્મન્સ

નવી MINI Convertible S માં 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 201 bhp પાવર અને 300 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 7-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કંપનીના દાવા અનુસાર, કાર માત્ર 6.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, જ્યારે તેની ટોપ સ્પીડ 240 કિમી પ્રતિ કલાક છે. સલામતીની દૃષ્ટિએ, તેમાં છ એરબેગ્સ, ABS, રિયર કેમેરા અને અનેક ડ્રાઇવર આસિસ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Rupee VS Dollar : ભારતીય રૂપિયો ડોલરની બરાબર થાય તો થશે મોટો ફાયદા, iPhone સહિત અનેક વસ્તુઓ થશે સસ્તી!