ઓટોમોબાઈલ સેક્ટરમાં જ્યારે પણ સુરક્ષાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે આપણા મગજમાં કાર અને તેના એરબેગ્સના વિચાર આવે છે. પરંતુ, જાપાની ટુ-વ્હીલર દિગ્ગજ કંપની યામાહા (Yamaha) એ આ ધારણાને બદલી નાખી છે. કંપનીએ વિશ્વનું પહેલું એરબેગ સિસ્ટમ ધરાવતું સ્કૂટર 'યામાહા ટ્રિસિટી 300' (Yamaha Tricity 300) રજૂ કરીને ટુ-વ્હીલર માર્કેટમાં સનસનાટી મચાવી દીધી છે.


અકસ્માત સમયે કાર જેવું રક્ષણ

આ સ્કૂટરની સૌથી મોટી વિશેષતા તેમાં આપવામાં આવેલી એરબેગ સિસ્ટમ છે. સામાન્ય રીતે ટુ-વ્હીલર પર સવાર વ્યક્તિ અકસ્માત સમયે સીટ પરથી આગળ ફેંકાઈ જતી હોય છે. યામાહાએ આ જોખમને ઘટાડવા માટે આગળના ભાગમાં ખાસ સેન્સર્સ અને એરબેગ ફિટ કરી છે. જ્યારે પણ સ્કૂટર કોઈ વસ્તુ સાથે અથડાય છે, ત્યારે આ અદ્યતન સેન્સર્સ પળવારમાં એરબેગને ખોલી નાખે છે, જે સવારને ગંભીર ઈજાઓથી બચાવે છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સીટ બેલ્ટ વગર પણ રાઈડરને મહત્તમ સુરક્ષા આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

ત્રણ પૈડાં અને અદ્યતન ટેકનોલોજી

યામાહા ટ્રિસિટી 300 માત્ર એરબેગ જ નહીં, પણ તેની યુનિક ડિઝાઈન માટે પણ જાણીતું છે. તેમાં આગળ બે અને પાછળ એક એમ કુલ ત્રણ પૈડાં આપવામાં આવ્યા છે, જે રસ્તા પર શાનદાર સંતુલન અને પકડ પૂરી પાડે છે.

ડિઝાઈન: 2026ના આ મોડેલમાં સ્પોર્ટી ફ્રન્ટ પેનલ, એલઈડી લાઈટિંગ અને સ્ટાઈલિશ લુક આપવામાં આવ્યો છે.

બ્રેકિંગ: સુરક્ષા વધારવા માટે તેમાં ટ્રેક્શન કંટ્રોલ અને યુનિફાઇડ બ્રેકિંગ સિસ્ટમ (UBS) છે, જે લપસણા રસ્તા પર પણ ગાડીને કાબૂમાં રાખે છે.

સ્માર્ટ ફીચર્સ: રાઈડરની સુવિધા માટે 4.2-ઇંચનું TFT ડિસ્પ્લે અને ગાર્મિન નેવિગેશન કનેક્ટિવિટી ઉપલબ્ધ છે.

પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ

પરફોર્મન્સની વાત કરીએ તો, તેમાં 292ccનું લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે જે 28 PSનો પાવર જનરેટ કરે છે. તે ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે, જે તેને સીટી ટ્રાફિકમાં ચલાવવા માટે અત્યંત સરળ બનાવે છે. કંપનીના દાવા મુજબ, આ સ્કૂટર 30 kmplની આસપાસ માઈલેજ આપે છે, જે તેના કદ અને એન્જિન ક્ષમતા મુજબ પ્રશંસનીય છે.

લોન્ચિંગ અને ઉપલબ્ધતા

માર્ચ 2026માં આ સ્કૂટર સૌપ્રથમ યુરોપિયન દેશોમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. ત્યાં તે એરબેગ અને નોન-એરબેગ એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. જોકે, ભારતીય રસ્તાઓ પર આ 'સુપર સેફ' સ્કૂટર ક્યારે જોવા મળશે, તે અંગે હજુ સુધી કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો તે ભારતમાં લોન્ચ થાય છે, તો તે લક્ઝરી અને સેફ્ટી પસંદ કરતા ગ્રાહકો માટે પ્રથમ પસંદગી બની શકે છે.

આ પણ વાચોઃ Auto News: નવી 7-સીટર હાઇબ્રિડ SUVsની એન્ટ્રી; પ્રીમિયમ સેગમેન્ટમાં જામશે જોરદાર જંગ

  • Follow us on: