ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં અગ્રેસર એવી Ather Energy એ તેના ગ્રાહકો માટે એક અત્યંત આધુનિક અને ઉપયોગી સુવિધા રજૂ કરી છે. કંપનીના CEO તરુણ મહેતાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, કંપનીએ લાંબા સમયથી પ્રતીક્ષિત 'વોઇસ ઓન એથર' (Voice on Ather) સુવિધાનું સફળતાપૂર્વક રોલઆઉટ પૂર્ણ કરી લીધું છે. આ ફીચર હવે Gen 3 હાર્ડવેર ધરાવતા મોડેલ્સ માટે ઉપલબ્ધ બન્યું છે, જે રાઈડિંગના અનુભવને એક નવા સ્તરે લઈ જશે.


શું છે આ 'વોઇસ ઓન એથર'?

આ સુવિધાને તમે સ્કૂટર માટેના 'ગૂગલ આસિસ્ટન્ટ' કે 'સિરી' તરીકે જોઈ શકો છો. તે ખાસ રીતે તૈયાર કરાયેલા લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) પર આધારિત છે, જે ભારતીય ભાષાઓ અને બોલીની પેટર્નને ખૂબ જ ચોકસાઈથી સમજી શકે છે. આ ફીચર દ્વારા રાઈડર સ્કૂટરને સીધા આદેશો આપી શકે છે. આ માટે રાઈડરે માત્ર કંપનીના સ્માર્ટ હેલ્મેટ કે અન્ય કોઈપણ બ્લૂટૂથ હેડસેટનો ઉપયોગ કરવાનો રહેશે.

કયા કાર્યોમાં મદદરૂપ થશે?

આ વોઇસ કમાન્ડ ફીચર હાલમાં મુખ્ય ચાર કાર્યોમાં અત્યંત ઉપયોગી છે:

1. નેવિગેશન: રાઈડિંગ દરમિયાન નજીકનું ચાર્જિંગ સ્ટેશન ક્યાં છે તે અંગેની માહિતી મેળવી શકાય છે.

2. વાહન સેટિંગ્સ: સ્કૂટરના ટ્રેક્શન કંટ્રોલ અથવા અન્ય સેટિંગ્સમાં અવાજ દ્વારા ફેરફાર કરી શકાય છે.

3.કોમ્યુનિકેશન: કૉલ્સ અને અન્ય સૂચનાઓનું સંચાલન કરવું હવે વધુ સરળ બન્યું છે.

4.  મીડિયા કંટ્રોલ: અવાજ દ્વારા સંગીત કે વોલ્યુમ નિયંત્રિત કરી શકાય છે.

કયા સ્કૂટર્સને મળશે લાભ?

આ અપડેટ Ather 450X, 450 Apex અને Ather Rizta Z મોડેલ્સ માટે ઉપલબ્ધ છે. જોકે, Ather 450S અને Rizta S ના વપરાશકર્તાઓને આ સુવિધાનો લાભ મળશે નહીં. ગ્રાહકોને આ ફીચર OTA (ઓવર-ધ-એર) અપડેટ દ્વારા મળી રહ્યું છે.

સ્કૂટર રાઈડર સાથે દ્વિ-માર્ગી સંવાદ કરશે

ભવિષ્યમાં આ સિસ્ટમને વધુ વિકસિત કરવામાં આવશે, જેમાં સ્કૂટર રાઈડર સાથે દ્વિ-માર્ગી સંવાદ (Two-way communication) કરી શકશે. સ્કૂટર પોતે રસ્તામાં આવતા ખાડા, પાર્કિંગની સ્થિતિ અને ટાયર પ્રેશર જેવી મહત્વની વિગતો રાઈડરને જણાવી શકશે. Ather Energy દ્વારા આ ટેકનોલોજીકલ ક્રાંતિ ભારતીય ઈ-સ્કૂટર માર્કેટમાં એક મોટું પરિવર્તન સાબિત થશે, જે રાઈડિંગને માત્ર સુરક્ષિત જ નહીં, પરંતુ વધુ આનંદદાયક અને સ્માર્ટ પણ બનાવશે.

આ પણ વાંચોઃ Pakistan એ અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 11 બાળકો સહિત 13ના મોત 


  • Follow us on: