22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય જવાનોએ વળતો જવાબ પાકિસ્તાનને આપ્યો છે અને પાકિસ્તાનમાં અનેક આતંકીવાદી ઠેકાણાઓ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જે પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ટેકો આપવા માટે NSEએ 1 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

પડકારજનક સમયમાં અસરગ્રસ્ત પરિવારો સાથે NSE: મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણ

પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા તમામ મૃતકોના પરિવારોને NSE 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપશે. આ પહેલ દ્વારા NSEએ આ દુઃખદ સમયમાં દેશ સાથે એકતા દર્શાવવાનો સંદેશ આપ્યો છે. NSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ આ પડકારજનક સમયમાં અસરગ્રસ્ત પરિવારો સાથે મજબૂત રીતે ઉભા છે. આશિષ ચૌહાણે વધુમાં કહ્યું કે આ સમગ્ર દેશ માટે દુઃખદ ક્ષણ છે. અમારી સંપૂર્ણ સંવેદના અને ટેકો પીડિતોના પરિવારો સાથે છે. અમે તેમને મદદ કરવા માટે શક્ય તેટલા બધા પગલાં લઈશું. નેશનલ સ્ટોક એક્સચેન્જે આ અંગે જાણકારી આપી છે.

https://twitter.com/NSEIndia/status/1915675205378154773


પીડિતોના સમર્થનમાં LIC પણ આવ્યું આગળ

ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ પણ આ હુમલાના પીડિતોને મદદ કરવાની તૈયારી બતાવી છે. LICએ જાહેરાત કરી કે તે નાણાકીય સહાય પૂરી પાડવા માટે કલેમ સેટલમેન્ટને પ્રાથમિકતા આપશે. LICએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી અમને ખૂબ દુઃખ થયું છે.