નાણાકીય વ્યવહારોમાં આપણો દેશ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં સતત આગળ વધી રહ્યો છે. લાખો લોકો દરરોજ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા નાની મોટી રકમની ચુકવણી કરતાં હોય છે. હવે તમારું પેમેન્ટ કોઈ ખોટા ખાતામાં નહીં જાય તેવી વ્યવસ્થા સાથે NPCIએ નવો નિયમ બહાર પાડ્યો છે. UPI કરતી વખતે ટ્રાન્ઝેક્શન સ્ક્રીન પર રીસીવરનું એ જ નામ દેખાશે જે બેંકના રેકોર્ડમાં નોંધાયેલું છે અને એ મુજબ જ પૈસા ટ્રાન્સફર થશે.
રૂપિયા ટ્રાન્સફર કરવામાં UPIની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે. તેની ઝડપ અને સરળતાએ તેને ખૂબ જ લોકપ્રિય બનાવ્યું છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે નાની ભૂલને કારણે પૈસા ખોટા ખાતામાં જાય છે, જે પાછા મેળવવા મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ખાતરી થશે કે પૈસા યોગ્ય વ્યક્તિ સુધી પહોંચ્યા
અત્યાર સુધી ઘણા લોકો મોબાઈલ ફોનમાં સેવ કરેલું નામ કે નંબર જોઈને પૈસા મોકલતા હતા, જેના કારણે છેતરપિંડી કે ભૂલ થવાની શક્યતા રહેતી હતી. નવા નિયમથી આ મૂંઝવણ દૂર થશે અને ખાતરી થશે કે પૈસા યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. ટ્રાન્ઝેક્શન સ્ક્રીન પર રીસીવરનું એ જ નામ દેખાશે જે બેંકના રેકોર્ડ (કોર બેન્કિંગ સિસ્ટમ)માં નોંધાયેલું છે અને એ મુજબ જ પૈસા ટ્રાન્સફર થશે.
વ્યક્તિથી વ્યક્તિ અને વેપારી માટે નિયમ લાગુ પડશે
આ નિયમ ખાસ કરીને P2P (વ્યક્તિથી વ્યક્તિ) અને P2PM (વ્યક્તિથી વેપારી) વ્યવહારો પર લાગુ થશે. તેનો ઉદ્દેશ્ય UPI વપરાશકર્તાઓને વધુ સુરક્ષા અને પારદર્શિતાનો છે. જ્યારે કોઈ વપરાશકર્તા કોઈને પૈસા મોકલે છે, ત્યારે તે વ્યવહાર પહેલાં વાસ્તવિક ખાતાધારકનું નામ જોશે, જેથી તે નક્કી કરી શકે કે પૈસા કોને મોકલવા.
તમામ પ્લેટફોર્મની સિસ્ટમમાં સામેલ કરવો પડશે
NPCIનો નવો નિયમ 30 જૂન, 2025 થી દેશભરમાં લાગુ થશે. ગૂગલ પે, ફોનપે, પેટીએમ અને ભીમ જેવા બધા યુપીઆઈ પ્લેટફોર્મે આ ફેરફારને તેમની સિસ્ટમમાં સામેલ કરવો પડશે. તેમ છતાં, જો કોઈ વ્યવહાર ભૂલથી ખોટા ખાતામાં થઈ જાય, તો વપરાશકર્તાએ તાત્કાલિક સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરવાનો રહેશે.
હેલ્પલાઇન 18001201740 ઉપર ફરિયાદ કરી શકાશે
જો પૈસા પરત ન મળે તો બેંકમાં અને NPCI હેલ્પલાઇન 18001201740 પર કૉલ કરીને ફરિયાદ કરી શકાશે. અથવા, UPI વેબસાઇટ ઉપર ફરિયાદ કરી શકાશે. આ ફેરફારથી વ્યવહારો સુરક્ષિત તો બનશે જ, સાથે સાથે ડિજિટલ પેમેન્ટ પર સામાન્ય લોકોનો વિશ્વાસ પણ વધશે.